અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર: ‘કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતા.’

આપણું ગુજરાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે વહેલી સવારે અમિત શાહે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિતે મંગળા આરતીમાં કરી વર્ષો જૂની પરંપરા જાળવી હતી. ત્યારબાદ તેમણે ગાંધીનગરના કલોલ ખાતે સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવનાર PSM હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓ ગાંધીનગર રૂપાલ ગામે પહોંચી ગામના તળાવના બ્યુટીફીકેશન કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રથયાત્રાના ઈતિહાસને યાદ કરતા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં રથયાત્રાનો સમય આવે એટલે લોકોના જીવ તાળવે ચોંટી જતાં હતા. બે વાર તો તોફાનીઓ ભગવાનના રથ પણ લઈ ગયા હતા. રથયાત્રામાં તોફાનો થતા, ગોળીઓ ચાલતી હતી. ત્રણ ત્રણ વખત રથયાત્રા પર પ્રતિબંધ પણ મૂકાયો હતો. ગુજરાતની જનતાએ ભાજપને સત્તા આપી અને ત્યાર બાદથી તોફાન મુક્ત રથયાત્રા નીકળી રહી છે. નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં જગન્નાથની રથયાત્રા સુરક્ષિત નીકળવા લાગી હતી. આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સમગ્ર આયોજન પર નજર રાખી રહ્યા છે.


અમિત શાહે તેમના લોકસભા સીટના મત વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હરતું. તેમણે કહ્યું હતું કે, ‘2024માં ભાજપને મત આપવાનો સમય આવશે ત્યાં સુધીમાં રૂપાલ એટલું બદલાઈ ચૂક્યું હશે કે તમે ઓળખી પણ નહીં શકો. વાસણીયા મહાદેવ સાથે મારી યાદો જોડાયેલી છે. હું સાત વર્ષનો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અહીં દર્શન કરવા લઈ આવી હતી. પાંડવોએ પોતાના છૂપા રહેવાના વર્ષની શરૂઆત પલ્લીથી કરી હતી. કોરોના કાળમાં પણ પલ્લીની યાત્રા અટકી નથી. મોદી સરકારે શ્રી વરદાયિની માતા મંદિરને પ્રસાદ યોજના હેઠળ આવરી લીધું છે. વાસણ ગામના તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું છે. તળાવ બન્યા બાદ લોકાર્પણ કરવામાં પણ હું જ આવીશ.’

પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, ‘2014 પહેલા દેશમાં 387 મેડીકલ કોલેજો હતી જે છેલ્લા 8 વર્ષ મા આંકડો 600 ને પાર પહોંચ્યો છે. 22 નવી AIIMS બનાવી તથા 57 કોલેજો મા બેઠકો વધારી છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ પીએમ બનતા જ આટલું મોટું કામ કર્યું. ગરીબ પરિવારો માટે મોદીજીએ આયુષ્ય માન યોજનાની ભેટ આપી. શાહે કહ્યું કે 60 કરોડ લોકોને સ્વાસ્થ્ય સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આયુષ વિભાગને મજબૂત કરી AIIMS નો ભાગ બનાવ્યું છે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.