એક શામ, ‘કૂકડાની કૂકડે-કૂ’ કે નામ!

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

એક દિવસ મારા કડકા દોસ્ત દાદૂએ કહ્યું યાર..”હું આપણા દેશની સંસ્કૃતિને મારી આસપાસ ચારે બાજુથી ભરચક પ્રકારે અનુભવી રહ્યો છું. ગઈકાલ સુધી તો એ બસ કમર સુધી જ હતી અને આજે તો એ સીધી ગળે વળગી છે. કાલ સુધી તો હું બીજા વિષયો પર ગળું ફાડીને બોલતો , જેમ કે ૬વિદેશી ઉધારી પર કે અથવા બે રાજકીય પાર્ટીના જોડાણ-ભંગાણ વિશે હાલત પર…પણ આજે? કાલે ને આજે પણ ગળું ફાડીને જૂના ગીતો ગાતો કે- “મૈં તુમ સે દોસ્તી છોડ દૂંગા, મેરા દમ ઘૂંટ રહા હૈ… વગેરે વગરે
ચલો, એ તો સ્પષ્ટ હતું કે દાદૂની પાસે આજે ખિસ્સામાં પૈસા નથી, નહીંતર એણે મારા રૂમમાં ઘૂસીને આવી નિરાશા ફેલાવી ન હોત. એ એક સરસ મજાની સાંજની ઐસી તૈસી કરવા બેઠો હતો. મેં કહ્યું, “ચાલ ઝવેરીને ફોન કરીએ! ધંધાડુ માણસ છે, ફિલ્મો સિવાય એ બીજે ક્યાંય ટાઇમ પાસ નથી કરતો. એ આ ઉદાસીના દલદલમાંથી બહાર કાઢશે.
ઝવેરીને ફોન લાગ્યો નહીં. અમે એને શોધતા શોધતા ન્યૂ કૉફી હાઉસ પહોંચ્યા. એ ત્યાં જ બેઠો હતો, જ્યાં એ હંમેશાં બેસે છે. એણે કડકા દાદૂને જોતાંવેંત જ પોતાનું સિગારેટનું પેકેટ છુપાવી દીધું. એની સામે હાઇટમાં ટૂંકો પણ વાળ લાંબા હોય એવો ગંભીર માણસ બેઠેલો, જે બીજ શહેરનો હોય એના ચકળવકળ એવા હાવભાવ હતા. પછી ખબર પડી કે એ તો એક લુખ્ખો ચિત્રકાર નીકળ્યો. દાદૂને એ જાણીને બહુ દુ:ખ થયું કે આ શહેરની બહાર પણ ચિત્રકારો વસે છે!
ઝવેરીએ કહ્યું “ચલો ચલો આના પેંઇન્ટિંગના પ્રદર્શનમાં જઇએ! આજકાલ કડકીમાં અમને કલા-ફલાથી કોઇ લેવાદેવા નહોતા એટલે થયું કે હાશ, બચી ગયા! પણ ઝવેરી અમને પરાણે ખેંચીને લઈ ગયો.
ચિત્રકારે પહેલું પેઈન્ટિંગ બતાવ્યું: ‘કૂકડો’! એ કૂકડાના ચહેરા પર આત્મવિશ્ર્વાસ, સ્વાભિમાનથી ઊઠેલી કલગી અને કશુંક કરી નાખવાનો સંકલ્પ હતો. બીજું પેઈન્ટિંગ બતાવ્યું. એ પણ કૂકડો! એમાં કૂકડો ગુસ્સાવાળો, મોં ખુલ્લું અને જાણે પોતાની પોલિટિકલ પાર્ટી તોડીને બીજી પાર્ટી જોઇન કરવાનો હોય એવો ક્રોધ! ત્રીજું પેઈન્ટિંગ, એમાં પણ કૂકડો જ! મોં પર કશુંક શોધતી મુદ્રા અને રહસ્યમય અદા. ચોથું પેઈન્ટિંગ, પાછો કૂકડો જ! ચિંતાતુર અને ખુદને ખુદની જ આંખોમાં સ્થિર કરવા મથતો. પછી, એક બીજો કૂકડો! મધુર, સૌમ્ય પણ બીચારો થોડાક ફલોપ આદર્શવાદવાળો. આવી જ રીતે બીજા બે-ચાર કૂકડાના પેઈન્ટિંગ્સ. જેમાં જાતજાતના કૂકડાના ભયાનક રંગોની છાંટવાળા…
ચિત્રકારે કહ્યું, “આ મારા શરૂઆતના પેઈન્ટિંગ્સ છે, જ્યારે મેં અનુભવ્યું કે કૂકડો મારી ફિલિંગ્સ દર્શાવવાનું માધ્યમ બની શકે છે.
