ચીન અને અમેરિકા તણાવ વચ્ચે ઉત્તર કોરિયાની અમેરિકાને ધમકી, કહ્યું- ચૂકવવી પડશે ભારે કિંમત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અમેરિકાના લોઅર હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ તાજેતરમાં લીધેલી તાઈવાનની મુલાકાતે લઈને ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીને અમેરિકા પર સૈન્ય કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી અને તાઈવાન નજીક દરિયાઈ વિસ્તારમાં મોટા પાયે સૈન્ય અભ્યાસ પણ શરુ કરી દીધો છે. આ દરમિયાન ઉત્તર કોરિયાએ અમેરિકાનાં વલણ સામે વાંધો ઉઠાવતા ધમકી આપી છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘અમેરિકાએ જે મુશ્કેલી ઊભી કરી છે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.’
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જો યોંગ-સેમે એક નિવેદન આપતા કહ્યું હતું કે નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત લઈને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ડહોળવા બદલ ચીને કડક વલણ દાખવ્યું છે ત્યારે તેમણે દક્ષિણ કોરિયાની મુલાકાત લઈને ઉત્તર કોરિયા સાથે પણ ટકરાવનું વાતાવરણ ઊભું કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેન્સી પેલોસીએ તેમની મુલાકાત દરમિયાન દક્ષિણ કોરિયાના અધિકારીઓ સાથે ઉત્તર કોરિયાનો સામનો કરવા માટે મજબૂત અને નક્કર પગલાં લેવા અંગે ચર્ચા કરી હતી. બધા પાછળ અમેરિકાની વિનાશક વ્યૂહરચના છે.
ઉત્તર કોરિયાએ એપ્રિલમાં પેલોસીની યુક્રેનની મુલાકાતની આકરી ટીકા કરી. પેલોસીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે ખતરારૂપ ગણાવ્યા હતા. ઉત્તર કોરિયાએ નેન્સી પેલોસી પર યુક્રેનની મુલાકાત દરમિયાન રશિયા સાથે યુક્રેનના યુદ્ધને ઉશ્કેરવાનો આરોપ પણ મૂક્યો હતો અને તેણે તાજેતરની તાઈવાનની મુલાકાત દરમિયાન ચીનની ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. ઉત્તર કોરિયાએ પેલોસી પર પ્રહાર કરતા કહ્યું કે તે જ્યાં પણ જશે યુ.એસ.ને તેના કારણે ઉભી થયેલી મુશ્કેલી માટે મોંઘી કિંમત ચૂકવવી પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.