અમ્માને ઘણી ઘણી ખમ્મા

વીક એન્ડ

ઉરમાં ઉત્સાહ અને ઉમંગ છલકાતા હોય ત્યારે ઉંમર જખ મારતી હોય છે. કેરળના દેવીકુલંગારા ગામનાં ૯૧ વર્ષનાં અમ્માનું રોજિંદું જીવન તેઓ જાણે કે ૧૯ વર્ષનાં હોય એવું પ્રતીત કરાવે છે. જૈફ ઉંમરે અમ્મા પરોઢિયે પાંચ વાગ્યે રેંકડી પર પહોંચી ચા બનાવી રોજીરોટી મેળવવા સંઘર્ષની શરૂઆત કરે છે. સાથે મદદમાં ૬૮ વર્ષની દીકરી વસંત કુમારી હાજર હોય છે. સવારના પહોરમાં મસાલેદાર ચા પીવડાવી લોકોને સ્ફૂર્તિ બક્ષી મા-દીકરી બપોરે લોકોની સ્વાદેન્દ્રિયનું ધ્યાન રાખે છે. ઘડિયાળમાં અઢીના ટકોરા પડે એટલે જાત જાતનાં વડાં સાથે સ્વાદિષ્ટ સંભાર અને કેળાંનાં ભજિયાં જેવી મોંમાં પાણી આવી જાય એવી વાનગીઓની સુગંધ નાકમાંથી પ્રવેશી હોજરીમાં થનગનાટ પેદા કરી દે છે. અમ્મા થન્ગમ્માના જીવનમાં પેટ કરાવે વેઠ એ કહેવત સ્થાન ધરાવે છે. મીડિયા સાથેની વાતચીતમાં અમ્મા જણાવે છે કે ‘એક સડક અકસ્માતમાં અમે સર્વસ્વ ખોઈ બેઠાં અને જીવન એકડે એકથી શરૂ કરવાની નોબત આવી. પંચાયત અમારી આપવીતી જાણે છે અને તેમની પરવાનગી લઈને જ આ રેંકડી ચલાવીએ છીએ. સવારના ભાગમાં અમે માત્ર ચા વેચીએ છીએ અને બપોરે અઢીની આસપાસ નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ છીએ. સાંજ પડતાં તો બધી વાનગી વેચાઈ જાય છે. દવા ખાધા પછી કોઈ પણ સંજોગોમાં રાત્રે સાડાનવ વાગ્યે દુકાનને તાળું મારી દઈએ છીએ. દિવસ દરમિયાન જે કમાણી થાય એનાથી પહેલાં દૂધનું બિલ ચૂકવી દઈએ છીએ અને અન્ય દુકાનોમાંથી ખરીદેલી વસ્તુના પૈસા આપી દઈએ. પછી જે પૈસા બચે એમાંથી અમારો નિર્વાહ કરીએ છીએ.’ ૧૭ વર્ષથી આ રીતે જીવન નિર્વાહ કરતાં અમ્મા ભાડાના ઘરમાં રહે છે અને મહિને ૧,૬૦૦ રૂપિયાનું પેન્શન મળે છે જે દવા ખરીદવા, ભાડું ચૂકવવા અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવામાં ખર્ચાઈ જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.