એક અદ્ભુત અને મજબૂત ટેક્નોલોજી

ધર્મતેજ

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

સંસ્કૃત સાહિત્યના પ્રખર કવિ માઘે કહ્યું છે : ‘स्फुटमापदा पदमनात्मवेदिता – પોતાના સ્વરૂપનું અજ્ઞાન હોવું એ જ સઘળી આપત્તિઓનું મૂળ છે.
પરંતુ આ વાંચતાં ઘણાને થશે કે ‘શું માનવીને સાચે જ પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે?’, કારણ કે પોતે કેટલો ઊંચો છે, કાળો છે, ધોળો છે, પોતાનું વજન કેટલું વધુ-ઓછું છે વગેરે વિગતોથી વ્યક્તિ માહિતગાર છે, તો તેને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે તેમ કેવી રીતે કહી શકાય? પરંતુ આમ બોલવું એ જ અજ્ઞાન ભરેલું છે, કારણ કે હાથ, પગ, આંખ, કાન વગેરેથી યુક્ત જે શરીર દેખાય છે તે આપણું સ્વરૂપ નથી. શરીર જેને કારણે હાલે-ચાલે છે તે આત્મા આપણી અસલ ઓળખ છે.
શરીરમાંથી આત્મા નીકળી જાય પછી હાથ કાગળનો ટુકડો પણ ઉપાડી શકતો નથી, તો ક્યાં ગઈ શરીરની શક્તિ? જીવતા માણસને સળગતી અગરબત્તી અડી જશે તો તે દાઝી ગયાની વેદના અનુભવશે, પરંતુ શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી તે શરીરને અગ્નિ ભડ ભડ બાળીને ભસ્મીભૂત કરી નાખે છે, છતાં હજી એકેય શરીર ચિતા પરથી ઊભું થઈ દોડ્યું નથી, તો ક્યાં ગઈ શરીરની સંવેદના? ટૂંકમાં, શરીરનાં શક્તિ, સંવેદના, સૌંદર્ય આત્માને કારણે જ છે.
તેથી આપણા પ્રશ્ર્નોનો અંત આણવા માટે તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય છૂટકો નથી તે સમજાવતાં રમણ મહર્ષિએ કહ્યું છે: ‘જ્યાં સુધી માણસ પોતાના આત્માને ઓળખશે નહીં ત્યાં સુધી શંકાઓ અને અચોક્કસતા તેનો પીછો છોડવાની નથી. પોતાના આત્માને જાણ્યા વિના બીજું બધું જાણ્યું તો પણ તેનો અર્થ શું છે? આ દુનિયામાં આત્મજ્ઞાન મેળવવાથી બીજું વધુ લાભદાયી શું છે?’
ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે: ‘આત્મા તે ધન-સ્ત્રીઆદિક કોઈ પદાર્થે કરીને સુખી થાય એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુ:ખી થાય એવો નથી.’
આમ, આપણું સુખ બાહ્ય પદાર્થો પર નિર્ભર નથી. તેમ છતાંય માણસની જિંદગીનો મોટો ભાગ શરીરસંભાળ અને દુન્યવી પદાર્થોનું સંપાદન કરવા પાછળ જ વેડફાઈ જાય છે. મકાન મહત્ત્વનું ખરું, પણ તેમાં રહેનારી વ્યક્તિ જેટલું તો નહીં જ. એ જ રીતે શરીર કરતાં આત્મા વધુ મહત્ત્વનો છે. તેની યોગ્ય સંભાળ લેવાય તે અત્યંત જરૂરી છે.
તેના માટે સાચા ગુરુનું શરણું અનિવાર્ય ગણાયું છે, કારણ કે કઠોપનિષદ્ કહે છે: नायमात्मा प्रवचनेन लभ्य न मेधया न बहुना श्रुतेन…’ – આત્મજ્ઞાન પ્રવચનો કરી-સાંભળીને મેળવી શકાતું નથી. તે તીવ્ર મેધા કે બહુશ્રુત પંડિતાઈથી પણ મળતું નથી. તેને મેળવવાનો માર્ગ છે ગુરુ.
સત્યકામ જાબાલને સાચા ગુરુ મળ્યા અને ગુરુની આજ્ઞા પાળી તો ગાયો ચરાવવા જેવી સાધારણ ક્રિયામાંથી પણ તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તે પ્રસિદ્ધ કથા છે. આ જ વાત કરતાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે: ‘સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે તે આત્મસત્તારૂપે વર્તે છે.’ આમ, સાચા સંતને શોધી તેના આદેશ અનુસાર વર્તવું એ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો સરળ છતાં સબળ ઉપાય છે. દુ:ખમાં ભીંસાતી દુનિયાને ઊગરવાનો આ ધોરી
માર્ગ છે.
એક વાર નિષ્ણાતોના એક સંતમંડળે પ્રમુખસ્વામી મહારાજને આધુનિકતમ ટેક્નોલોજીની માહિતી આપી ત્યારે સ્વામીશ્રી બોલ્યા: ‘તમે આ બધી વાત કરી, પરંતુ અમારી તો એક જ ટેક્નોલોજી છે કે દેહ અને આત્મા જુદા છે. આત્મા સત્ય છે અને દેહ નાશવંત છે.’
આ ટેક્નોલોજીને કારણે પ્રમુખસ્વામી મહારાજ બધી જ વિષમતાઓ વચ્ચે પણ સમતા જાળવી શકતા.
તેઓ પાસે તા. ૧૦/૩/૧૯૮૮ની સવારે આવી ચડેલા એક મુરબ્બીનું મગજ ગેરસમજથી ઊભરાતું હતું, તેથી તેઓ ચાલુ સભામાં જ સ્વામીશ્રીને બેફામ બોલવા લાગ્યા, પરંતુ તેઓના પથરા જેવા શબ્દો સ્વામીશ્રી પુષ્પવર્ષાની જેમ ઝીલતા રહ્યા. થોડી વારે ઉકળાટનો ઉકરડો ઠલવાઈ જતાં પેલી વ્યક્તિ સમસમીને ઊભી રહી ગઈ. તે વખતે સ્વામીશ્રીએ એક સંતને કહ્યું: ‘આમને મંદિરમાં દર્શન કરાવો. પછી આપણા રસોડે જમાડજો.’
હાડોહાડ અપમાનથી લેશ વ્યથિત થયા વિના સ્વામીશ્રીએ કરેલી પોતાની આ સંભાવનાથી એ ત્રાહિત જન ચકિત થઈ ગયા. તેઓ ‘હું તમને ઓળખી ન શક્યો’ કહી માફી માગતાં ગળગળા થઈ ગયા. તે વખતે પણ સ્વામીશ્રી શાંતિથી બોલ્યા: ‘વાંધો નહીં. ભેગા મળીએ એટલે ગેરસમજ દૂર થઈ જાય.’
ગેરસમજથી ગંધાતા એક મગજને પોતાની સાધુતાની સુગંધથી મઘમઘતું કરી પ્રમુખસ્વામી મહારાજ પત્રલેખનમાં પરોવાઈ ગયા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.