વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો ગબડતાં સોનામાં રૂ. ૨૪૯ની તેજી, ચાંદી રૂ. ૨૮૯ વધી

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની જાહેરાત પૂર્વે આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજી આગળ ધપી હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો વધુ ૫૯ પૈસા ગબડીને ૭૯.૭૪ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૮થી ૨૪૯ની તેજી આવી હતી. જોકે, વિશ્વ બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક બજારમાં ચાંદીમાં મધ્ય સત્ર દરમિયાન સુધારો કિલોદીઠ રૂ. ૨૮૯ સુધી મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્ય સત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ રૂપિયો નબળો પડતાં સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હતી, જ્યારે રિટેલ સ્તરની છૂટીછવાઈ ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૮ વધીને રૂ. ૫૧,૬૦૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૪૯ વધીને રૂ. ૫૧,૮૧૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્ટોકિસ્ટો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે મધ્ય સત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૨૮૯ વધીને રૂ. ૫૭,૫૯૮ આસપાસના મથાળે રહ્યા હતા.
આ સપ્તાહના અંતે અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની જાહેરાત થવાની છે અને વ્યાજદરમાં વધારા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ બેરોજગારીના ડેટા પર પણ ધ્યાન આપતી હોવાથી રોકાણકારોની નજર ડેટા પર સ્થિર થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે તેઓની લેવાલી પાંખી રહી હતી. તેમ છતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવવાથી અને અમેરિકા-ચીન વચ્ચેના તણાવને ધ્યાનમાં લેતાં સોનામાં સુધારો જોવા મળ્યો હોવાનું ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલના વિશ્લેષક બ્રિયાન લાને જણાવ્યું હતું.
આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૭૭૦.૩૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ૧૭૮૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે વિશ્ર્વમાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ ઘટીને જાન્યુઆરી મધ્ય પછીની સૌથી નીચી ૧૦૦૦.૬૫ ટનની સપાટીએ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.