Homeએકસ્ટ્રા અફેરગુજરાતમાં અમિત શાહ ભાજપની જીતના શિલ્પી

ગુજરાતમાં અમિત શાહ ભાજપની જીતના શિલ્પી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને એક્ઝિટ પોલમાં થયેલી આગાહી પ્રમાણે ભાજપનો જયજયકાર થઈ ગયો. મતદાન પૂરું થયા પછી આગાહી કરાઈ હતી કે, ભાજપ આ વખતે માધવસિંહ સોલંકીનો ૧૯૮૫માં ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડીને અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીત મેળવશે. આ આગાહી સાચી પડી છે અને ભાજપે ૧૪૯ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો છે.
ગુજરાતમાં આ વખતે મતદાન પ્રમાણમાં ઓછું થયું હતું. ૧ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ સીટ પર ૬૩.૩૧ અને ૫ ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ સીટ પર મતદાન ૬૫.૩૦ ટકા મતદાન થયું હતું. બંને તબક્કાનું થઈને સરેરાશ મતદાન ૬૪.૩૦ ટકા થયું હતું. મતદાનની આ ટકાવારી ૨૦૧૭ની સરખામણીમાં ૪ ટકા જેટલી ઓછી હતી. તેના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરાતી હતી પણ ભાજપે આ તમામ ગણતરીઓને ખોટી પાડીને ભવ્ય વિજય મેળવ્યો છે.
ભાજપે ૨૦૧૭ના માંડ માંડ મળેલા વિજયનો વસવસો દૂર થાય એવો ઐતિહાસિક વિજય મેળવીને રંગ રાખી દીધો છે. ૨૦૧૭માં ભાજપને ૯૯, કૉંગ્રેસને ૭૭, એનસીપીને ૧, ભારતીય ટ્રાઈબલ પાર્ટીને ૨ અને ૩ સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષ પૈકી જીજ્ઞેશ મેવાણી હાલ કૉંગ્રેસમાં છે જ્યારે રતનસિંહ રાઠોડ ભાજપના સાંસદ છે. ભાજપે એ વખતે માંડ માંડ સત્તા જાળવી હતી તેથી આ વખતે ભાજપનું શું થશે તેનો અંદેશો ભાજપના કાર્યકરોને પણ હતો. ગુજરાતના મતદારોએ એ બધા અંદેશા દૂર કરીને ભાજપ પર મન મૂકીને વરસવાનું વલણ અપનાવ્યું તેમાં ભાજપે નરેન્દ્ર મોદીના સમયમાં પણ નહોતી મળી એટલી જંગી બહુમતીથી જીત મેળવી લીધી.
ભાજપની આ જીતનો શ્રેય કોને જાય છે એ માટે હોડ શરૂ થઈ ગઈ છે. મીડિયા પોતપોતાની લોબી પ્રમાણે શ્રેય આપી રહી છે. કોઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને શ્રેય આપે છે તો કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શ્રેય આપે છે. કોઈ વળી નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે ભાજપ જીત્યો છે એવું કહે છે પણ વાસ્તવમાં આ જીતનું સૌથી વધારે શ્રેય અમિત શાહને જાય છે.
અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણ દોર પોતાના હાથમાં લઈ લીધો હતો. ઉમેદવારોની પસંદગીથી માંડીને ચૂંટણી પ્રચારની વ્યૂહરચના સુધીનું બધું અમિત શાહે જ નક્કી કરેલું એ જોતાં આ જીતનું ખરું શ્રેય અમિત શાહને આપી શકાય. ભાજપ પાસે જોરદાર સંગઠન છે અને લોકો હિંદુત્ત્વના કારણે ભાજપને પસંદ કરે છે એ પરિબળ તો સૌથી મોટું કહેવાય પણ અમિત શાહે આ સંગઠનને જોરદાર નેતૃત્વ પૂરું પાડીને ભાજપને જીત અપાવી એ પણ કબૂલવું પડે. સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતા બેકગ્રાઉન્ડમાં હતા. અમિત શાહ જ છવાયેલા હતા એ જોતાં જીતનું શ્રેય શાહને જાય છે.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના કેસમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થયો છે પણ સાથે સાથે તેમના માટે એક હકારાત્મક વાત એ પણ છે કે, ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર રચવાની વાતો કરતો હતો પણ મુખ્ય વિરોધ પક્ષ બનવાની પણ નજીક નથી પહોંચ્યો એ તેના માટે મોટો ફટકો કહેવાય. અલબત્ત પહેલીવાર મોટાપાયે ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી આવેલા બીજા બધા ત્રીજા પરિબળ કરતાં બહેતર દેખાવ કર્યો છે એ કબૂલ કરવું પડે.
