Homeઆમચી મુંબઈમધ્ય રેલવેના ૨૭ કલાકના બ્લોકમાં બેસ્ટ દોડાવશે વધારાની બસ

મધ્ય રેલવેના ૨૭ કલાકના બ્લોકમાં બેસ્ટ દોડાવશે વધારાની બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય રેલવે દ્વારા કર્ણાક પુલને તોડી પાડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે, તે માટે મધ્ય રેલવેએ ૨૭ કલાકનો બ્લોક હાથ ધર્યો છે. આ દરમિયાન બેસ્ટ ઉપક્રમે વધારાની ૪૭ બસ દોડાવવાની છે.
કર્ણાક પુલને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવવાની છે. તે માટે શનિવાર રાતથી રવિવાર રાત સુધીનો ૨૭ કલાકનો મેજર બ્લોક રહેવાનો છે. તેથી ભાયખલાથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે મેઈન લાઈન અને હાર્બર લાઈનમાં વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે ટ્રેનો બંધ રહેવાની છે. તેથી સામાન્ય નાગરિકોને હાલાકી થવાની શક્યતાને પગલે બેસ્ટ ઉપક્રમે આ સમય દરમિયાન વધારાની બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.
બેસ્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ વડાલાથી ભાયખલા વચ્ચે ૧ અને ૯ નંબરની બસની ૧૨ વધારાની બસ દોડાવવામાં આવશે. તથા બે નંબરની લિમિટેડ બસ કોલાબાથી શનિવાર રાતના ૧૦.૩૦ વાગ્યાથી રવિવાર સવારના ૬.૩૦ વાગ્યા સુધી દોડાવવામાં આવશે.
આ પ્રમાણે જ સાત રૂટ પર ૩૫ વધારાની બસ સવારના છ વાગ્યાથી રવિવાર રાતના ૧૦ વાગ્યા સુધી દોડાવવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular