અમિતાભે મને કરોડપતિ બનાવી દીધો

મેટિની

ફિલ્મનામા-નરેશ શાહ

કોમેડિયન મેહમૂદના ભાઈ અનવર અલીનાં અમિતાભ બચ્ચન સાથેનાં સંસ્મરણો આપણે વાગોળી રહ્યા છીએ. એ અનવર અલી કે જેના ઘરે જ સ્ટ્રગલના દિવસોમાં અમિતાભ બચ્ચન રહ્યા હતા. એ અનવર અલી કે જેની સગી બહેન મીનુ મુમતાઝે અમિતાભે ભાડે લીધેલા પ્રથમ ફ્લેટને શણગારી આપ્યો હતો. એ અનવર અલી કે જેઓ પોતાના ફેમિલી માટેના આમંત્રણ પર (બિન બુલાયે મહેમાનની જેમ) અમિતાભ બચ્ચનને રાજ કપૂરની દીકરી રીતુના મેરેજમાં સાથે લઈ ગયા હતા અને રાજ કપૂર સાથે બિગ બીનો પરિચય કરાવ્યો હતો. એ વખતે કોઈ નહોતું જાણતું કે જેનાં લગ્નમાં બચ્ચન આવ્યા છે એ જ રીતુ નંદા ભવિષ્યમાં તેમનાં વેવાણ બનવાનાં છે. આ એ અનવર અલીની વાત છે કે જેણે અમિતાભ બચ્ચન સાથે જ ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી શરૂઆત કરીને પછી (‘બોમ્બે ટુ ગોવા’ સિવાય) અમિતાભ બચ્ચનની ‘પરવાના’, ‘બંસી બિરજુ’, ‘મંઝિલ’માં સાવ નજીવા રોલ કર્યા અને પ્રોડ્યુસર તરીકે (જેકી-ડિમ્પલની ‘કાશ’ ઉપરાંત) ‘ખુદ્દાર’ બનાવી, જેમાં એક્ટિંગ કરીને અમિતાભે પોતાની દોસ્તીનું ઋણ પણ ચૂકવી આપ્યું હતું.
વીસ-પચ્ચીસ લાઈનના ટૂંકા ફકરાઓમાં પોતાના દોસ્તની વાત કરીને અનવર અલીએ (એડિટ બાય મોના માથુર અલી) લખેલી સ્મરણગાથા ‘અમિતાભ એન્ડ આઈ’માં આવી તો અનેક વાત છે કે જે અમિતાભ બચ્ચનના ચાહકો માટે લાજવાબ ઠરે. આમ પણ, દોસ્તની નજર અને યાદોમાંથી ટપકતી પર્સનાલિટી અલગ તેમ જ આત્મીય જ હોય છે. સ્ટ્રગલના દિવસોમાં અનવર અલીની જેગુઆરમાં તેઓ ફરતા, પણ પૈસાની કડકી તેમને પણ નડતી. પેટ્રોલ ખાલી થઈ જાય ત્યારે જેગુઆર પાર્ક કરીને અમિતાભ-અનવર અલી ટ્રેન કે બસમાં ઘેર ચાલ્યા જતા અને બીજા દિવસે પૈસા લાવીને પેટ્રોલ પુરાવી કાર લઈ જતા. સફળતા મળ્યા પછી બિગ બીએ સૌથી પ્રથમ સફેદ રંગની ફિયાટ કાર ખરીદી હતી, જેમાં બેઠા પછી પહેલી વખત સફળતાની ચમક અમિતાભના ચહેરા પર અનવર અલીએ જોઈ હતી. સફળ થયા પછી અનવર અલી અને અમિતાભ અનેક વખત હાજી અલીની દરગાહ પર જતા ત્યારે અમિતાભ બચ્ચન બુરખો પહેરી લેતા અને સિદ્ધિ વિનાયક, બાબુલનાથ, શિરડી, તિરુપતિ જેવાં મંદિરોમાં તેઓ મોડી રાતે જ જતા હતા. જોકે ફિયાટ પછી બચ્ચને પોન્ટિયેક કાર ખરીદી હતી, પણ ‘ઝંજીર’ પહેલાંની લાગલગાટ નિષ્ફળ ફિલ્મોને કારણે પ્રોડ્યુસરો બચ્ચન પર દાવ લગાવવા માગતા નહોતા. અમુક પ્રોડ્યુસરે તો સાઈનિંગ એમાઉન્ટ પરત માગી લીધી ત્યારે હતાશ થઈને અમિતાભ દિલ્હી પાછા ચાલ્યા જવાનું વિચારતો હતો એ પણ અનવર અલીને યાદ છે. જોકે ‘ઝંજીર’ પછી આખો સિનારિયો બદલાઈ ગયો…
અનવર અલી સાથે અમિતાભના સંબંધોની આત્મીયતા કેવી મજબૂત હતી તેના પુરાવા જેવા બે કિસ્સા પણ ‘અમિતાભ એન્ડ આઈ’માંથી મળી રહે છે. અમિતાભના પાયલટ મિત્ર રાજીવ ગાંધી અવારનવાર મુંબઈ આવતા ત્યારે એક વખત અમિતાભ તેમને અનવર અલીના ઘેર જમવા પણ લઈ ગયા હતા. રાજીવ એ પછી વડા પ્રધાન બન્યા. અમિતાભને સફળતા મળી ત્યારે અનવર અલીએ તેની પાસે ઉધાર પૈસા માગેલા. અમિતાભે તે આપ્યા. અનવર અલીએ તે પરત આપવાનો વિવેક કર્યો ત્યારે બચ્ચને કહેલું કે બીડુ (આ શબ્દ વાપર્યો છે લેખકે) એક વાત યાદ રાખજે કાયમ કે મિત્રને ક્યારેય પૈસા ન આપવા અને આપવા તો ક્યારેય પાછા મેળવવાની અપેક્ષ્ાા ન રાખવી. મિત્રએ હંમેશાં પોતાની કેપેસિટી મુજબ મિત્રને મદદ કરવી જોઈએ, પણ એ મદદ પાછી મેળવવાની ખ્વાહિશ રાખો તો સુંદર રિલેશનશિપ કદી બનતી નથી.
તમે બિગ બી સાથેની અનવર અલીની દોસ્તીની ગાથા વાંચો છો ત્યારે ખબર પડે છે કે રાજ કપૂરની જેમ દિલીપ કુમાર સાથે પણ બિગ બીનો પરિચય અનવર અલીએ જ (નિર્માતા એચ. એસ. રવૈલની પુત્રીના વિવાહ વખતે) કરાવ્યો હતો. દિલીપસા’બે ત્યારે જ અમિતાભને એડવાઈઝ આપી હતી કે કેવી રીતે મારી અસર નીચેની એક્ટિંગમાંથી તું નીકળી શકશે… એ જ રીતે પૂના ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના છેલ્લા વરસમાં ભણતી જયા ભાદુરીને મળવા પણ અમિતાભ અનેક વખત અનવર અલી સાથે પૂના ગયા હતા. પૂના ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં જ તેઓ ડેની, શત્રુઘ્ન સિંહા, વિક્રમ વગેરેને મળતા. ડેની અભિનીત એક ફિલ્મ પણ તેમણે પૂના ઈન્સ્ટિટ્યૂટમાં જ જોઈ હતી (ડેની સાથેની દોસ્તી વિશે જયા બચ્ચને પણ આ નાચીઝ લેખક સાથે વાત કરી હતી). અનવર અલી ‘અમિતાભ એન્ડ આઈ’ પુસ્તકમાં સ્પષ્ટપણે કહે છે કે જયા ભાદુરી સાથે અમિતાભ બચ્ચનનો પ્રેમ ફર્સ્ટ એટ સાઈટ જ હતો અને એ સ્થળ પૂના જ હતું.
– અને ‘ખુદ્દાર’ ફિલ્મ
‘કૂલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માત પછી તરત જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ખુદ્દાર’ હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બચ્ચન પ્રત્યેની સિમ્પથી નેચરલી ‘ખુદ્દાર’ને મળી. એ ફિલ્મ સુપર હિટ થઈ અને અનવર અલી કહે છે તેમ, ‘ખુદ્દાર’ ફિલ્મે મને કરોડપતિ બનાવી દીધો… એ પહેલાં અનવર અલીએ ભાઈ મેહમૂદ સાથે ‘કુંવારા બાપ’ કો-પ્રોડ્યુસ કરી હતી. ‘કુંવારા બાપ’ની કમાણીમાંથી અનવર અલીએ જુહુ બીચ પર ફ્લેટ લીધો હતો, પણ બીજા તમામ પૈસા તેણે મેહમૂદ ભાઈજાનને ‘સબસે બડા રુપૈયા’ બનાવવા માટે આપી દીધા હતા. અમિતાભ નવા ફ્લેટ પર આવ્યો ત્યારે ફ્લેટમાં ફર્નિચરના નામે કશું નહોતું. અમિતાભે હકીકત જાણી અને ત્યાં ને ત્યાં જ ‘ખુદ્દાર’ ફિલ્મ સાઈન કરી હોવાના ક્ધફર્મેશન લેટર પર સહી કરી આપી. ઉપરાંત સ્ક્રિપ્ટ-ડાયલોગ માટે કાદર ખાનને સાઈન કરવાનું સૂચન પણ કર્યું. ‘ખુદ્દાર’ અમિતાભે સાઈન કરી એટલે અનવર અલીને તરત ફાઇનાન્સ મળી ગયું અને ફ્લેટનું રાચરચીલું તેઓ વસાવી શક્યા. એ અલગ વાત છે કે ‘ખુદ્દાર’ ફિલ્મને બનતાં અને રિલીઝ થતાં પાંચ વરસ લાગ્યાં હતાં, પણ… વાતનો સાર એ પણ નીકળે છે કે અમિતાભે આ રીતે અનવર અલીને કરોડપતિ બનાવીને દોસ્તી નિભાવી દીધી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.