ગુજરાતના રાજકારણમાં દિગ્ગજ મનાતા શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવેલી ને તેને ૧૯૯૮માં માત્ર ૪ બેઠકો મળી હતી. એ જ રીતે ભાજપના બીજા દિગ્ગજ કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવેલી તેને ગણીને ત્રણ બેઠકો મળી હતી. ગોરધન ઝડફિયા સહિતના નેતાઓએ બનાવેલી પાર્ટીઓએ તો ખાતાં પણ નહોતી ખોલાવી શકી ને ક્યાં પતી ગઈ એ જ ખબર નથી. તેની સરખામણીમાં આમ આદમી પાર્ટી સારી બેઠકો લઈ ગઈ છે એ સ્વીકારવું પડે.
આમ આદમી પાર્ટીને જે પણ બેઠોકો મળી એ જે તે ઉમેદવારના આગવા ચાહક વર્ગના કારણે પણ હોઈ શકે છે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે એ નક્કી છે. ગુજરાતમાં ભાજપ જે રીતે મજબૂત છે એ જોતાં આમ આદમી પાર્ટી ક્યારેય પણ ગુજરાતમાં સત્તામાં આવી શકશે કે કેમ એ વિશે શંકા છે પણ એ કૉંગ્રેસના સ્થાને મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન લઈ જશે તેમાં શંકા નથી.
કૉંગ્રેસે તેના ઈતિહાસનો સૌથી શરમજનક દેખાવ કરીને વીસેક બેઠકો જીતી છે. ૧૯૯૦માં વિષ્વનાથ પ્રતાપસિંહની આંધી વખતે કૉંગ્રેસને માત્ર ૩૩ બેઠકો મળી હતી. મતદાન થયું ત્યાં લગી એવું લાગતું હતું કે, કૉંગ્રેસનો તેનાથી ખરાબ દખાવ તો નહીં જ થાય પણ કૉંગ્રેસ સાવ તળિયે જઈને બેસી ગઈ છે. આમ આદમી પાર્ટીના કારણે ભાજપ વિરોધી મતો વહેંચાઈ ગયા તેમાં કૉંગ્રેસનું બોર્ડ પતી ગયું એવા દાવા થાય છે પણ એ વાતમાં દમ નથી. કૉંગ્રેસનો વોટ શેર ભાજપ કરતાં લગભગ અડધો છે ને આમ આદમી પાર્ટી તથા કૉંગ્રેસના મતોનો સરવાળો કરો તો પણ ભાજપ બહુ આગળ રહે છે એ જોતાં આપના કારણે કૉંગ્રેસ જીતી એ વાતમાં દમ નથી.
આ પરિણામો પરથી એક વાત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં હવે કૉંગ્રેસે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ફાંફાં મારવાના દિવસો આવી ગયા છે. કૉંગ્રેસ પતી તો ગયેલી જ છે ને લોકો હવે તેને સ્વીકારતા નથી એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં કોંગ્રેસે હવે લોકો વચ્ચે જવું પડશે, લોકોનો વિશ્ર્વાસ કેળવવો પડશે, નહિંતર સાવ પતી જશે, તેનું અસ્તિત્વ જ મટી જશે.
ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ મતગણતરી હતી. હિમાચલ પ્રદેશમાં ભાજપની હાર થઈ છે અને કૉંગ્રેસ ફરી સત્તામાં આવી છે. કૉંગ્રેસ માટે આ બહુ મોટું આશ્ર્વાસન છે પણ ભાજપ કેમ હાર્યો એ પણ મહત્વનું છે. તેનું વિશ્ર્લેષણ આવતી કાલે કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular