આરોગ્ય માટે અમૃત સમાન કહેવાય છે ‘પંચામૃત’

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભક્તો મહાદેવની આરાધનામાં મગ્ન જોવા મળે છે. ખાસ કરીને સોમવારના દિવસે મહાદેવને રીઝવવા ભક્તો શિવજીને પ્રિય વિવિધ પૂજનસામગ્રીનો થાળ લઈને મંદિરની બહાર લાંબી કતારોમાં ઊભેલા જોવા મળે છે. શિવજીને પ્રિય સામગ્રીમાં બીલીપત્ર, ફૂલ, ચોખા, કાળા તલની સાથે પંચામૃત બનાવીને લાવે છે. ભારતીય સંસ્કૃતિમાં દેવોની પૂજામાં ખાસ વાપરવામાં આવતા પંચામૃતની અનેક વિશેષતા છે. પંચામૃત આરોગ્યને માટે અમૃત સમાન ગણાય છે. પાંચ પદાર્થોમાંથી બનાવવામાં આવતા પંચામૃતના સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદા જોવા મળે છે, તેથી જ તો પંચામૃત મંદિરમાં પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવે છે.
પંચામૃતમાં વાપરવામાં આવતી સામગ્રીને પણ જાણી લઈએ – ગાયનું દૂધ, દહીં, ખડી સાકર, મધ તથા ઘી. બધી જ વસ્તુના આગવા ગુણ છે.
ગાયનું દૂધ: અનેક સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે શિશુ માટે બ્રેસ્ટ મિલ્ક બાદ સૌથી શ્રેષ્ઠ ગાયનું શુદ્ધ દૂધ ગણાય છે. ગાયનું દૂધ મોટાપો દૂર કરવામાં, પાચનક્રિયાને સુધારવામાં તથા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ગાયના શુદ્ધ દૂધમાં પ્રોટીન, કૅલ્શિયમ, વિટામિન બી-૧૨, વિટામિન એ, વિટામિન ડીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. ગર્ભાવસ્થામાં તથા સ્તનપાન કરાવતી માતા માટે અત્યંત ગુણકારી ગણાય છે.
દહીં: ઘરમાં બનાવેલા તાજા દહીંના પણ અનેક આરોગ્યદાયક ફાયદા જોવા મળે છે. દહીંમાં એમિનો એસિડની માત્રા સમાયેલી હોય છે. કૅલ્શિયમ તથા ફોસ્ફરસની માત્રા પણ સારી માત્રામાં જોવા મળે છે, જેના ઉપયોગ દ્વારા પિત્તદોષ તથા અપચાની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે. દહીં તાજું મોળું તથા ઘરમાં બનાવેલું હોય તે આવશ્યક છે.
મધ: મધનો એક આગવો સ્વાદ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે મધનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે પણ કરવામાં આવે છે. વાગ્યું હોય કે લાંબા સમયથી ઘામાં રૂઝ ન આવતી હોય તેઓ મધનો આહારમાં ઉપયોગ કરે તો લાભ થાય છે.
શુદ્ધ ઘી: શુદ્ધ ઘી શરીરનાં વિવિધ અંગો માટે અત્યંત ગુણકારી ગણવામાં આવે છે. એવું પણ જાણવા મળે છે કે ઘીનો આહારમાં પ્રમાણભાન રાખીને ઉપયોગ કરવાથી યાદશક્તિ વધે છે. શરીરના સ્નાયુમાં લવચિકતા વધે છે. ઘી પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી ન્યુટ્રિયન્ટનો ખજાનો ઘીમાં સમાયેલો છે.
ખડી સાકર: ખડી સાકરનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું પંચામૃત શરીરને એક અલગ જ પ્રકારની શક્તિ પ્રદાન કરે છે. ત્વચાને ચમકીલી બનાવવાની સાથે સાકરની મીઠાશ શરીરને શક્તિ પ્રદાન કરે છે. ખડી સાકરનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો જોઈએ.
સગર્ભાવસ્થામાં પંચામૃતનો નિયમિત ઉપયોગ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. પંચામૃતનો ઉપયોગ કરવાથી શરીરમાં એનર્જીનો સંચાર થાય છે. મન શાંત બનીને સકારાત્મક વિચારો તરફ વળે છે. સ્નાયુઓની શક્તિ વધારે છે. ગર્ભના વિકાસમાં તથા તેના મગજના વિકાસમાં પણ પંચામૃત અમૃત સમાન ગણવામાં આવે છે. આયુર્વેદાચાર્ય પણ સગર્ભાવસ્થામાં પંચામૃત ગ્રહણ કરવાની ખાસ સલાહ આપે છે. સંતાનની ઈચ્છા ધરાવતી સ્ત્રી માટે પણ પંચામૃતનો ઉપયોગ સચોટ ગણવામાં આવે છે.
