રાજીવ ગાંધીના હત્યારાઓને માફી અને તમિળ ટાઇગર્સનો લોહિયાળ ઇતિહાસ

21

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

રાજીવ ગાંધીની હત્યા માટે જેલવાસ ભોગવી રહેલા કેટલાક કેદીઓને થોડા સમય પહેલા છોડી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે તો તમિળનાડુમાં ચૂંટણી સમયે તમિળ અસ્મિતાનો મુદ્દો છવાયેલો રહે છે. ત્યાં ડીએમકે, એઆઇએડીએમકે, કોંગ્રેસ, ભાજપ અને બીજા કેટલાક સ્થાનિક પક્ષો અવારનવાર રાજીવ ગાંધીની હત્યા બાબતે રાજકારણ રમતા રહે છે. તમિળનાડુની દરેક ચૂંટણીમાં રાષ્ટ્રિય મુદ્દાઓ ખાસ મહત્ત્વના રહેતા નથી. છેલ્લા કેટલાંય વર્ષોથી સ્થાનિક પક્ષોનું જોર જ તમિળનાડુમાં વધુ રહ્યું છે. તમિળનાડુના લોકો તામિલિયન અસ્મિતા બાબતે ખૂબ જ સંવેદનશીલ છે. આમ તો ચૂંટણી પ્રચારમાં તમિળ અસ્મિતા ઘણી બધી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી તમિળ મતદારોના મનમાં શ્રીલંકાના તમિળયનો પર થયેલો અત્યાચાર છવાયેલો જ રહે છે. નવી પેઢીને કદાચ ખબર નહીં હોય કે ૮૦ અને ૯૦ના દાયકામાં શ્રીલંકામાં બહુમતી સિંહાલીઓ અને લઘુમતી તમિળો વચ્ચે ચાલેલા ગૃહયુદ્ધની અસરો ભારતના રાજકારણ પર પણ કેટલી ઘેરી થઈ હતી. આ વાતને થોડી વિસ્તારથી સમજીએ.
શ્રીલંકામાં તમિળોની વસ્તી બે કરોડ સત્તાવીસ લાખ જેટલી હોવાનું મનાય છે. શ્રીલંકાના તમિળો મોટા ભાગે શ્રીલંકાની ઉત્તર અને પશ્ર્ચિમે વસ્યા છે. શ્રીલંકામાં તમિળોના અલગ રાજ્યની માગણી કરીને ૮૦ના દાયકાની શરૂઆતમાં આંદોલન શરૂ થયું હતું. આ આંદોલનની આગેવાની લિબ્રેશન ટાઇગર્સ ઓફ તમિળ ઇલમ (એલટીટીઇ, જેમને તમિળ ટાઇગર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.)એ લીધી હતી. શ્રીલંકાના બહુમતી તમિળોને લાગતું હતું કે ત્યાંની સિંહાલી સરકાર એમના પ્રત્યે ભેદભાવ રાખે છે. આ અસંતોષમાંથી એલટીટીઇની સ્થાપના થઈ જેની આગેવાની વેલુપીલ્લઈ પ્રભાકરણે લીધી હતી. પાછળથી વિશ્ર્વ આખાએ એલટીટીઇને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
૨૫ વર્ષ સુધી ચાલેલા આ ગૃહયુદ્ધમાં આશરે એક લાખ લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટા ભાગના નાગરીકો હતા. એલટીટીઇએ શરૂઆતના તબક્કે શ્રીલંકાના ઘણા વિસ્તારો કબજે કર્યા હતા. જેને પાછા મેળવવા માટે શ્રીલંકાએ બળપ્રયોગ કર્યો હતો.
