અમૂલમાં ભાજપની સત્તા આવી છે. આજે યોજેયલી ચૂંટણીમાં વિપુલ પટેલ નવા ચેરમેન અને કાન્તી સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે.
ગુજરાતના સહકારી રાજકારણમાં અમૂલ સંલગ્ન રાજકારણ મહત્વનું છે. દૂધિયું રાજકારણ એટલું ફેલાયેલું છે કે ગુજરાતના 18 હજાર ગામડાઓને સીધી અસર કરે છે. કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હારના 50 દિવસમાં કમલમ જઈને ખેસ પહેરી લેતાં સૌને આશ્વર્ય થયું છે. હવે એમને સીધો લાભ મળ્યો છે. આજે ભાજપે એમને અમૂલના વાઈસ ચેરમેન જાહેર કર્યા છે.
અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે.
જેમાં 1215 દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે 7,53,194 પશુપાલકોની માતૃસંસ્થા એ અમૂલ ડેરી કહેવાય છે. જેમાં 6 લાખથી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય છે. છેલ્લા 25 વર્ષથી રામસિંહ પરમાર અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. 2 દાયકાથી વધુ સમય તેઓ અમૂલ ડેરીના ચેરમેન રહ્યાં છે. નોંધનીય છે કે, રામસિંહ પરમારે 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પંજો પડતો મૂક્યો હતો. હવે ભાજપે અમૂલમાંથી કોંગ્રેસનું રાજકારણ પુરૂ કરી દીધું છે. અત્યારસુધી ભાજપ અને કોંગ્રેસ સામસામે હતા. ફેડરેશનના તમામ દૂધ સંઘોમાં હવે ભાજપનું શાસન છે.