ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
ચાલો એક શક્યતા તપાસીએ. પક્ષીની વિષ્ટા બાબતે ઝઘડો થાય, અને એમાં બે દેશો બાખડી પડે… અરે બાખડે શું, રીતસરના યુદ્ધે ચડે, અને એમાં અઢારેક હજાર માણસો મૃત્યુ પામે તો? તમને આ ઘટના સાવ કપોળ કલ્પિત અને હાસ્યાસ્પદ લાગશે. પણ એટલું સમજી લો કે આ સત્ય ઘટના છે. પક્ષીની હગાર પર કબજો જમાવવા માટે ખરેખર દેશો વચ્ચે યુધ્ધો થયા છે. હવે બીજી એક વાત, તમે શું માનો છો? પક્ષીની વિષ્ટા જેવી ક્ષુલ્લક બાબતે કોણ આટલું બધું લડે? કઈ પ્રજા આવા ક્ષુલ્લક ઝઘડાઓમાં હજારો માણસોને મોતના મોઢામાં ધકેલવા તૈયાર થાય? તમારા મનમાં એશિયા કે મધ્ય-પૂર્વના દેશોનું નામ આવ્યું હોય તો તમે ખોટા છો.
ઇતિહાસની અમુક બાબતોને સમજવા માટે તમારે ઉતાવળા થઈને ધારણાઓ બાંધવાને બદલે જે-તે સમયકાળની ઘટનાઓને સમજવી પડે. ક્યારેક તો એવું ય બને, કે આજે જે દ્રશ્ય નજર સામે દેખાઈ રહ્યું હોય, એના તાણાવાણા પાછલી સદીમાં ક્યાંક વણાયેલા નીકળે! ‘યુદ્ધ’ જેવો શબ્દ સાંભળીને આપણો વધારે પડતો ‘શાંતિપ્રિય’ આત્મા વલોપાતે ચડી જાય છે. પણ ક્રૂર અને કડવી હકીકત એ છે કે આજે આપણે જે ભૌતિક વિકાસ સાધ્યો છે, એમાં યુદ્ધોનો ફાળો બહુ મોટો છે. જો યુદ્ધો ન થયા હોત, તો સેનેટરી પેડથી માંડીને યુરિયા સુધીની હજારો શોધ કદાચ થઇ જ ન હોત! વાત લાંબી છે, પણ આ લેખ પૂરતું આપણે પક્ષીની વિષ્ટા ઉપર – આઈ મીન, પક્ષીની વિષ્ટા બાબતે થયેલા યુદ્ધ ઉપર આપણું ફોકસ રાખીએ. આ યુદ્ધો પાછળ માનવ ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ
જોડાયેલું છે.
ગુઆનો આયલેન્ડ એક્ટ
યુરોપ અને અમેરિકામાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિ અને એની અસરોને લગતી બાબતો ઊંડા અભ્યાસનો વિષય છે. ૧૭૫૦ થી ૧૮૫૦ દરમિયાન બ્રિટન, અમેરિકા અને બીજા યુરોપિયન દેશોમાં વિવિધ ફેક્ટરીઝ સ્થપાવા માંડી. પણ આ સમયગાળા દરમિયાન બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ચાલેલી લડાઈને પગલે અમેરિકી દરિયાઈ માર્ગો પર ખાસ્સી અસર પડી. ઉપરાંત અમેરિકી મૂળનિવાસીઓ અને ફોરેનર્સ વચ્ચેના ૧૮૧૨ના યુદ્ધને કારણે (આ બધા યુદ્ધોનો રસપ્રદ ઇતિહાસ ફરી ક્યારેક) અમેરિકી જળમાર્ગો પર ખાસ્સી અસર થઇ. લગભગ આખી અમેરિકી કોસ્ટલાઈન બ્લોક થઇ ગઈ. બીજી તરફ ઔદ્યોગિક ક્રાંતિને પગલે શહેરો ઉપર વસ્તીનો બોજો વધી રહ્યો હતો, જેમને વધુને વધુ ખોરાકની જરૂર હતી. અહીં પક્ષીઓ મદદે આવ્યા! છે ને નવાઈની વાત!