એલટીટીઇ અને શ્રીલંકાનાં સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ભારત પણ ચિંતિત હતું. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ શ્રીલંકા સાથે શાંતિકરાર કર્યા હતા, પરંતુ એલટીટીઇને આ કરારની શરતો માન્ય નહોતી. આ કરારનો અમલ કરાવવા માટે રાજીવ ગાંધીએ ૧૯૮૭થી ૧૯૯૦ દરમિયાન ભારતીય લશ્કરને શ્રીલંકા મોકલ્યું હતું. એ વખતે શ્રીલંકાનાં સુરક્ષાદળોની મદદે ગયેલા ભારતીય લશ્કરને ‘ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ’ (આઇપીકેએફ) નામ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં એમ લાગતું હતું કે આઇપીકેએફ શ્રીલંકાની અંદરના મામલે દખલ નહીં કરશે. જોકે થોડા મહિનાઓમાં જ આઇપીકેએફ અને એલટીટીઇ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. એલટીટીઇનો વડો પ્રભાકરણ ખૂબ જ ઝનૂની અને બુદ્ધીશાળી હતો. એના લશ્કરમાં ૧૫-૧૭ વર્ષની તામિલિયન યુવતીઓ પણ સામેલ હતી. એલટીટીઇના દરેક સભ્યો ગળામાં પોટેશિયમ સાઇનાઇડ ઝેર ભરેલી કેપ્સ્યુલ લટકાવેલી રાખતા હતા. જ્યારે સુરક્ષા દળોને હાથે પકડાવાનું આવે ત્યારે તેઓ આ કેપ્સ્યુલ ગળી લઈને આત્મહત્યા કરી લેતા હતા. કોઈપણ દેશના લશ્કર પાસે જેવી સુવિધાઓ હોય એમાંની ઘણીખરી સુવિધાઓ એલટીટીઇ પાસે હતી. સામાન્ય રીતે એમ મનાય છે કે શરીર પર બોમ્બ બાંધીને વિસ્ફોટક દ્વારા દુશ્મનો પર હુમલો કરનાર સ્યુસાઇડ બોમ્બરોની શરૂઆત ઇસ્લામીક આતંકવાદથી થઈ હતી. જોકે હકીકત એ છે કે એલટીટીઇએ સ્યુસાઇડ બોમ્બરોને જન્મ આપ્યો હતો.
ભારતનું લશ્કર વિશ્ર્વમાં સૌથી શક્તિશાળી લશ્કર ગણાતું હતુ, પરંતુ ગેરીલા પદ્ધતિથી હુમલો કરીને દુશ્મનોને માત કરનાર એલટીટીઇ સામે ભારતનું આઇપીકેએફ ટક્કર લઈ શક્યુ નહીં. તમિળનાડુ અને દેશભરમાં પણ રાજીવ ગાંધીના પગલા બાબતે રોષ વધતો જતો હતો. છેવટે એલટીટીઇના હાથે હારીને આઇપીકેએફએ ભારત પરત ફરવું પડ્યું. હેલિકૉપ્ટરો, વિમાનો, ગનશીપ્સ સહિતના આપણા બહોળા લશ્કરને એલટીટીઇના ગેરીલાઓએ ખરાબ રીતે માત આપી હતી.
