તર્કથી અર્ક સુધી -નજિજ્ઞેશ અધ્યારુ
શિવપુરાણની શતરુદ્ર સંહિતામાં અધ્યાય ૨૬ અંતર્ગત ભગવાન શિવના દ્વિજેશ્ર્વરાવતારની કથા આવે છે. ભક્તિની અને ઈષ્ટ પર શ્રદ્ધાની એ ગાથા છે. કથા વિશદ છે, પણ ટૂંકાણમાં અહીં એની વાત કરીએ. શત્રુવિજયી અને વીર રાજકુમાર ભદ્રાયુ પર ભગવાન શિવે અનુગ્રહ કર્યો હતો. આ પ્રસંગમાં રાજા બનેલા ભદ્રાયુ અને તેમની રાણી કીર્તિમાલિનીની ધાર્મિક દૃઢતાની વાત મુકાઈ છે.
રાજા બની ભદ્રાયુ રાજ સિંહાસન પર આરૂઢ થયા અને રાજા ચંદ્રાંગ તથા રાણી સીમંતિની પુત્રી રાજકુમારી કીર્તિમાલિની સાથે એમના વિવાહ થયા. બંનેનું યુગલ ખૂબ સમજદાર હતું. રાજા ભદ્રાયુ પત્ની સાથે વસંત ઋતુમાં વનવિહાર કરવા માટે ગાઢ જંગલમાં પ્રવેશ કરે છે.
એમની પત્ની ખૂબ દયાળુ અને રાજ્યના લોકોને મદદ કરનારી હતી. રાજા પણ પ્રજાની સુખસુવિધાનું સતત ધ્યાન રાખતા. એમની કીર્તિ ચોતરફ પ્રસરી હતી. શિવમાં એ બંનેને અતૂટ શ્રદ્ધા હતી.
એ અનોખાં રાજદંપતીની ધર્મમાં કેટલી દૃઢતા છે એની પરીક્ષા કરવા માટે પાર્વતી સહિત ભગવાન શિવે એક અકળ લીલા રચી. શિવ અને શિવા વનમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો વેશ લઈને પ્રગટ થયાં. એ બંનેએ માયાથી એક ભયાનક વાઘનું નિર્માણ કર્યું. વાઘ એ બંનેની પાછળ પડ્યો અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી એનાથી ગભરાઈને બચવા માટે બૂમો પાડતાં, રડતાં રાજા અને રાણી હતાં એ તરફ ભાગવા માંડ્યાં. વાઘ સતત એમનો પીછો કરતો રહ્યો. રાજાએ એમને આ ભયાનક અવસ્થામાં જોયાં, બ્રાહ્મણ દંપતી ભયથી મહારાજને શરણે ગયાં અને એમને કહ્યું કે અમારી રક્ષા કરો, આ વાઘ અમને બંનેને પોતાનો ખોરાક બનાવી જશે, સમસ્ત પ્રાણીઓના કાળ સમાન, ભયાવહ અને મૃત્યુનું સાક્ષાત્ સ્વરૂપ એવું આ અત્યંત હિંસક પ્રાણી અમને મારી પોતાનો ખોરાક બનાવી લે એ પહેલાં તમે એને મારી અમને બંનેને બચાવી લો.
રાજાએ જેવું ધનુષ ઉપાડ્યું ત્યાં જ વાઘ કૂદીને એમની સમક્ષ આવીને ઊભો રહ્યો, બધું એટલું ઝડપથી બની રહ્યું હતું કે રાજાને શસ્ત્રો ધરવાનો સમય પણ ભાગ્યે જ મળ્યો. વાઘે બ્રાહ્મણીને ગળાથી પકડી અને ખેંચવા લાગ્યો, બ્રાહ્મણી હૃદયવિદારક વિલાપ કરવા લાગી, વાઘ ખૂબ વિશાળ અને ભયાનક હતો, રાજા ભદ્રાયુનાં તીક્ષ્ણ બાણ એને વાગ્યાં તો ખરાં, પણ એથી વાઘને કોઈ વ્યથા ન થઈ; ચપળતાથી અને ઝડપથી બ્રાહ્મણીને ઘસડતો એ વાઘ ત્યાંથી દૂર નીકળી ગયો અને રાજા એનો પીછો કરે એ પહેલાં તો જંગલમાં અલોપ થઈ ગયો. પોતાની પત્નીને વાઘના પંજામાં ગયેલી જોઈને અત્યંત દુ:ખી બ્રાહ્મણ રડવા અને કરગરવા લાગ્યો. એણે રાજાને કહ્યું, ‘તમારાં પેલાં મોટાં મોટાં શસ્ત્રો ક્યાં છે? દુ:ખીઓની રક્ષા કરવી એ તમારું કર્તવ્ય છે, તો તમારું ધનુષ ક્યાં, મહા બળવાન ગદા ક્યાં? સાંભળ્યું છે કે તમારામાં તો અનેક હાથીઓનું બળ છે, એ બળ ક્યારે ઉપયોગમાં આવશે? તમારાં ખડગ, મંત્રતંત્ર અને શસ્ત્રવિદ્યા એ બધાંનો મને શું લાભ?’
