મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એનસીપીના સર્વેસર્વા શરદ પવારને ફોન કરીને જન્મદિનની શુભેચ્છા આપી છે. શરદ પવારનો સોમવારે ૮૨મો જન્મદિન હતો. એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોમવારે સવારે ટ્વિટ કરીને શરદ પવારને શુભેચ્છા આપી હતી. હું શરદ પવારની દુર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યો છું. તેમને જન્મદિને શુભેચ્છા, એવું મોદીએ ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ થોડા સમય સુધી અમિત શાહે સીધો ફોન કરીને શરદ પવારને શુભેચ્છા આપી હતી. આ સમયે બંને નેતા વચ્ચે રાજકીય ચર્ચા થઇ હતી કે કેમ, એ અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નહોતી.
હાલમાં મહારાષ્ટ્રમાં સત્તાધારીઓ અને વિરોધીઓમાં જોરદાર સંઘર્ષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલાં ગવર્નર ભગતસિંહ કોશ્યારી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદાસ્પદ વક્તવ્ય કરીને વિવાદ છેડ્યો હતો. તેના પર એમવીએ અને શિવપ્રેમી સંગઠન આક્રમક બન્યાં હતાં. આ મુદ્દે કોશ્યારીને પદમુક્ત કરવાની માગણી કરવામાં આવી હતી.
આ મુદ્દો શમ્યો નહોતો ત્યાં ચંદ્રકાંત પાટીલે ડો. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ફુલે તેમ જ કર્મવીર ભાઉરાવ પાટીલ માટે વાંધાજનક વક્તવ્ય કરીને આગમાં તેલ નાખવાનું કામ કર્યું હતું. જોકે પાટીલનો એવો કોઇ ઈરાદો ન હોઇ તેમણે બાદમાં માફી પણ માગી હતી. આવાં પ્રકારનાં વક્તવ્યોને કારણે રાજ્ય આખામાંથી ટીકાસ્ત્રો છોડવામાં આવ્યાં હતાં. આ તમામ બાબતે શરદ પવારનો પક્ષ એનસીપી સૌથી આગળ પડતી ભૂમિકા ભજવે છે. આને કારણે મહારાષ્ટ્રમાં હાલમાં અત્યંત સળગેલા રાજકીય વાતાવરણની પાર્શ્ર્વભૂમિ પર શરદ પવાર અને અમિત શાહ વચ્ચે શું વાતચીત થઇ તેની ઉત્સુકતા તમામ લોકોને છે. જોકે બંને નેતાઓ વચ્ચે માત્ર શુભેચ્છાની લેવડદેવડ અંગે જ ફોન પર વાત થઇ કે પછી મહારાષ્ટ્રના રાજકારણ મુદ્દે પણ કોઇ ચર્ચા થઇ હતી એ અંગે કોઇ પણ માહિતી મળી શકી નહોતી.
શરદ પવારના જન્મદિને અમિત શાહે શુભેચ્છા પાઠવી: મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ પર પણ કરી ચર્ચા
RELATED ARTICLES