આજે 1 એપ્રિલ નવા આર્થિક વર્ષની શરુઆતમાં અનેક વસ્તુંઓ પર ભાવ વધારો લાગૂ પડ્યો છે. ત્યાં સામાન્ય જનતાના માથે વધુ એક ભાવ વધારાનું ભારણ આવ્યું છે. ત્યારે હવે અમૂલ દ્વારા પણ દૂધના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રિમના 1 લિટરમાં 2 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ આજથી જ લાગુ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લાં છ મહિનામાં અમૂલ દ્વારા આ બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.
મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાંખી છે. આડે દિવસે થતાં ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે. ત્યાં અમૂલ દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરતાં સામાન્ય લોકો પર ખર્ચાનું ભારણ વધ્યું છે. અમૂલ ગોલ્ડ જે પહેલાં 31 રુપિયા લિટર હતું તે હવે 32 રુપિયા લિટરથી મળશે. અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મીલીનો જૂનો ભાવ 28 રુપિયા હતો જે હવે વધીને 29 રુપિયા કરવામાં આવ્યો છે. અમૂલ ટી સ્પેશીયલની વાત કરીએ તો 500 મીલીનો જૂનો ભાવ 29 રુપિયા હતો જે વધીને 30 રુપિયા થઇ ગયો છે. એટલે કે હવે દૂધની થેલી પર તમારે 1 રુપિયો વધારે ચૂકવવો પડશે અને મહિને તમારા પર 30 થી 31 રુપિયાનું ભારણ વધશે. અત્રે ઉલ્લેખનિય છે કે ઓગસ્ટ 2022માં બરોડા ડેરીએ ગોલ્ડમાં 5 લિટરે 10 રુપિયા અને તાઝાના એક લિટર પર 2 રુપિયાનો વધારો કર્યો હતો. જ્યારે માર્ચ 2022માં શક્તિ અને ગોલ્ડમાં પ્રતિ લિટરે 2 રુપિયા વધ્યા હતાં.