થયું એવું કે માછલીઓ ખાઈને જીવતા દરિયાઈ પક્ષીઓ જે વિષ્ટા વિસર્જિત કરે, એમાં ખેતીમાં કામ લાગે એવા ફળદ્રુપ તત્ત્વો હોવાની જાણ લોકોને થવા માંડી. દરિયાની વચ્ચે આવેલા અનેક નિર્જન ટાપુઓ પર દરિયાઈ પક્ષીઓની આવી ફળદ્રુપ હગારના મોટા ઢગલા હતા. ઓછા વરસાદને કારણે ટાપુઓ પર પડેલી વિષ્ટા દરિયામાં જવાને બદલે વર્ષોવર્ષ ડિપોઝિટ થતી ગઈ. કેટલાય ટાપુઓ પર તો સદીઓના સંગ્રહને કારણે પક્ષીઓની વિષ્ટાના સો-સો ફીટ ઊંચા ઢગલા થઇ ગયેલા! ૧૮૪૩માં સૌપ્રથમ વખત અમેરિકનોએ આ વિષ્ટાના ઉપયોગની શરૂઆત કરી, જેના સારા પરિણામ મળ્યા! આ વિષ્ટા ‘ગુઆનો’ તરીકે ઓળખાતી. ૧૮૫૦ આવતા સુધીમાં તો અમેરિકામાં ગુઆનોની જબરદસ્ત માંગ નીકળી. માંગ વધે એટલે ભાવ આસમાને પહોંચે જ! આખરે ઓગસ્ટ, ૧૮૫૬માં અમેરિકન સરકારે એક ગજબ કાયદો પસાર કર્યો, જે ઇતિહાસમાં ‘ગુઆનો આયલેન્ડ એક્ટ’ તરીકે પ્રખ્યાત છે. આ કાયદા મુજબ, જો કોઈ અમેરિકન નાગરિક દરિયામાં અવાવરું પડેલો ટાપુ શોધી કાઢે, અને એના ઉપર ‘શાંતિપૂર્ણ રીતે’ કબજો મેળવી શકે, તો એ ટાપુ અમેરિકન સરકારની માલિકીનો ગણાશે! અમેરિકાએ આ કાયદા દ્વારા ૧૦૦ ઉપરાંત ટાપુઓ પર કબજો જમાવ્યો છે, જેમાં કેટલાક વિવાદો પણ થયેલા. આ તમામ ટાપુઓ એવા હતા, જ્યાં પક્ષીઓની વિષ્ટા મળી આવતી હોય!
સ્પેનનું દક્ષિણ અમેરિકા કનેક્શન
હવે તમે કલ્પના કરી શકો છો, કે એ જમાનામાં ખેતીમાં ફળદ્રુપતા લાવનાર પદાર્થ તરીકે પક્ષીઓની વિષ્ટા કેટલી મૂલ્યવાન ગણાતી હશે! અને આટલી મૂલ્યવાન જણસના મોટા ગંજ ખડકાયા હોય, એવા ટાપુનો કબજો લેવા માટે ખૂનામરકી ન થાય તો જ નવાઈ! આવું જ કંઈક ચિંચા આઈલેન્ડ બાબતે બન્યું. જો કે એ વાતે ય સીધેસીધી સમજાય એમ નથી. પહેલા તમારે ચિંચાનો ઇતિહાસ જાણવો પડશે.
પણ એ પહેલા સ્પેનની વાત. સ્પેનની રાણી હતી ઇઝાબેલા દ્વિતીય. ૨૯ સપ્ટેમ્બર, ૧૮૩૩ને રોજ એનો રાજ્યાભિષેક થયો. અને ૩૦ સપ્ટેમ્બર, ૧૮૬૮ સુધી એણે રાજ કર્યું. હવે જરા ટાઈમ લાઈન ચકાસો. આ આખો એ જ સમયગાળો છે, જ્યારે બ્રિટન યુદ્ધમાં પરોવાયેલું હતું, અને અમેરિકા પોતાની જમીનોને ફળદ્રુપ કરવા માટે હજારો ટન વિષ્ટા કોઈ પણ ભોગે ખરીદી રહ્યું હતું. એ વખતે બ્રિટન દર વર્ષે ૨,૦૦,૦૦૦ ટન અને યુએસએ દર વર્ષે ૭,૬૦,૦૦૦ ટન વિષ્ટા ખાતર તરીકે વાપરવા માટે આયાત કરી રહ્યું હતું! ઇઝાબેલાનો રાજ્યાભિષેક થયો, ત્યારે એ બાળક હતી. સત્તર વર્ષે એક જનરલ સાથે પ્રેમમાં પડી, ત્યારે તો એ ઓલરેડી પરણેલી હતી! અહીં એના વ્યક્તિગત જીવનમાં ઊંડા નથી ઉતરવું, પણ એટલું સમજી લઈએ કે રાણીના શાસનકાળ દરમિયાન મહત્વના નિર્ણયો લેનાર પ્રભાવી લોકો કોઈક બીજા હતા.
