ગાંધીચીંધ્યા માર્ગ્ો ગ્રામસેવાના થયેલાં કાર્યનું ઉત્તમ દસ્તાવેજીકરણ…

ઉત્સવ

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશી

નામ- મારું ગામડું
લેખક- બબલભાઈ પ્રાણજીવનદાસ મહેતા
પ્રકાશક- નવજીવન કાર્યાલય
પ્રકાશન વર્ષ- ૧૯૩૯
કુલ પાનાં- ૨૨૪
કિંમત- નવ આના

આચાર્ય ગિદવાણી સ્મારક ગ્રંથમાળામાં પ્રગટ થયેલું આ ચોથું પુસ્તક છે. પ્રકાશક પોતાના નિવેદનમાં નોંધે છે કે ગિદવાણીજીને આવાં પ્રકાશનો બહુ પ્રિય હતાં. એમના નામ સાથે જોડાયેલી માળા સમાજશાસ્ત્રની અનેકવિધ શાખાઓની કંઈક ને કંઈક ચર્ચા કરતાં પુસ્તકોથી શણગારાય એ માળાના સંચાલકોની ઈચ્છા રહી છે અને બબલભાઈનું આ પુસ્તક એ ઈચ્છાને સુંદર રીતે સંતોષે છે. આચાર્ય ગિદવાણી સ્મારક ગ્રંથમાળામાં આ પહેલાં ટોલ્સ્ટૉય કૃત ‘ધ લાઈટ શઆઈન્સ ઈન ધ ડાર્કનેસ’ નામના નાટકનું કિશોરલાલ મશરૂવાલાએ કરેલું વેશાન્તર, હિંદના પરમ મિત્ર ડિગ્બિના સુપ્રસિદ્ધ પુસ્તક ‘પ્રોસ્પરસ બ્રિટિશ ઈન્ડિયા’નું ગોપાલદાસ પટેલે કરેલું સંપાદન અને મહર્ષિ દાદાભાઈ નવરોજીના ‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રૂલ ઈન ઈન્ડિયા’ જેવા હિંદી અર્થશાસ્ત્રના આદિગ્રંથરૂપ ઐતિહાસિક પુસ્તકના સારનું ગોપાલદાસ પટેલે કરેલું સંપાદન પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
સાહિત્યની દૃષ્ટિએ પણ આ પુસ્તક એક નવી ભાત પાડનારું બની રહ્યું છે. આપણા સાહિત્યમાં આ જાતનાં પ્રકાશનો વિરલ છે જ. મરાઠી સાહિત્યકાર ચાપેકે ‘આમચા ગાંવ’ નામથી પોતના બદલાપુર ગામનો શાસ્ત્રીય ચિતાર આપતો ગ્રંથ બહાર પાડ્યો છે. જોકે બબલભાઈનું પુસ્તક એ રીતે મોટો કે વિસ્તારગ્રંથ નથી, છતાં એમાં જે મૌલિકતાથી કેટલાંક શબ્દચિત્રો રજૂ કર્યાં છે એ સાહિત્યસેવીઓની રુચિને પણ પોષે એવાં છે.
પુસ્તકની સાચી કદર તો તેનું ભીતર, એની અંદરનું ક્ધટેન્ટ છે. ગાંધીજીએ ૧૯૩૪-૩૫માં ગ્રામસેવાની હાકલ કરી અને તેને માન આપીને બબલભાઈ માસરા પહોંચ્યા. કામ કામને શીખવે એ ન્યાયે ગ્રામસેવાને કામે વળગ્યા. આ પુસ્તક એના અનુભવો વર્ણવે છે. અનુભવ કથનમાં તો રસ પડે જ એ સાથોસાથ આપણા ગામડાની સેવા કરવાના માર્ગો કયા કયા, એ માર્ગો પર જતાં કેવાં કેવાં વિઘ્નો આવે અને એ બધા વચ્ચે સેવકને હંમેશને માટે તાજો અને પ્રફુલ્લિત રાખે એવો, ભોળા ગ્રામજનોનો નિર્વ્યાજ પ્રેમ કેવો મળતો રહે છે એ બધાનો રસિક અને બોધક અહેવલા આ પુસ્તકનાં પાને પાને વાંચવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રામસેવકો માટે આ પુસ્તક કીમતી સામગ્રી પીરસનારું નિવેદન છે.
