વિપુલ વૈદ્ય
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણે, દીવા, મુંબ્રા, ડોંબિવલી, બદલાપુર, કલ્યાણમાં ગયેલા મુંબઈના ચાલીવાસીઓની કરી ચિંતા
મુંબઈ: મૂળ મુંબઈગરા મુંબઈની બહાર ફેંકાઈ ગયા છે એવી ફરિયાદ ઘણા લાંબા સમયથી થઈ રહી છે, પરંતુ હજી સુધી કોઈ સરકારે આ બાબતે ખાસ કોઈ કામ કર્યું નથી. મુંબઈના મૂળ રહેવાસીઓ અત્યારે પાડોશના શહેરો થાણે, દીવા, મુંબ્રા, ડોંબિવલી, બદલાપુર, કલ્યાણ, વસઈ-વિરારમાં જઈને વસવાટ કરે છે. આને માટે વધતી મોંઘવારી, જગ્યાના ભાવમાં થયેલી વૃદ્ધિ, બેરોજગારી જેવી સમસ્યા કારણ હોવાનું કહેવાઈ રહ્યું છે.
અત્યારે મુંબઈના મૂળ રહેવાસીઓ મુંબઈની બહાર ફેંકાઈ ગયા છે અને નોકરી માટે તેમને રોજ અપ-ડાઉન કરવું પડે છે અને તેને લીધે લોકલ ટ્રેનમાં ગરદી જોવા મળી રહી છે.
બીજી તરફ મહારાષ્ટ્રની બહારથી આવેલા લોકો મુંબઈમાં મોંઘી કિંમતમાં મળતા ઘરો ખરીદી રહ્યા છે અને આમ હવે અન્ય રાજ્યોમાંથી અને વિદેશોમાંથી આવેલા લોકો મુંબઈમાં મોટા પ્રમાણમાં પ્રોપર્ટીધારકો બની ગયા છે.
મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે મૂળ મુંબઈગરાને ફરી પાછા મુંબઈમાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે.
તેમણે કહ્યું કે જેવી રીતે રાજ્યની સરકાર બદલાઈ છે તેવી જ રીતે મુંબઈનો વિકાસને માર્ગે કાયાપલટ કરવાનો સરકારનો નિર્ધાર છે. ફક્ત ચૂંટણીઓ માટે મુંબઈગરાની બૂમ મારવાનું રાજકારણ કરવાને બદલે રિડેવલપમેન્ટના માધ્યમથી મુંબઈની બહાર ગયેલા મૂળ મુંબઈગરાને પાછા મુંબઈમાં લાવવાનું અમારું લક્ષ્ય છે. આને માટે બાંધકામ વ્યાવસાયિકોને મધ્યમ વર્ગને પરવડે એવા પ્રકારના સસ્તા ઘરો બનાવવાની સૂચના આપવામાં આવી છે. આને માટે તેમને જોઈતી બધી જ સવલતો અને રાહતો આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈમાં ઘર લેવાનું પરવડતું ન હોવાથી મૂળ મુંબઈગરા શહેરની બહાર જાય છે, પરંતુ મધ્યમવર્ગને પરવડી શકે એવા દરે ઘરો તૈયાર કરવા માટે સરકાર વિવિધ યોજના અમલમાં મૂકી રહી છે અને તેનો ફાયદો આગામી દિવસોમાં જોવા મળશે.