Homeવીકએન્ડઆફ્રિકન જ્વાળામુખીમાં વસેલી અદ્ભુત પ્રાકૃતિક સંપદા

આફ્રિકન જ્વાળામુખીમાં વસેલી અદ્ભુત પ્રાકૃતિક સંપદા

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

કિશોરાવસ્થા અને યુવાનીના સંક્રાંતિકાળમાં મને બહુ ચિત્ર-વિચિત્ર સપનાં આવતાં. કહેવાય છે કે વ્યક્તિના ચેતન, અધિચેતન, અર્ધચેતનમાં અવશપણે ચાલતી ગતિવિધિઓનું સ્વપ્નોના માધ્યમથી પ્રત્યાયન થાય છે. ઊગતી યુવાનીના કાળમાં સુંવાળા, ગલગલિયા કરતાં જાતિય ઉત્તેજનાભયાર્ં સ્વપ્નોના બદલે મને પ્રાણીઓના ડરામણા સ્વપ્ના આવતા. અફ્રિકાના સહરાનું રણ દેખાય, નજર પહોંચે ત્યાં સુધી બસ રેતીનો સમુદ્ર જ હિલ્લોળા લેતો હોય. સોનેરી રેતના આ સમુદ્રમાં હું ભટકતો હોઉં અને દિશા અને વિચારશૂન્યતાની આ અવસ્થામાં મને અચાનક દેખાય છે કે દૂર દૂરથી ચારપાંચ ડાલામથ્થા સાવજ મારી દિશામાં જ આગળ વધી રહ્યાં છે. જેમ જેમ તેઓ નજીક આવતા જાય, તેમ તેમ મારી ગભરામણ વધતી જાય છે. તેઓ મને જોઈને મને ઘેરવા માટે ફેલાઈ જઈને મારી તરફ આગળ વધે છે. ગભરાટમાં હું અચાનક એક રેતીના વિશાળ ખાડામાં પડી જાઉ છું. અને ચારે તરફથી એ સિંહો મારો શિકાર કરવા ખાડામાં ઉતરવા લાગે છે… અને ગભરાટની ચરમસિમાએ હું હાંફળોફાંકફળો બેઠો થઈ જાવ છું.
હવે આવીએ સિંહની વાત પર. ભારતીયોને સિંહની સૌથી પહેલી ઓળખ છે અંબા માતાના વાહન તરીકેની. બીજી ઓળખ છે એ કે વિશ્ર્વમાં માત્ર બે ખંડમાં જ સિંહોની વસતી છે અને તે છે આફ્રિકા અને એશિયામાં ભારતના ગુજરાતમાં. આપણે સિંહોના નામે મૂછે વળ ચડાવીએ છીએ, પાતળા યુવાનને કેડપાતળિયો કહીએ છીએ તે સિંહની કમર સાથેની સરખામણી છે, પરંતુ આપણે એક પ્રજા તરીકે સિંહ માટે કર્યુ શું ? એક મોટું મીંડું, આપણે સિંહને કૂતરાની જેમ પાળવાના તો સપના જોઈએ છીએ, સિંહને લાકડી મારીને ભગાડવાના કિસ્સાઓની ડીંગો હાંકીએ છીએ …તો કેમ આપણે સિંહોને દેખીતો આદર આપતા નથી ? કારણ કે આપણે એક માનવ તરીકે આત્મરતિમાં જ રાચ્યા છીએ. પરંતુ આફ્રિકાના એક અજોડ પર્યાવાસમાં વસતા સિંહો અને તેની જાળવણી માટે આફ્રિકન પ્રજાએ શું કર્યું એ મજાની વાતો છે. પરંતુ એ વાત ફરી ક્યારેક કરીશું. આજે વાત કરવી છે આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલા’ ‘નગોરોન્ગોરો’ નામના મૃત જ્વાળામુખીના મુખ પ્રદેશના બાઉલ આકારના ઊંડા ક્રેટરમાં વસતા ‘નગોરોન્ગોરો’ લાયન્સની. આ સિંહોની કહાની ખૂબ જ અજીબ છે.
આ નગોરોન્ગોરો જ્વાળામુખી મૃત થયા બાદ તેના ક્રેટરમાં જીવન પુન:સ્થાપિત થવા લાગ્યું અને ઓરીજીનલ સ્વરૂપે આફ્રિકન જંગલ બન્યું. આ ક્રેટરની બહારના આફ્રિકન તૃણાહારી પ્રાણીઓ આ પર્વતનો ઢાળ ચડીને અંદરની બાજુ ઉતરી પડ્યા, પરંતુ પછી થયું એવું કે ઊતરતા તો ઊતરી ગયાં, પરંતુ એ ઊંચી દીવાલો ફરી ઓળંગીને બહાર નીકળી શક્યા નહીં. આ પ્રાણીઓના શિકાર માટે તેમની પાછળ સિંહો પણ અંદર ઊતરી આવ્યાં. પછી થયું એવું કે આ શિકારી પ્રાણીઓ પણ જ્વાળામુખીના ક્રેટરમાં જ ફસાઈ ગયાં. આ નગોરોન્ગોરો ક્રેટરની બહારની બાજુ ચારે તરફ સેરેન્ગેટી નેશનલ પાર્ક આવેલો છે. સમગ્ર વિશ્ર્વમાં જેટલા કુલ સિંહો છે તેમાંની એક તૃતિયાંશ સિંહોની વસતી એકલા ટાન્ઝાનિયામાં છે. સિંહો પર થયેલા અભ્યાસમાં વિશ્ર્વમાં સૌથી વધુ અભ્યાસ આ નગોરોન્ગોરો ક્રેટરમાં ઊતરીને ફસાઈ ગયેલા સિંહો પર થયા છે. તેમના પર અભ્યાસ કરવા પડે તે માટેનું વૈજ્ઞાનિક કારણ પણ છે.
