જાહેર સ્થળોએ ભીડ કરશો નહીં, ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું રાખો
ચીન અને અમેરિકાની સાથે અનેક દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે આ મુદ્દે સતર્કતા દાખવવા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે, જેમાં ખાસ કરીને ટ્રેક એન્ડ ટેસ્ટિંગ પર ભાર મૂકવા જણાવ્યું હતું. ચીનમાં સૌથી વધુ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે, જેમાં બીએફ7 છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં ચાર દર્દીમાં આ લક્ષણો જોવા મળ્યા છે. સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરતા કહ્યું હતું કે જો તાવ આવતો હોય તો RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. હોટેલ અને રેસ્ટોરાં પણ ભીડ થાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે. તહેવારોમાં પણ ભીડ થવી જોઈએ નહીં. આ ઉપરાંત, ભીડ હોય ત્યાં માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે, એમ સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું.
તકેદારીના ભાગરુપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. નાતાલ સહિત અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકોને કોરોનાના ટેસ્ટિંગ કરવાની સાથે ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત, રાજ્ય સરકારોને તમામ લોકોને પ્રીકોશન ડોઝ લેવાની પણ અપીલ કરી છે. લોકોને માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો અનુરોધ કર્યો છે.