Homeધર્મતેજધ્યેય વિનાનું જીવન પશુ સમાન

ધ્યેય વિનાનું જીવન પશુ સમાન

આચમન -કબીર સી. લાલાણી

ભગવદ્ગીતામાં એક બોધ છે, ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન.’
ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છે, કે ‘આપણે અધિકાર માત્ર કર્મ પર જ છે. માટે પરિશ્રમ કરો. ફળની આશા રાખવી નહીં. ફળ પર આપણો અધિકાર નથી…!’
નેપોલિયનનો એક ઉદ્ગાર જગજાહેર છે: ‘મારા શબ્દકોષમાં અસંભવ, અશક્ય એવો કોઈ શબ્દ જ નથી.’
આત્મવિશ્ર્વાસથી છલોછલ છલકતા આ ઉદ્ગારની પાછળ એવો ઉદ્ગાર ઉચ્ચારનારની પ્રચંડ આત્મશ્રદ્ધાનું પીઠબળ ખડું છે. પોતાની જાત વિશેની, પોતાના વ્યક્તિત્વ વિશેની આ શ્રદ્ધાનું એક
રોમાંચક ઉદાહરણ પણ દુનિયામાં ઘણું જાણીતું છે.
એક વાર નેપોલિયનને કોઈ પુસ્તકની જરૂર પડી. ઊંચી અભરાઈ પરથી એને ઉતારવાનું હતું. નેપોલિયન પોતે એ માટેની કોઈ ગોઠવણ કરે તે પહેલાં એની સેવામાં ઊભેલા સેવકે કહ્યું, ‘સાહેબ, આપ તકલીફ ન લેશો. હું એ ચોપડી ઉતારી આપું છું. હું આપના કરતાં ઊંચો છું ને!’
નેપોલિયન કરતાં પોતાની શારીરિક ઊંચાઈ વધારે હોવાનું જેને ગૌરવ હતું એ સેવકને નેપોલિયને કહ્યું, ‘તારું વાક્ય સુધાર! હું આપના કરતાં ઊંચો છું એમ નહીં, હું આપના કરતાં લાંબો છું એમ બોલ! સમજ્યો.’
સેવક સમજી ગયો, પણ આ વાતનો મર્મ સૌ કોઈ સમજતા નથી. મહત્ત્વ માણસના લાંબા-ટૂંકા શરીરનું નથી. મહત્ત્વ તો એમાં ભરેલા દૈવત-કૌવતનું છે. આ વાત જે સમજ્યા હોય છે તે આત્મવિશ્ર્વાસનો મૂળ મંત્ર પામી ચૂક્યા હોય છે.
એક માણસ એના ખેતરમાં કૂવો ખોદી રહ્યો હતો. પૂરા ઓગણીસ હાથ જમીન ખોદી, પણ પાણી ના નીકળ્યું. કંટાળી ગયેલા એ માણસે જમીન પોતાના રોઢા પડોશી ખેડૂતને વેચી દીધી.
બીજે-ત્રીજે દિવસે એ ખેડૂતે પેલા કૂવામાં ખોદવાનું ચાલું કર્યું અને વીસમાં હાથની માટી ખોદાઈ રહેતાં સરસર કરતી પાણીની સરવાણીઓ ફૂટી નીકળી!
હવે પાણી નહીં જ નીકળે એવી નિરાશા ખેતરના પહેલા માલિકને નડી ગઈ, જ્યારે થોડી મહેનત વધારે કરશું તો જરૂર પાણી મળી જશે એવી આશા બીજા ખેડૂતને ફળી ગઈ.
પોતાની જાતને બરાબરની કસીને, ઘસી-માંજીને જેણે તૈયાર કરી હોય છે એ વ્યક્તિ સહજપણે જ આત્મવિશ્ર્વાસ પ્રાપ્ત કરી શકે છે. આત્મવિશ્ર્વાસના જોર પર જ માણસને એનાં જીવનકાર્યોમાં સફળતા સાંપડે છે. નક્કર આત્મવિશ્ર્વાસની સાથોસાથ વ્યક્તિમાં શ્રદ્ધાની સંપદા પણ હોવી જોઈએ.
પૂરી નિષ્ઠાથી, લગીર પણ દિલચોરી કર્યા વિના હાથમાંના કામને ઉત્તમોતમ રીતે
કરવા મથનાર માણસનો આત્મવિશ્ર્વાસ ધીમેધીમે, એ કામ કરતો જાય તેમતેમ વધુ સંગીન બનતો જાય છે અને પોતાના પ્રયત્નોમાંની એની શ્રદ્ધાની સાથોસાથ મહેનતનું પરિણામ જરૂર સારું આવશે એવો આશાવાદ પણ જો એનામાં હોય તો એનાં મોટા ભાગનાં કાર્યોમાં એને અચૂક સફળતા સાંપડતી હોય છે.
* જીવનમાં સફળ થવું હોય,
* કાંઈક પ્રાપ્ત કરવું હોય,
* બીજાને પ્રેરણારૂપ આદર્શ બની રહે તેવું જીવવું હોય, તો જીવનનું ધ્યેય નક્કી કરો;
* ધ્યેય વિનાનું જીવન પશુ સમાન છે.
* ધ્યેય નક્કી કર્યા પછી કહ્યું છે ને કે, ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડી પડો. ઉ
નસીહત:
‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ’ એ ઉક્તિ પર આધાર રાખીને બેસી રહેનારા કાં તો નિર્બળ મનના હોય છે અથવા તો પછી તેમનામાં પરિશ્રમ કરવાની તાકાત હોતી જ નથી! પ્રારબ્ધ પર આધાર રાખીને બેસી રહેવાથી ક્યારેય સફળતા મળતી જ નથી!

RELATED ARTICLES

Most Popular