વિશ્ર્વમાં ક્રેટર લાયન્સ તરીકે ઓળખાતા આ સિંહો ત્યાંથી નીકળી શકતા ન હોવાથી એક એવી સ્થિતિનું નિર્માણ થયું. વિશ્ર્વમાં તમામ દેશોમાં લગ્ન બબતે એક વણલખ્યો કાયદો છે કે ‘એક જ મા-બાપનામ સંતાનો લગ્ન ન કરી શકે. પ્રજોત્પતિ એ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. વિજ્ઞાન કહે છે કે જો કોઈ પણ જીવને વંશવેલો આગળ વધારવો હોય અને પોતાની આગળની પેઢીઓને તંદુરસ્ત રાખવા હોય તો જીનેટિક વેરીએશન જરૂરી છે. અને જો અંદરોઅંદર પ્રજનન થાય તો બીજી પેઢીમાં જીનેટિક વિવિધતા ઘટતી ચાલે અને તેની ગંભીર અસરો પડે અને આગળની પેઢીઓ અનેક પ્રકારની શારીરિક નબળાઈઓ વાળી બનતી જાય. અને તેથી જ આપણા હિન્દુ સમાજમાં સગોત્રી લગ્નની મનાઈ છે. જે સમુદાયો કુટુંબમાં લગ્ન કરે છે તેઓમાં પણ મામા-ફોઈના સંતાનોમાં લગ્ન થાય, કારણ કે એ સબંધમાં સંતાનના પિતાનું જીનેટિક સ્ટ્રક્ચર અનોખું મળવાનું છે. હવે આ ક્રેટર લાયન્સની કઠણાઈ એવી હતી કે તેમની પાસે પ્રજનન માટે બહુ મર્યાદિત વિકલ્પો હતાં અને એમ આંતરિક પ્રજનનના કારણે અને તેમની પછીની પેઢીઓ જીનેટકલી નબળી બનવા લાગી અને રોગિસ્ટ હોવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ. અને બસ આ જ કારણે ટાન્ઝાનિયાની સરકારે અને વિશ્ર્વની અનેક સંસ્થાઓએ સાથે મળીને આ ક્રેટર લાયન્સના અનેકવિધ અભ્યાસ કર્યા. આ અભ્યાસનાં તારણો અને પ્રકૃતિ જીવવિજ્ઞાનીઓની સલાહ મશવરા કર્યા બાદ આ ક્રેટરની બહારના વિસ્તારના સિંહો સાથે પ્રજનન અને કૃતિમ ગર્ભાધારણના માધ્યમથી આ સિંહોની વસતીમાં થતો ઘટાડો ઓછો કર્યો અને જીનેટિક વેરીએશનના કારણે છેલ્લા થોડા દાયકાઓથી આ સિંહો વધુ કુદરતી રીતે ફુલીફાલી રહ્યા છે. વધુમાં એક એવી આશ્ર્ચર્યજનક ઘટના બની જેના કારણે આપણા ક્રેટર લાયન્સ માટે એક સારા સમાચાર લઈને આવી. આપણને એક પ્રશ્ર્ન થાય એ પણ સ્વાભાવિક છે કે જે રીતે ક્રેટર લાયન્સ જ્વાળામુખીના આ મુખમાં ઉતરીને ફસાઈ ગયા હતાં, તે રીતે બીજા સિંહો કેમ ઊતરી ન આવ્યા… પરંતુ કોઈ અકળ કારણોસર એવું જ બનેલું કે આ ક્રેટરની બહારની બાજુ ટાન્ઝાનિયાનો સેરેન્ગેટી પાર્ક આવેલો છે.
આ પાર્કના સિંહો રખડતા ભટકતા ક્રેટરના મુખ સુધી જતાં, પરંતુ અંદર ઊતરવાને બદલે પાછા ફરી જતાં, પરંતુ સન. ૨૦૧૩માં સૌ પ્રકૃતિવિદોની પોકાર સાંભળી લીધી હોય તેમ સેરેન્ગેટી પાર્કના થોડા સિંહો એકાએક આ ક્રેટરમાં ઊતરી આવ્યા અને ત્યાં અડ્ડો જમાવી, બળજબરીથી સિંહણોના ઝુંડ પર કબજો જમાવી લીધો. આનું પરિણામ એ આવ્યું કે નગોરોન્ગોરો સિંહોમાં બહારના સિંહોના જનીન ભળ્યા અને બચ્ચાની સંખ્યા પણ વધી અને બચ્ચાઓની જીવવાની ટકાવારી પણ
સુધરી છે.
હાલ નગોરોન્ગોરો ક્રેટરમાં લગભગ અલગ અલગ સંખ્યા ધરાવતા પાંચ જેટલા સિંહોના જૂથ અસ્તિત્વમાં છે. બહારથી સિંહો અંદર ઉતરે આવવાની ઘટનાઓ ઓછી હોવાથી હાલ બચ્ચાની સંખ્યા પણ ઘટી છે, પરંતુ આ સિંહોના અનેક પ્રકારના અભ્યાસના કારણે ટાન્ઝાનિયન સરકાર અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યાન્વિત સંસ્થાઓ અને અભ્યાસુઓના અભ્યાસો આ બાબતે કશુંક નકકર પરિણામ લાવે તેની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular