મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ પર થવાની હતી ચર્ચા
મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એમવીએના સાંસદોને આપેલી મુલાકાતનો સમય અચાનક જ રદ કરી નાખ્યો હતો. રદ થયેલી આ મુલાકાત માટે શું કારણ છે, એ અંગે હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
શિંદે જૂથના સાંસદોને પણ બે દિવસથી અમિત શાહ મળવાના હતા એવું કહેવાઈ રહ્યું હતું, પણ એ પહેલાં એમવીએના સાંસદોને સમય આપવામાં આવ્યો હોવાથી લોકોનાં ભવાં ઊંચાં ચઢી ગયાં હતાં. જોકે એમવીએના સાંસદોને આપવામાં આવેલી મુલાકાત પણ અમિત શાહે અચાનક રદ કરી હતી.
સીમાવિવાદ પર ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લઇશું અને તમામ પરિસ્થિતિની જાણકારી આપવામાં આવશે, એવું ગઇ કાલ સુધી એમવીએના સાંસદો કહી રહ્યા હતા. જોકે હવે આ મુલાકાત અચાનક જ રદ થઇ ગઇ હોવાથી એમવીએના નેતાઓમાં નારાજગી વ્યાપી ગઇ હતી. મુલાકાત શાને માટે રદ થઇ તેની માહિતી નથી. કદાચ શિંદે જૂથના સાંસદોને પહેલા મળવાના હશે, એવું શિવસેના ઠાકરે જૂથના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું હતું.
ગૃહપ્રધાનની મુલાકાત અચાનક જ રદ થયા બાદ એમવીએના સાંસદોએ એક પત્ર તેમને મોકલાવ્યો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્મઈ જે ભાષા વાપરી રહ્યા છે એ ન વાપરવી જોઇએ, તેમને રોષ ફેલાય એવાં વક્તવ્યો આપવાથી રોકો. મરાઠી જનતા કાયદાનું પાલન કરી રહી છે, તેને દુ:ખ પહોંચે એવાં કૃત્યો કર્ણાટક સંગઠન કરી રહ્યું છે. તેમને સમયસર અટકાવો, એવું આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.
છેલ્લા બે દિવસથી સંસદના શિયાળુ સત્રમાં સીમાવિવાદ પ્રતિસાદ ઊમટી રહ્યો છે. પહેલા જ દિવસે બે રાજ્યના સાંસદો વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ હવે એક મુલાકાત ન થઇ એની ચર્ચા હાલમાં ચાલી રહી છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ સાંગલી જિલ્લામાં જત તાલુકનાં ગામો બાબતે કરેલા વક્તવ્ય બાદ મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ ફરી ઉકળ્યો છે. બેલગામમાં મહારાષ્ટ્રની છ ટ્રક પર પથ્થરમારો કરવામાં આવ્યો. આ પથ્થરમારા બાદ સીમા વિસ્તારમાં વાતાવરણ ઘણું ગરમાયું છે. એ જ પાર્શ્ર્વભૂમિ પર એમવીએના સાંસદ અમિત શાહને મળવાના હતા. સીમાવિવાદના મુદ્દા પર મહારાષ્ટ્રના સાંસદોની સર્વપક્ષીય એકતા હોવી જોઇએ, પણ અત્યારે પણ કેન્દ્રીય ગૃહપ્રધાનની મુલાકાત માટે શિંદે જૂથ અને એમવીએ એમ બંને સ્વતંત્ર રીતે પ્રયાસ કરી રહ્યા છે. આમાં હવે અમિત શાહ સૌપ્રથમ કોને મળશે એ જોવાનું રહેશે.