ત્રિનેત્ર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અમિત શાહે

આપણું ગુજરાત

ઈ-એફઆઈઆર: ગાંધીનગરમાં શનિવારે ઈ-એફઆઈઆર સિસ્ટમ શરૂ કરવામાં આવી તે દરમિયાન કેન્દ્રના ગૃહખાતાના પ્રધાન અમિત શાહ. (પીટીઆઈ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતે ત્રિનેત્ર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે વર્ષોથી દેશભરમાં અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. આ પ્રકારની ટેક્નોલોજી આધારિત નવી પહેલ થકી મુખ્ય પ્રધાનના નેતૃત્ત્વમાં ટીમ ગુજરાત આ પરંપરા જાળવશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શાહે આ પ્રસંગે કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે અને તેના માટે પોલીસ વિભાગનું આધુનિકિકરણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના આશ્ર્વસ્ત અને વિશ્ર્વાસ પ્રોજેક્ટે રાજ્યના નાગરિકોની સુરક્ષામાં વધારો કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે. રેલવે સ્ટેશન, ખાનગી સોસાયટીઓ, બંદરો, યાત્રાધામો સહિતના તમામ સ્થળો પર લાગેલા કેમેરાઓ ખાનગી હોય તો પણ તેઓની સાથે સંપર્ક કરી ટેકનોલોજીની મદદથી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સિસ્ટમ સાથે જોડવા જોઈએ.
સમગ્ર કેમેરાઓનું નેટવર્ક એક લિંકથી જોડાશે ત્યારે જ રાજ્યના સુરક્ષાચક્રની કલ્પના ખરા અર્થમાં રાજ્યના સુદર્શનચક્રમાં પરિવર્તિત થશે. રાજ્યના કોઈપણ સ્થળે કોઈ ઘટના ઘટે છે ત્યારે ત્યાં તરત જ આપણું પોલીસ તંત્ર પહોંચી શકે તેવો કનેક્ટિવિટીનો વ્યાપ વધારવા તેમણે સૂચન કર્યું હતું.
ઈ-કોપની શરૂઆત થઈ ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની સેવાઓ આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય હતું. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવ્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પોલીસ અધિકારીઓની તાલીમમાં ખાસ કોમ્પ્યુટરની તાલીમ પણ ઉમેરવામાં આવી હતી.
આજે ત્રિનેત્રની પરિકલ્પના સાકાર થઈ રહી છે તેની શરૂઆત પણ આપણે ઈ – કોપથી જ શરૂ કરી હતી. ઈ-એફ.આઇ.આરની સુવિધા પણ ઈ-કોપના સોફ્ટવેરમાં હતી. ઈ-કોપથી ત્રિનેત્ર સુધીની ગુજરાત પોલીસની અદ્યતન થવાની યાત્રા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને ખરા અર્થમાં સાકાર કરી રહી છે. ઉ

મુર્મૂનો વિજય જાતિવાદના ભેદભાવ કરનારાઓને આપેલો જવાબ છે: શાહ
ગાંધીનગર ખાતે વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન માટે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિપદે આદિવાસી મહિલા દ્રૌપદી મર્મૂનો વિજય એ તમામ લોકોને અપાયેલો જવાહબ છે જેઓ માત્ર સમાનતાની અને આદિવાસી કલ્યાણની વાતો કરે છે. એક વ્યક્તિ જે આદિવાસી સમુદાયમાંથી આવી છે તે દેશના સર્વોચ્ચ પદ પર બેસે એ લોકશાહીનો વિજય છે. મુર્મૂ એવા વિસ્તાર અને માહોલમાંથી આવે છે જ્યાં ઘણાને આજે પણ ખબર નથી કે રાષ્ટ્રપતિનું પદ શું હોય છે.
તાજેતરમાં જ એનડીએના ઉમેદવાર મુર્મૂએ જંગી મત સાથે રાષ્ટ્રપતિપદનું સ્થાન મેળવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.