મારા કડકા મિત્ર દાદૂએ કહ્યું, “ખૂકડાને હવે કેમ છે?! જોકે કૂકડાને આમ ચિત્રનો હીરો કોઇ ભાગ્યે જ બનાવે!
ચિત્રકારે આગળ સમજાવ્યું, “એ પછી મેં મારા શહેરના ચિત્રકારોનું સન્ડે-ગ્રુપ બનાવ્યું જેમાં વિવિધ કલાના વિષયો પર ગ્રુપના લોકો સાથે ચર્ચા કરી. હવે પછી એ સમયગાળાના પેઈન્ટિંગ્સ છે. ધ્યાનથી જુઓ!
હવેનાં ચિત્રોમાં, એક કૂકડો બીજા કૂકડાઓની સાથે કશીક ચર્ચા કરતો હતો! બધા કૂકડાં ગંભીર, જેમાંથી કેટલાક આકાશ તરફ તો કેટલાક જમીન તરફ ઘુરકતા હતા! તો ક્યાંક કૂકડાઓ, કૂકડાઓની સાથે લડતા. કલગીઓ, પીંછાઓ, ફેલાયેલા અને પીંખાયેલા હતા. ચહેરા પર ગુસ્સો, બગાવત કરતા, ગ્રુપ બનાવીને હવામાં ઊછળવાનું ગુપ્ત કાવતરું રચતા…એવા સાત-આઠ પેઈન્ટિંગ્સ હતા. પછી ઝડપથી આગળ વધતા કૂકડાઓ, લડાઈ કરતા અને લડાઈ પછી થાકેલા કૂકડાઓ જ કૂકડાઓ આખી ગેલેરીમાં છવાયેલા હતા.
“પછી મને એક છોકરી સાથે પ્રેમ થયો અને અમારા લગ્ન થયા. ચિત્રકારે કહ્યું, “અને એ સાથે અમારા જીવના કોમળ હળવા રંગોનો નવો સિલસિલો શરૂ થયો.
તો હવે ચિત્રોનો વિષય બદલાય છે: ‘કૂકડી’! કૂકડીની તરફ એકીટસે જોતો કૂકડો. માથું નમાવીને બેઠેલી કૂકડી, એની નજીકમાં ફફડતો કૂકડો. ઈંડાઓ પર બેઠેલી સ્થિર કૂકડી. અલગ-અલગ દિશાઓમાં જોતા કૂકડો અને કૂકડી. બધા પેઈન્ટિંગ્સમાં કૂકડી હતી. દાદૂના ચહેરા પર “ફેમિલી ઇમોશન્સ નીકળવા લાગ્યા. મને થયું, ઘરે જલ્દી ચાલ્યો જાઉં. તે જ સમયે પેઈન્ટિંગ્સનો પ્રવાહ બદલાયો: કૂકડો, જોડાણ અને ભંગાણના કન્ફ્યુઝન વચ્ચે મરઘાં પકડવાના મોટા પિંજરા પાસે લટાર મારતો દેખાયો. પછી કૂકડો પિંજરાથી દૂર જતો દેખાયો. પણ પછીના પેઈન્ટિંગમાં અપવાદ હતો: એક છોકરી, હાથમાં છરી સાથે ટેબલ પર કૂકડાની ગરદન કાપવાની કોશિશ કરતી દેખાણી!