—————–
પંચામૃતના સ્વાસ્થ્યવર્ધક ફાયદા
પાચનક્રિયાને સુધારવામાં ગુણકારી
પંચામૃતમાં મધનો ઉપયોગ કરવામાં આવે છે, જે પાચનક્રિયાને મજબૂત બનાવવામાં ઉપયોગી ગણાય છે. એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પંચામૃતની તાસીર ઠંડી ગણાય છે. અતિશય એસિડિટીની તકલીફ ધરાવતી વ્યક્તિ પંચામૃતનો ઉપયોગ થોડા દિવસ નિયમિત કરે તો તેને રાહત મળે છે.
પિત્તદોષને ઘટાડવામાં ઉપયોગી
ભોજન પ્રત્યે બેકાળજી રાખવાને કારણે પેટમાં ગરબડ, છાતીમાં બળતરા, પિત્ત પ્રકૃતિ વધવા લાગે છે. પંચામૃતનો ઉપયોગ પિત્તશામક ગણાય છે. પંચામૃતનો ઉપયોગ દિવસ દરમિયાન કરવો આવશ્યક છે. ગર્ભાવસ્થામાં ઊલટીની ફરિયાદ કે લો બ્લડ પ્રેશરની તકલીફ માટે પંચામૃત રાહતદાયક ગણાય છે.
યાદશક્તિ વધારવામાં લાભદાયક
પંચામૃત માટે એવું પણ કહેવાય છે કે તે માનસિક શાંતિ આપવાની સાથે વ્યક્તિની યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. પંચામૃતનો સગર્ભાવસ્થામાં ઉપયોગ કરવાથી માતા-ગર્ભસ્થ શિશુના મગજનો વિકાસ સારો થાય છે. બાળક બુદ્ધિશાળી બને છે. બાળકોની યાદશક્તિ તેજ બનાવવા માટે ચોકલેટ ફ્લેવરવાળા દૂધને બદલે શુદ્ધ સાત્ત્વિક યાદશક્તિ વધારે તેવા સ્વાદિષ્ટ અમૃત સમાન પંચામૃતનો પ્રયોગ કરવા યોગ્ય છે.
ત્વચા ચમકદાર બનાવે છે
પંચામૃતને કુદરતી સનસ્ક્રીન ગણવામાં આવે છે. પંચામૃતમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીની વાત કરીએ તો ખડી સાકર ત્વચાને કુદરતી રીતે પોષણ બક્ષે છે. ઘીને કારણે ત્વચા કરમાતી બચે છે. મધ કુદરતી ઍન્ટિઓક્સિડન્ટ ગણાય છે તેમ જ વિટામિન તથા મિનરલ્સનો ખજાનો મનાય છે. પંચામૃતનો ઉપયોગ આહારમાં પ્રમાણભાન રાખીને કરવાથી ત્વચાની કોમળતા જળવાઈ રહે છે.
————-
પંચામૃત ક્યારે ગ્રહણ કરવું?
સામાન્ય રીતે ઘરમાં ખાસ પૂજનવિધિ હોય ત્યારે પંચામૃત દ્વારા ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. પંચામૃત બન્યા બાદ ૨-૩ કલાકમાં પી લેવું સલાહભર્યું છે. તાજું ગ્રહણ કરવું યોગ્ય છે. સવારે બનાવીને સાંજના સમયે લેવાથી પિત્ત થઈ શકે છે, માટે સાંજના સમયે પંચામૃત લેવાનું ટાળવું. ચાંદીના ગ્લાસમાં કે વાટકીમાં બનાવેલું પંચામૃત શરીરને માટે અત્યંત ગુણકારી ગણાય છે. તંદુરસ્ત આરોગ્યની ઈચ્છા ધરાવતી વ્યક્તિ નિયમિત પ્રમાણભાન રાખીને પંચામૃતનો ઉપયોગ કરી શકે છે. પંચામૃતમાં ઘણા લોકો સાદી ખાંડનો ઉપયોગ કરે છે, પણ બને ત્યાં સુધી સાદી ખાંડનો ઉપયોગ ટાળવો. ખડી સાકરનો ઉપયોગ તેને વધુ પૌષ્ટિક બનાવે છે.
પંચામૃત કેવી રીતે બનાવવું?
સામગ્રી: ૫થી ૭ મોટી ચમચી ગાયનું દૂધ, ૧ ચમચી દહીં, ૧ નાનો ટુકડો ખડી સાકર, ૧ ચમચી ઘી, ૧ ચમચી મધ
બનાવવાની રીત: ગાયનું ગરમ કરીને ઠંડું કરેલું તાજુ દૂધ એક ચાંદીના ગ્લાસમાં લેવું. તેમાં ૧ ચમચી દહીંને બરાબર ફેંટીને ભેળવી દેવું. નાનો ટુકડો ખડી સાકરનો લેવો. ૧ ચમચી શુદ્ધ ઘી તથા ૧ ચમચી શુદ્ધ મધ ભેળવી દેવું. બરાબર મિક્સ કરીને તેને થોડું થોડું ઘરના બધા સભ્યોને આપવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.