સ્પેને પણ બ્રિટનની માફક પોતાના સંસ્થાનો ઊભા કરેલા. સીધા શબ્દોમાં કહીએ તો કેટલાક લશ્કરી દ્રષ્ટિએ કમજોર દેશોને ગુલામ બનાવીને પોતાના તાબા હેઠળ રાખેલા. એમાં દક્ષિણ અમેરિકાના ચાર દેશો – પેરુ, ઇક્વાડોર, ચિલી અને બોલિવિયાનો પણ સમાવેશ થતો હતો. જરા અહીં આપેલો નકશો જુઓ. આ નકશો દક્ષિણ અમેરિકા ખંડનો છે. અહીં આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા મોટા દેશ આવેલા છે. પણ આપણે એમનું કામ નથી. અહીં નકશામાં સાઉથ અમેરિકાની કોસ્ટલ લાઈન – દરિયાઈ પટ્ટી પર જે કલરફુલ એરિયા દર્શાવ્યા છે, એ જુઓ. એમાં સૌથી ઉપરનો લીલા કલરનો ટચુકડો દેશ છે, એ ઇક્વાડોર છે. એની નીચે પ્રમાણમાં મોટો – કેસરી રંગનો દેશ પેરુ છે. પેરુની નીચે દેખાતો ભૂરા રંગના ચીરા જેવો દેશ ચિલી છે. અને ચિલી તેમજ પેરુની પાછળ-કોસ્ટલાઈનથી દૂર રહેલો જાંબલી રંગનો દેશ બોલિવિયા છે. જે રીતે બ્રિટન આખી દુનિયાના દેશોને પોતાના તાબા હેઠળ લેવાનું સપનું જોયેલું, એ જ પ્રમાણે સ્પેન અને ફ્રાન્સ પણ બીજા દેશોને ગુલામ બનાવવામાં પ્રવૃત્ત હતા. આ પ્રકારની સામ્રાજ્યવાદી નીતિ પાછળ કારણ હતું વેપાર. આ દેશોને બહુ પહેલા સમજાઈ ગયેલું, કે બીજા દેશોને ગુલામ બનાવીને-લશ્કરી દ્રષ્ટિએ નબળા રાખીને એમનો વેપાર અને સમૃદ્ધિ હડપ કરી શકાય છે! આથી આ સામ્રાજ્યવાદી દેશોએ પેટે પાટા બાંધીને પણ પોતાના શક્તિશાળી નૌકાદળ તૈયાર કર્યા, જે દૂર-સુદૂરના દેશો ઉપર પણ આક્રમણ કરી શકે અને લશ્કરી કુમક-સરંજામની હેરફેર કરી શકે. સ્પેને યુરોપથી પોતાનું નૌકાદળ મોકલીને ઠેઠ દક્ષિણ અમેરિકાના દેશોને પોતાના તાબા હેઠળ આણી મૂકેલા. એ સમયે સ્પેન પાસે દુનિયાનું ચોથા નંબરનું સૌથી શક્તિશાળી નૌકાદળ હતું. એક બીજી વાત સમજવા જેવી છે. એ સમયે હજી એરોપ્લેન ટેકનોલોજી ભાંખોડિયા ભરતી હતી. એટલે ફાઈટર પ્લેન બનાવવાનો સવાલ જ નહોતો. એક દેશથી બીજા દેશ જવા માટે મોટે ભાગે જળમાર્ગ ઉપર જ આધાર રાખવો પડતો. એટલે આજે એરફોર્સનું જે મહત્ત્વ છે, એ નૌકાદળણે આપવામાં આવતું. બ્રિટન આખી દુનિયા પર રાજ કરી શક્યું, એનું કારણ એનું ‘રોયલ નેવી’ તરીકે ઓળખાતું સૌથી શક્તિશાળી નૌકાદળ જ હતું.
ઓકે ફાઈન. હવે મૂળ વાત. ઇ.સ. ૧૮૪૦માં ચિલી સ્પેનના તાબા હેઠળથી મુક્તિ મેળવવામાં સફળ રહેલું. સ્પેને પણ ચિલીને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધેલી. પણ પેરુ બાબતે એવું નહોતું. પેરુએ તો ઠેઠ ૧૮૨૧માં જ પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધેલો. પરંતુ સ્પેને ક્યારેય પેરુને માન્યતા નહોતી આપી. સ્પેનના અનેક નાગરિકો દક્ષિણ અમેરિકાના આ ચાર દેશોમાં રહેતા હતા. સ્પેન ઇચ્છતું હતું કે દક્ષિણ અમેરિકી દેશોમાં રહેલા એના નાગરિકોને કેટલાક વિશેષ આર્થિક અને કાયદાકીય લાભો
મળે, જેનો સીધો ફાયદો સ્પેનને પણ થાય. (એક આડ વાત, પશ્ર્ચિમના દેશોનું રાજકારણ અને ઇતિહાસ આપણા કરતાં ક્યાંય વધુ ગૂંચવાયેલો, અને નાના-મોટા યુદ્ધોથી ભરપૂર છે.) સીધી વાત કરીએ તો સ્પેનના શાસકો ક્યાંક ઊંડે ઊંડે એવી ય ઈચ્છા ધરાવતા હોઈ શકે, કે દક્ષિણ અમેરિકી દેશો ફરી એક વાર સ્પેનના તાબા હેઠળ આવે.
અને એ માટે સ્પેનના શાસકો પાસે કયો પ્લાન હતો? આ બધામાં પેલી પક્ષીઓની વિષ્ટા અને ચિંચા આઈલેન્ડ કઈ રીતે સંકળાઈ ગયા? એ પછી જે સંજોગો પેદા થયા, એનું પરિણામ શું આવ્યું? આ તમામ પ્રશ્ર્નોના રસપ્રદ જવાબો મેળવીશું આવતા સપ્તાહે.