આ કૂકડા-કૂકડી પુરાણ જોઇને મને થયું મારૂં ચસકી જાશે!
ત્યાં તો ચિત્રકાર બોલ્યો, “પછી મેં ઘર છોડી દીધું. પ્રેમિકા, પત્ની- બધાને છોડી દીધા અને હું કલાને ફૂલ-ટાઇમ સમર્પિત થઈ ગયો.
મેં અને દાદૂએ મહેસૂસ કર્યું કે હવેના બીજાં પેઈન્ટિંગ્સમાં કૂકડા બદલાઇ રહ્યા છે. કૂકડાની ગરદન લાંબી ને દયામણી લાગવા માંડી. એના પગ પાતળા થઇ ગયેલા ને પીંછાઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયેલો હતો. નમ્ર ને આદર્શવાદીથી માંડીને ચહેરા પર ચીડ સુધીની આ લાંબી કૂકડા-યાત્રાના છેલ્લા પેઈન્ટિંગ્સમાં એક કૂકડો, બિલાડીઓ સાથે ડરી ડરીને લડતો,પોતાના બચાવ માટે ફાં-ફાં મારતો દેખડેલો! હવે કૂકડો અમૂર્ત-એબ્સ્ટ્રૈક એટલે કે ના સમજાય એવો વિચિત્ર થઇ ગયેલો. હવે ચિત્રકાર, બિલાડીની આંખો ને કૂકડાની ઢળેલી કલગીની વડે કંઈક કહેવા માગતો હતો!.
એકાએક અમને ચારેબાજુથી કૂકડે…કૂક…ના અવાજો સંભળાવા લાગ્યા. અમને થયું કે આ આર્ટ-ગેલેરી નથી, પરંતુ કૂકડાઓ પૂરવાનું વિશાળ પિંજરૂ છે! જેમાં અમે ખુદ આમતેમ દોડતાં દોડતાં ફસાઇ ગયા છીએં. અમે ભાગી રહ્યા હતા ને ચારેબાજૂથી કૂકડા-કૂકડીઓ બાંગ પોકારતા, અમારો પીછો કરતા હતા.
“આટલા બધા કૂકડાઓ પછી હવે બિલાડીઓ જોઇને મને હાશ થાય છે. મેં દાદૂને કહ્યું.
“પણ મારું બી.પી. વધે છે! ચિત્રકાર બોલ્યો. “મને એમ લાગે છે કે આ બધાં બિલાડાઓ વિવેચકો છે, જે મારી પાછળ પડ્યા છે ને મને ખાવા માંગે છે ને હું મારા અસ્તિત્વને બચાવવા માટે લડી રહ્યો છું.
…પછી અમે ત્યાંથી ભાગ્યાઆખા રસ્તે ઝવેરીને ગાળો આપતા રહ્યા.
“હું એના થોડા કૂકડાઓને તો ચોકક્સ વેચાવી મારીશ, બાપુ! ઝવેરી બોલ્યો.
“પણ ખરીદશે કોણ? મેં પૂછ્યું.
“આ શહેરમાં બકરાઓની, આઇ મીન, કૂકડાઓની અછત નથી, જેમને ફસાવી શકાય છે. ઝવેરીના અવાજમાં વેપારીનો આત્મવિશ્ર્વાસ હતો.
રાત્રે ઘરે પાછા ફરતાં દાદૂ સમજાવતો હતો, “યુસી, આપણે બધાં જ કૂકડા-કૂકડીઓ છીએં! આપણે ભાગી ભાગીને ક્યાં જઈશું? આપણી તળિયે જતી સંસ્કૃતિથી બચીને આપણે ક્યાં જઈશું?
મને થયું કે ઉંઘમાં કોઇ કૂકડો મારા કાનમાં કૂકડે-કૂ કરી રહ્યો છે ને હું ઝબકીને જાગી પડું છું!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.