સિમેન્ટ વિનાનું અને પથ્થરની ખુરશીઓથી સજ્જ પર્યાવરણને અનુકૂળ ઘર

વીક એન્ડ

પ્રાસંગિક-પ્રથમેશ મહેતા

આજના સમયમાં લોકોને બધી જ આધુનિક સુવિધાઓથી સજ્જ ઘર જોઈએ છે. હવે તો ટેલિવિઝન જ નહીં, પણ લાઈટના બલ્બ પણ રિમોટથી ચાલતા થઇ ગયા છે. ખુરશી પણ કળ દબાવતાં આરામખુરશીમાં ફેરવાઈ જાય. તેવા સમયે જો કોઈ કહે કે તમારા ઘરમાં પથ્થરની ખુરશી હશે તો?
લોકપ્રિય મલયાલમ લેખિકા એચમુકુટ્ટી અને તેમના આર્કિટેક્ટ પતિ પદ્મકુમારે કેરળમાં એક ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવ્યું છે. રિસાઇકલ્ડ ઈંટ, પથ્થરો, માટી, રિસાઇકલ્ડ ફ્રેમ અને કાચના બનેલા એ ઘરના દરેક ખૂણે તેમનો પ્રકૃતિપ્રેમ ઝળકે છે. કેરળના તિરુવનંતપુરમના બહારના વિસ્તારમાં આવેલા પોડીકોણમમાં બે માળનું એક મકાન છે, જે આસપાસનાં અન્ય ઘરો કરતાં કંઈક અલગ દેખાય છે. અનેક વૃક્ષો અને પથ્થરોની વચ્ચે બનેલું આ સુંદર ઘર લોકોને દૂરથી જ પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ઘર છે, લોકપ્રિય લેખિકા એચમુકુટ્ટી અને તેમના આર્કિટેક્ટ પતિ આર. ડી. પદ્મકુમારનું. વર્ષ ૨૦૦૯માં આ દંપતીએ પોડીકોણમમાં ૨૦ સેન્ટ (લગભગ ૮,૭૦૦ ચો. ફૂટ.) જમીન ખરીદી હતી. પદ્મકુમાર આર્કિટેક્ટ હોવાથી તેમને રાજ્યમાં રિયલ એસ્ટેટની સારી જાણકારી હતી. તેમને પોતાનું ઘર બનાવવામાં કોઈ રસ નહોતો. તેઓ કહે છે, ‘રાજ્યના આ ક્ષેત્રમાં પહેલેથી જ જરૂર કરતાં વધારે ઘર અને એપાર્ટમેન્ટ છે. તેમ છતાં, બેઘર લોકોની સંખ્યા પણ ઘટતી નથી. અમે એક વધુ માળખું ઉમેરવા નહોતા માગતા, પણ પછી ‘પોતાના ઘર’માં રહેવાના સામાજિક દબાણ સામે અમે ઝૂકી ગયાં.’
પદ્મકુમારના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે તેમનું ઘર કોન્ક્રીટનું તો નહીં જ હોય. બહુ મનોમંથન પછી તેમણે ઇકો-ફ્રેન્ડલી ઘરનું નિર્માણ કર્યું. ૧,૪૦૦ ચો. ફૂટના આ ઘરમાં આપણને ચકિત કરી શકે તેવી અનેક વિશેષતાઓ છે. આ ઘર બનવાતી વખતે સસ્ટેઈનેબલના ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવામાં
આવ્યું છે.
ડિઝાઇન અને નિર્માણની યોજના બનાવવી
જ્યારે કોઈ તૈયાર માળખાને તોડવામાં આવે તો તેની ૯૫ ટકા સામગ્રીને બચાવી શકાય છે અને રિસાઇકલ કરી શકાય છે. તેમાં લાકડાં, ઈંટ, પથ્થર, સ્ટીલના સળિયા, જાળી, વાંસની પ્લાય અને કાચ સામેલ છે.
સેક્ધડ હેન્ડ સામગ્રીનો ઉપયોગ
ઘર બનાવવા વપરાતી લગભગ બધી સામગ્રી ફરી વાપરી શકાય છે, જેમ કે નવા ઘરમાં લગાવેલી ગ્રિલ ઉલ્લુરમાં તોડવામાં આવેલા એક ઘરના સળિયાઓમાંથી બનાવવામાં આવી છે. ઘરમાં ઉજાસ વધારવા કેટલાક ભાગમાં જૂની ગાડીઓ અને ઑટો રિક્ષાના કાચ લગાવવામાં આવ્યા છે.
સિમેન્ટની કરી છે બાદબાકી
આ ઘર બનાવવામાં ચૂનો અને માટીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં વધુ શ્રમ અને પૈસા વપરાયા છે, પણ આખરે, આ ઘર બહુ ઓછી કાર્બન પ્રિન્ટવાળું, પૂરી રીતે ઇકો-ફ્રેન્ડલી બન્યું છે. ઘર બનાવતી વખતે પાણીનો વપરાશ ઓછો થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત ઘર બનાવતી વખતે જેટલો કચરો ઉત્પન્ન થયો તેને વિભાજિત કરવામાં આવ્યો હતો અને તેનો જવાબદારીપૂર્વક નિકાલ કરાયો.
