અમિત શાહનો જમીન ઉદ્ધવનો આસમાન દેખાડવાનો હુંકાર

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આવીને ભાજપના નેતા અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને જમીન દેખાડી દેવાની હાકલ કાર્યકર્તાઓને કરી તેનો જવાબ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે શિવસેનાને જમીન દેખાડનારાને મુંબઈ મહાનગરપાલિકામાં આસમાન દેખાડી દઈશું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈ મુલાકાતમાં કાર્યકર્તાઓ-પદાધિકારીઓને કરવામાં આવેલી હાકલને પગલે ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે તાકીદે શિવસેનાના નેતાઓની એક બેઠક માતોશ્રીમાં બોલાવી હતી, જેમાં ભાસ્કર જાધવ, અરવિંદ સાવંત વગેરે નેતાઓ હાજર રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહનો પડકાર ઝીલી લીધો હતો અને જણાવ્યું હતું કે મુંબઈ મનપાની ચૂંટણીમાં ભાજપને આસમાન (તારા) દેખાડી દઈશું. શિવસેનાએ મુંબઈ મનપામાં ૧૫૦ બેઠકનો ટાર્ગેટ સૌથી પહેલાં આપ્યો હોવાનું યાદ અપાવતાં તેમણે કહ્યું હતું કે કોઈને શિવસેનાની કોપી કરવી હોય તો કરી શકે છે.
હું જમીન દેખાડનારાને પાલિકા ચૂંટણીમાં આસમાન દેખાડી દઈશ. જો મને મુખ્ય પ્રધાનપદ જોઈતું હોત તો હું બધા વિધાનસભ્યોને કેદ કરી શક્યો હોત. તેમને કોલકાતા લઈ જઈ શક્યો હોત, એમ ઉદ્ધવે કહ્યું હતું.
અત્યારે મારી સાથે જે મુઠ્ઠીભર લોકો છે તે ચાલશે, પરંતુ તેઓ નિષ્ઠાવંત હોવા જોઈએ એમ ઉદ્ધવ ઠાકરે બોલ્યા હતા. શિવસેના તમારી પ્રાઈવેટ પ્રોપર્ટી નથી એમ પણ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે મુખ્ય પ્રધાનપદની લાલચ હોત તો એક મિનિટમાં પદ છોડ્યું ન હોત. અત્યારે મારી સાથે જે છે તે કટ્ટર શિવસૈનિકો છે.
દશેરાની રેલી શિવાજી પાર્ક પર જ કરવામાં આવશે, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. દશેરાની રેલીમાં બધાની ખબર લેવામાં આવશે કેમ કે હવે મુખ્ય પ્રધાન ન હોવાથી બોલવા પર કોઈ નિયંત્રણ નથી. શિવસેનાની ટીમમાં વૃધ્ધિ કરવાની છે, એમ પણ તેમણે કહ્યું હતું.

૨૦૨૪માં બારામતીનો ગઢ છીનવી લેવાનો ભાજપનો નિર્ધાર
મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપીને ઘરઆંગણે એટલે કે બારામતીમાં મોટો પડકાર આપવાનું કામ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કર્યું છે અને મંગળવારે તેમણે પુણેમાં જણાવ્યું હતું કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાની સાથે મળીને ભાજપ લોકસભાની ચૂંટણી લડશે અને તેમાં ૪૫થી વધુ બેઠકો પર વિજય મેળવશે.
બીજી તરફ એનસીપીએ આનો જવાબ આપતાં કહ્યું હતું કે ભાજપે દિવાસ્વપ્ન જોવાનું બંધ કરવું જોઈએ. તેમણે એવી પણ ટીકા કરી હતી કે જે વ્યક્તિની પોતાની ટિકિટ કપાઈ જાય છે તેણે લોકસભાના મતદારસંઘની વાત ન કરવી જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે બારામતી લોકસભા મતદારસંઘમાંથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે સંસદસભ્ય છે.
આ પહેલાં બાવનકુળેએ કહ્યું હતું કે આ પહેલાં ૨૦૧૯માં ભાજપે અમેઠીનો કાર્યક્રમ કરી નાખ્યો હતો અને હવે બારામતીનો વારો છે. ઉ

ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં જોડાશે?
મુંબઈ: શિવસેનાના સંસદસભ્ય ગજાનન કીર્તિકરે સોમવારે રાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સરકારી નિવાસસ્થાન વર્ષા બંગલો પર તેમની મુલાકાત કરી હતી અને ગણેશ પુજન કર્યું હતું. તેમની આ મુલાકાતને પગલે હવે એવો અંદાજ બાંધવામાં આવી રહ્યા છે કે તેઓ પણ શિંદે જૂથમાં જોડાઈ જશે કે શું.
શિવસેનામાં બળવાખોરી બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ગજાનન કીર્તિકરની આ બીજી મુલાકાત છે. આની પહેલાં મુખ્ય પ્રધાન શિંદે પોતે તેમના ઘરે જઈને મળ્યા હતા. હવે કીર્તિકર તેમના ઘરે ગયા હોવાથી તેમની વચ્ચે કશું રંધાઈ રહ્યું હોવાનું ધારવામાં આવી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ગજાનન કીર્તિકરના પગમાં લોહીની ગાંઠ તૈયાર થઈ હતી અને તેથી રાહેજા હોસ્પિટલમાં તેમના પર નાની શક્રિયા કરવામાં આવી હતી. શક્રિયા બાદ પાછા ઘરે આવ્યા ત્યારે શિંદેએ તેમની મુલાકાત લઈને ફરી રાજકીય જીવનમાં શુભેચ્છા આપી હતી. હવે કીર્તિકરે ગણેશ પુજન માટે બંગલોની મુલાકાત લીધી હતી.

શિંદે જૂથ અને મનસે એકસાથે?
મુંબઈ: શિંદે જૂથ અને ભાજપ મનસેની યુતિમાં મુંબઈ મનપાની ચૂંટણી લડશે એવા અહેવાલો પ્રત્યે ધ્યાન દોર્યું ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે જ્યારે મીડિયા પતંગબાજી કરે ત્યારે મને ઘણી મજા આવે છે. જેના મનમાં જે આવે તે ચલાવી રહ્યા છે. જેમને જેવું લાગે તેવું વિધાનોનું અર્થઘટન કરે છે. ફડણવીસે કહ્યું હતું કે કોઈપણ ચૂંટણીને જ્યારે તમે જીવનની છેલ્લી ચૂંટણી છે એવું માનીને પોતાની જાતને તેમાં હોમી દો ત્યારે જ ચૂંટણીમાં વિજય મળે છે. અહીં ફક્ત મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનો જ સવાલ નથી, સમગ્ર ચૂંટણીના આયોજન બાબતે ચર્ચા ચાલી રહી હતી. અહીં ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજ ઠાકરેના ઘરે ગણેશ દર્શનનું નિમિત્ત સાધીને ગયા હતા અને તેની સામે હવે મંગળવારે રાજ ઠાકરે પણ મુખ્ય પ્રધાનના વર્ષા બંગલો પર ગણેશદર્શન માટે પહોંચ્યા હતા. જોકે, આ બાબતે મનસેના નેતા સંદીપ દેશપાંડેએ એવો ખુલાસો કર્યો હતો કે શિંદે જૂથ અને મનસેની યુતિ અંગે કોઈ પ્રસ્તાવ અમારી પાસે હજી સુધી આવ્યો નથી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.