વાઘ બ્રાહ્મણીને લઈને અદૃશ્ય થઈ ગયો એથી રાજાને અત્યંત શોક થયો. પોતાની નિષ્ફળતા એ પચાવી ન શક્યો, એને સમજાયું કે એનું પરાક્રમ ઓછું પડ્યું છે. એણે શોકગ્રસ્ત થઈને વિનમ્રતાપૂર્વક બ્રાહ્મણને કહ્યું, ‘મારું પરાક્રમ નિરર્થક નીવડ્યું, ક્ષત્રિય તરીકેનું મારું કર્તવ્ય પૂર્ણ થયું નહીં. મારા પર કૃપા કરી તમે શોક છોડી દો. હું તમને મનોવાંછિત વસ્તુઓ આપીશ, નિષ્ફળતા મારી છે એટલે મારું સમગ્ર રાજ્ય, મારી રાણી, મારું આ શરીર એ બધું જ તમને આધીન છે. બોલો તમારે શું જોઈએ છે?’
બ્રાહ્મણે કહ્યું, ‘રાજન આંધળાને અરીસો શું કામનો? ભિક્ષા માગીને જીવન જીવતો હોય એ ઘણાં બધાં ઘર લઈને કરે પણ શું? મૂર્ખને પુસ્તકોનો શું ઉપયોગ? અને જેની પાસે સ્ત્રી નથી એ ધન લઈને પણ શું કરશે? મારી પત્ની તમારી સામે વાઘનો શિકાર બની જતી રહી એટલે હવે તમારી પત્ની, તમારી આ રાણી મને આપી દો.’
રાજાએ એને નમ્રતાપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પારકી સ્ત્રીનો સ્પર્શ સ્વર્ગ અને સુયશની હાનિ કરનારો છે, પણ બ્રાહ્મણે કહ્યું કે તપસ્યાથી જો બ્રહ્મહત્યા અને મદિરાપાનનાં પાપ પણ નાશ થતાં હોય તો પછી આ પાપનો પણ નાશ થશે. સંકોચ વગર તમારી ભાર્યા મને અર્પણ કરો.
રાજાએ વિચાર કર્યો કે બ્રાહ્મણીના પ્રાણની રક્ષા ન કરવાથી મહાપાપ થયું છે, જો પત્ની અર્પણ કરવી પડી તો એ પછી હું અગ્નિમાં પ્રવેશ કરી જઈશ. રાજાએ અગ્નિ પ્રગટાવ્યો, બ્રાહ્મણને બોલાવ્યો અને પોતાની પત્ની આપી, પોતે સ્નાન કરી પવિત્ર થઈ, દેવતાઓને પ્રણામ કરીને ભારે મનથી અગ્નિ ફરતે પરિક્રમા કરી. એણે ઈષ્ટદેવ ભગવાન શિવનું ધ્યાન કર્યું. અગ્નિમાં પડવા તૈયાર થયેલા રાજાને જોઈ વિશ્ર્વનાથ ત્યાં સાક્ષાત્ પ્રગટ થયા.
એમને પાંચ મુખ હતાં, મસ્તક પર ચંદ્રકલા આભૂષણનું કામ આપી રહી હતી, થોડાક પીળા રંગની જટા હતી, એ કોટી કોટી સૂર્ય સમાન તેજસ્વી દેખાતા હતા. હાથમાં ત્રિશૂળ, ઢાલ, મૃગ, અભય, ખટવાંગ, વરદ અને પિનાક ધારણ કરેલાં હતાં. નંદી પર બેઠેલા ભગવાન નીલકંઠને રાજાએ પોતાની સામે જોયા અને આનંદયુક્ત થઈ રાજાએ હાથ જોડીને તેમની પ્રાર્થના કરી. પાર્વતી સાથે ત્યાં પધારેલા મહેશ્ર્વરે તેમને કહ્યું, ‘તમે સદાસર્વદા શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું છે, આ ભક્તિને કારણે – આ સ્તુતિને કારણે હું બહુ પ્રસન્ન છું.
આ આખી માયા તમારી બંનેની પરીક્ષા લેવા માટે જ મેં રચી હતી. જેને વાઘે પકડી એ બ્રાહ્મણી બીજી કોઈ નહીં પણ ગિરિરાજનંદિની ઉમાદેવી હતાં. તમારા બાણ મારવાથી પણ જેના શરીરને ઘા પડ્યો નથી એ વાઘ પણ માયા હતી. તમારા ધૈર્યને જોવા માટે જ મેં તમારી પત્ની માગી હતી; તમારી બંનેની ભક્તિથી હું સંતુષ્ટ છું, તમે જે વરદાન માગશો એ હું આપીશ!’
રાજાએ કહ્યું, ‘તમે સાક્ષાત્ પરમેશ્ર્વર છો, મને તમે દર્શન આપ્યાં એ જ મારા માટે વરદાન છે. હું, મારી રાણી, મારાં માતા-પિતા એમ અમને સૌને આપના ધામમાં સ્થાન મળો એ જ અભ્યર્થના.’
રાણી કીર્તિમાલિનીએ શિવ પાસે માગ્યું કે એનાં માતા-પિતાને પણ શિવનાં ચરણોમાં સ્થાન મળે. શિવે ‘એવમસ્તુ’ કહી બંનેની ઇચ્છા અનુસાર વરદાન આપ્યું. રાજાએ અનેક વર્ષો સુધી સુખે પત્ની સાથે રાજ્ય કર્યું અને પછી પોતાના પુત્રને રાજ્ય આપી ભક્તિભાવપૂર્વક મહાદેવજીની પૂજા કરી શિવધામ પ્રાપ્ત કર્યું.