બબલભાઈ મૂળ હળવદના વતની, પણ એમનું કુટુંબ વર્ષોથી કરાચીમાં રહે. એમનું પોતાનું ભણતર પણ કરાચીમાં જ થયું હતું. કરાચીની સિંધ કૉલેજ છોડીને એ વિદ્યાપીઠના ગ્રામસેવામંદિરમાં દાખલ થયા. મૂળે પ્રત્યક્ષ શિક્ષણમાં એમને વધુ રસ. વિદ્યાપીઠના એક અદના સેવક તરીકે તેઓ સતત સક્રિય. ૧૯૩૪ સુધીમાં ત્રણેક વાર જેલમાં પણ ગયા. પછી તો ખેડા જિલ્લાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. માસરા ખાતે ૧૯૩૪થી ૧૯૩૭માં જે કાર્ય થયું એનો સંપૂર્ણ અહેવાલ આ પુસ્તકમાં સંગ્ાૃહિત છે. માસરામાં રહે રહે બબલભાઈનો કાર્યવિસ્તાર થામણા અને ઉમરેઠ સુધી વિસ્તર્યો. ૧૯૩૮માં વર્ધાયોજનાનો પ્રયોગ કરવા થામણાની પસંદગી કરી. ત્યારથી થામણાને કેન્દ્ર બનાવ્યું.
૨૨૪ પાનાંના ફલક પર ૧૬ પ્રકરણમાં વિસ્તરેલી આ ગ્રામસેવાની અનુભવકથા ગાંધીચીંધ્યા માર્ગ્ો થતાં રચનાત્મક કાર્યોનું એક ઉત્તમ દસ્તાવેજીકરણ છે. માસરામાં ગ્રામસફાઈ, રોગો, ખેતી, બજાર, દેવાદાર સ્થિતિ, આવક અને જાવક, ઉદ્યોગધંધા, ખોરાક, કેળવણી, જાસાચિઠ્ઠી, વ્યસનો, ગામડાના ધરમરાજા, હોળી અને કેટલાક પ્રસંગો સાથે ઉપસંહાર નિમિત્તે ટૂંકા અને ચોટદાર શીર્ષકોની જેમ જ એ પ્રકરણોમાં પોતાની અનુભવકથા બબલભાઈએ
આલેખી છે.
પૂ. રવિશંકર મહારાજ પુસ્તકના પ્રવેશમાં ‘મારી અભિલાષા’ શીર્ષકથી લખે છે કે ‘આ પુસ્તક મને બહુ ગમ્યું છે, કારણ કે એમાં નથી ભાટબારોટની ખુશામત, નથી કોમી તત્ત્વનું અભિમાન કે નથી કોઈને હલકા પાડવાની દ્વેષબુદ્ધિ. મારી આખી જિંદગી મેં બારૈયા અન્ો પાટણવાડિયા કોમની સેવામાં ગાળી છે. એમનાં ઘરોમાં, ખેતરોમાં ને એની સાથે પ્રસંગોમાં મને જે કરુણ દૃશ્યો જોવા મળ્યાં છે એનું આબેહૂબ વર્ણન હું આ પુસ્તકમાં ચિતરાયેલું જોઉં છું. એ કેવી રીતે વર્ણવી શકાયોનો હું વિચાર કરું છું ત્યારે મને લાગ્ો છે કે ગ્રામજનતાની વચ્ચે એના પોતાના થઈને ઉઘાડી આંખે અને ખુલ્લે કાને જ્ઞાનપૂર્વક રહેલો માણસ જ આવો ચિતાર રજૂ કરી શકે. બબલભાઈ આવા પ્રકારના માણસ છે. મહાત્માજીની પ્રબળ પ્રેરણાન્ો કારણે હિંદુસ્તાનના કેટલાય બુદ્ધિશાળી નવજુવાનો કોઈ અજ્ઞાત ગામોમાં જઈને બ્ોઠા છે. આવો દરેક સેવક પોતાના અનુભવોની નોંધ કરી, આ પ્રમાણે પ્રજાની આગળ મૂકે તો આપણી સંસ્કૃતિનો આજ સુધી અંધારામાં રહેલો ભાગ પ્રકાશમાં આવે અને આ જાતનું ગામડાની પ્રજાનું સાહિત્ય સમૃદ્ધ થાય. બબલભાઈ લિખિત આ પુસ્તક નિમિત્તે પૂ. મહારાજે સેવેલી એ અભિલાષા ખરેખર ગ્રામસેવાના ગાંધીચીંધ્યા કાર્યનો એક ગ્રંથસ્થ ઈતિહાસ રજૂ કરી શકે એવી શક્યતા રહેલી છે. આ કાર્ય સતત નિરંતર થતું રહે એ પણ એટલું જ આવશ્યક છે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.