૯૦ના દાયકાની શરૂઆતમાં ભારતમાં રાજકીય સમીકરણો બદલાયા. ૧૯૯૧માં લોકસભાની ચૂંટણી જાહેર થઈ. એલટીટીઇના નેતાઓ ભારતના રાજકીય વાતાવરણને ખૂબ ધ્યાનથી નિરખી રહ્યા હતા. એમને ચિંતા એ વાતની હતી કે જો રાજીવ ગાંધી ફરીથી વડા પ્રધાન બનશે તો કદાચ તેઓ ફરીથી ભારતીય લશ્કર એલટીટીઇના સફાયા માટે શ્રીલંકા મોકલશે. પ્રભાકરણ અને એના માણસોએ રાજીવ ગાંધીની હત્યાનું આયોજન કર્યું. ચેન્નઇ નજીક આવેલા શ્રીપેરુમ્બુદુર ખાતે ૨૧મી મેના દિવસે રાજીવ ગાંધી ચૂંટણી પ્રચાર માટે જવાના હતા. ચેન્નઇથી મોટર રસ્તે રાજીવ ગાંધી શ્રીપેરુમ્બુદર પહોંચ્યા ત્યારે એમના સ્વાગત માટે ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. રેલીને સંબોધન કરવા માટે રાજીવ ગાંધી જ્યારે આગળ વધ્યા ત્યારે એલટીટીઇની આતંકવાદી ધનુએ રાજીવ ગાંધીને હાર પહેરાવવાના બહાને શરીર પર બાંધેલો બોમ્બ ફોડ્યો અને રાજીવ ગાંધી સહિત ૧૯ વ્યક્તિઓનાં સ્થળ પર જ મોત થયાં. રાજીવ ગાંધીની હત્યાને કારણે આખા દેશમાં હાહાકાર મચી ગયો. સરકારી એજન્સીઓએ એલટીટીઇના ઘણા આતંકવાદીઓની ધરપકડ કરી, પરંતુ પ્રભાકરણ શ્રીલંકાના જંગલમાં છુપાયેલો હોવાથી એના સુધી કોઈ પહોંચી શક્યું નહીં. પ્રભાકરણ હંમેશાં કહેતો કે “હું દુશ્મનોના હાથે પકડાવા કરતાં સન્માનભેર મરી જવાનું પસંદ કરીશ. પ્રભાકરણ શ્રીલંકાના તમિળોમાં ખૂબ જ લોકપ્રિય હતો. એ વખતે તમિળનાડુના દરેક સ્થાનિક પક્ષોએ ક મને પ્રભાકરણને ટેકો આપવો પડતો હતો. પ્રભાકરણની સામે બોલવાની હિંમત તમિળનાડુના કોઈ રાજકારણીમાં નહોતી. રાજીવ ગાંધીની હત્યા પછી પણ શ્રીલંકાનું ગૃહયુદ્ધ ચાલુ જ રહ્યું. ૨૦૦૮ પછી વિશ્ર્વના બીજા દેશોની મદદ લઈને શ્રીલંકાના લશ્કરે એલટીટીઇ પર વળતા હુમલા શરૂ કર્યા. કેટલાક સાથીઓએ પ્રભાકરણને છોડીને અલગ સંગઠન ઊભું કર્યું હોવાથી પ્રભાકરણ થોડા નબળા પણ પડી ગયા હતા. એ વખતની યુપીએ સરકારે પણ રાજીવ ગાંધીની હત્યાનો બદલો લેવા માટે શ્રીલંકાને પૂરતો સહકાર આપ્યો.
પ્રભાકરણ દરરોજ પોતાના છુપાવવાનાં સ્થળો બદલતો રહેતો હતો. છેવટે ૨૦૦૯ની ૧૮ મેએ શ્રીલંકાના લશ્કરે પ્રભાકરણને ઘેરી લઈ એને મારી નાખ્યો. પ્રભાકરણના ૧૧ વર્ષના પુત્ર, યુવાન પુત્રી તેમજ પત્નીને પણ શ્રીલંકાના લશ્કરે મારી નાખ્યા. વિશ્ર્વભરમાં વસેલા તમિળોએ એવો આક્રોષ વ્યક્ત કર્યો હતો કે શ્રીલંકાના લશ્કરે કોઈપણ કારણ વગર ઠંડા કલેજે ૧૧ વર્ષના બાળકની પણ હત્યા કરી છે. બીજા હજારો નિર્દોષ તમિળોને પણ મારી નાખ્યા છે. એ માટે એમના પર આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કામ ચલાવવામાં આવે.
હજી પણ આ વિવાદ ચાલુ છે. અને તમિળનાડુમાં વારેતહેવારે પ્રભાકરણનું ભૂત ધૂણતું રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!