પર્યાવરણને અનુકૂળ ઘર બનાવતાં
કેટલો સમય લાગ્યો?
પદ્મકુમાર પાસે પોતાના ક્ષેત્રમાં ૩૫ વર્ષનો અનુભવ છે. એચમુકુટ્ટી અને પદ્મકુમારના આ ઘરમાં બે બેડરૂમ અને બે બાથરૂમ છે. સાથે કોમન સ્પેસ પણ છે, જ્યાં લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, લાઇબ્રેરી અને રસોડું બનાવ્યું છે. આ ઘર બનાવતાં લગભગ પાંચેક વર્ષ લાગ્યાં.
તેઓ કહે છે કે ‘એક સુથાર, સહાયક અને એક મિસ્ત્રી સાથે ઘરસામગ્રીની ખરીદી અને સારી રીતે ઘર બનાવવામાં સમય વધારે લાગ્યો. વધારે ઉતાવળમાં પ્રોજેક્ટ નિયંત્રણની બહાર જઈ શકે અને સસ્ટેઈનેબલ ઘર બનાવવાનો ઉદ્દેશ ખતમ થઇ જાય. તેનાથી બચવા અમે પૂરતો સમય લીધો.’
પોતાની કરિયરના શરૂઆતના દિવસોમાં પદ્મકુમાર ‘કોસ્ટફોર્ડ’માં બ્રિટિશ મૂળના ભારતીય આર્કિટેક્ટ લોરી બેકર સાથે કામ કરતા હતા. લોરી બેકર ખર્ચ અને ઊર્જા-કુશળ આર્કિટેક્ચર સાથે સાથે મોકળાશ, હવા-ઉજાસવાળાં ઘર ડિઝાઇન કરવા માટે પ્રસિદ્ધ હતા. પોતાના સમગ્ર જીવનમાં, બેકરે માત્ર સસ્ટેઈનેબલ સંરચના જ ડિઝાઇન કરી હતી.
પદ્મકુમાર એક આર્કિટેક્ટ અને વ્યક્તિ તરીકે બેકરથી ખૂબ પ્રભાવિત હતા. બેકરની સાઈટ પર જે શીખવા મળતું હતું એ બીજે ક્યાંય નહોતું મળતું. પદ્મકુમારને આ અનુભવનો ફાયદો પોતાનું ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવવામાં મળ્યો. ઘરનું નિર્માણ ઈંટો અને લાકડાંથી ગોળાકારમાં બનાવ્યું છે. પાયામાં રિસાઇકલ પથ્થરનો ઉપયોગ થયો છે. પરંપરાગત વોશબેસિનને બદલે સ્ટીલની ઉરુલીનો ઉપયોગ થયો છે. રસોડાનું સિંક રિસાઇકલ લાકડાનું બનાવેલું છે, ફર્શ માટી અને લાકડાંની બનાવી છે અને છત લાકડાં તથા વાંસના પ્લાય, જૂના ફ્લેક્સ અને બેકાર ટાયર ટ્યુબથી બની છે.
રિસાઇકલ સામગ્રી ઉપરાંત આ ઘરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને એક તળાવ પણ છે, જે પ્લોટમાં પડતા વરસાદના પાણીને એકત્રિત કરે છે. તેઓ કહે છે, ‘છતનું પાણી એકઠું કરવું આસાન છે અને સામાન્ય પણ છે, પણ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા માટે જમીન પર પડતા પ્રત્યેક ટીપાને આપણે એકઠું કરવું પડે. આપણે એ સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે પાણી કોઈ અડચણ વિના ફરી માટીમાં ભળી જાય.
કેટલો ખર્ચ થયો?
આ પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવામાં લગભગ ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. પદ્મકુમાર કહે છે, ‘જો તમે સિમેન્ટનો ઉપયોગ કરીને ઘર બનાવો તો ખર્ચ આસાનીથી લગભગ ૩-૪ લાખ રૂપિયા ઓછો થઇ શકે, કેમ કે સિમેન્ટ આસાનીથી ઉપલબ્ધ છે. સિમેન્ટનો ઉપયોગ ટાળવાને કારણે અમને વધુ સમય અને ખર્ચ લાગ્યો છે, પણ અમને તેનો પસ્તાવો નથી, કેમ કે આખરે ઘર સારું બન્યું.’
દંપતી ગર્વથી કહે છે કે અહીં રહેવા આવ્યા બાદ છ-સાત મહિનામાં કેવળ બે કે ત્રણ વાર પંખો ચાલુ કર્યો હશે. આ ઘર પ્રાકૃતિક રૂપે ઠંડું પણ રહે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.