અમેરિકામાં હિમવર્ષાનું તોફાન ફૂંકાયું છે ત્યારે દેશના મોટા ભાગના વિસ્તારોની સાથે લગભગ 20 કરોડ લોકોને તેની અસર થઈ છે, જે આ સદીના ખતરનાક તોફાનો પૈકીનું એક હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ભયંકર ઠંડી અને હિમવર્ષા (Cyclone Bomb)ને કારણે એક લાખથી વધારે ઘરોમાં વીજળી ખોટકાઈ ગઈ હતી, જ્યારે અત્યાર સુધીમાં 50 જણનાં મોત થયા છે. અમેરિકાના પૂર્વોતરના અમુક હિસ્સામાં બરફના તોફાનને કારણે કરુણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આગામી દિવસોમાં આ પણ આવી પરિસ્થિતિ યથાવત રહી શકે છે. આ તોફાનને કારણે પાવર આઉટેજ, ફ્લાઈટ-ટ્રેનસેવાને અસર થવાની સાથે અત્યાર સુધીમાં પચાસના મોત થયા છે.
બરફના તોફાનને કારણે ભયંકર હિમપ્રપાત, ઠંડી હવા ફૂંકાવવાની સાથે તાપમાનનો પારો ઝીરો ડિગ્રીથી નીચે માઈનસ પંદરેક ડિગ્રી પહોંચતા સોમવારે 3,800 જેટલી ફ્લાઈટસ રદ કરવામાં આવી હતી, જ્યારે પંદર હજારથી વધુ ફ્લાઈટ્સને અગાઉથી રદ કરવામાં આવી હોવાનું સત્તાવાર જણાવ્યું હતું. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું હતું કે આ સદીનું ભયંકર બરફનું તોફાન છે, પણ આ પૂરું થઈ ગયું હોવાનું વહેલું કહેવાશે. પશ્ચિમી ન્યૂ યોર્ક શહેર 30થી 40 ઇંચ જેટલા બરફથી ઢંકાયેલું રહ્યું છે, તેથી સમગ્ર જનજીવન પર અસર પડી છે. પશ્ચિમ ન્યૂ યોર્કમાં લોકો ભારે બરફ વર્ષાનો સામનો કરી રહ્યા છે. તોફાની પવન અને હિમવર્ષાએ બાફલો માટે પણ મોટી મુશ્કેલીનું નિર્માણ કર્યું છે. ખાસ કરીને બુફાલોમાં વાહન અને બરફની નીચે જીવતા અથવા મૃત લોકોની શોધખોળ આદરવામાં આવી છે. કહેવાય છે કે અમેરિકાનો અડધો પૂર્વીય વિસ્તાર ઠંડા અને બરફના ચક્રવાતમાં છે.
જાપાન અને ઓસ્ટ્રિયા પણ હિમપ્રપાતની ચપેટમાં
અમેરિકામાં ભયાનક હિમપ્રપાતનું ભોગ બન્યું છે ત્યારે જાપાન અને ઓસ્ટ્રિયામાં હિમવર્ષાને કારણે 17 લોકોના મોત થયાં છે, જ્યારે 93 લોકો ઘાયલ થયા છે. જાપાન અને ઓસ્ટ્રિયામાં હજારો ઘરોમાં વીજળીનો પુરવઠો ખંડિત થયો છે, જ્યારે હવે યુરોપ પણ હિમપ્રપાતનો ભોગ બન્યું છે. બરફ વરસાદનો ભોગ મેક્સિકો સુધી જોવા મળે છે. એક બાજુ કોરોનાના કહેરની વચ્ચે હિમપ્રપાતને કારણે અનેક દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે ન્યૂ યોર્ક અને મોટાના શહેરમાં તાપમાનનો પારો ઘટીને માઈનસ 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.