અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના સત્તાધીશોએ કમિશનર દ્વારા મૂકાયેલા બજેટમાં રૂ.1082 કરોડનો વધારો કરી વર્ષ 2023-24 માટેનું રૂ. 9482 કરોડનું બજેટ રજુ કર્યું છે. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજે બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવેલ રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુધારા માટે સત્તાધીશો પાસે મોકલવામાં આવ્યું હતું. આજે રજુ થયેલા બજેટમાં શહેરીજનો પર રૂ.250 કરોડથી વધુનો કરબોજ લાદવામાં આવ્યો છે.
સત્તાધીશોએ રજુ કરેલા બજેટમાં જંત્રી દરના આધારે પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવાના નિર્ણયને ત્રણ વર્ષ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. કમિશનરે સૂચવાયેલા બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં સત્તાધીશોએ આંશિક ઘટાડો કર્યો છે. કમિશનરે સુચવેલા એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જમાં આંશિક ઘટાડો કરવામા આવ્યો છે. ડોર ટુ ડોર સ્વચ્છતા માટે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરવામાં આવ્યો હતો તેને ફગાવી દેવામા આવ્યો છે.
રહેણાંક અને કોમર્શિયલ મિલકત પર પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરાતા જનતા પર કર બોજ વધશે. રહેણાંક મિલકતો માટેના પ્રતિ ચોરસ મીટર જે પ્રોપર્ટી ટેક્સ 16 રૂપિયા હતો તેને 4 રૂપિયા વધારી 20 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે કોમર્શિયલ મિલકત માટેનો જે પ્રોપર્ટી ટેક્સ 28 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હતો તજેમાં 6 રૂપિયાનો વધારો કરીને 34 રૂપિયા કરાયો છે.
કમિશનરે સૂચવેલ પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં 5ની જગ્યાએ હવે 2 ટકાનો વધારો થશે. કોર્પોરેટરની 30 લાખની ગ્રાન્ટમાં રૂ.10 લાખનો વધારો કરાયો છે. કમિટી ચેરમેનની ગ્રાન્ટમાં 10 લાખનો વધારો, ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં 5 લાખનો વધારો કરાયો છે.
કમિશનરે સુચવેલા બજેટમાં વિકાસના કાર્યો માટે રૂ.3500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેમાં રૂ. 474 કરોડનો વધારો કરી રૂ.3974 કરોડના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે.
બજેટમાં શહેરના તમામ ઝોનમાં યોગા સેન્ટર બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે મલેરીયા ખાતાને આધુનિક બનાવવા 700 મોબાઈલ ફોન અને 300 ટેબ્લેટ આપવામાં આવશે.
બજેટમાં સમાવેલ વિકાસલક્ષી કાર્યો:
• દરેક વોર્ડ દીઠ બે વ્હાઇટ ટોપીંગ રોડ બનાવાશે
• સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ કરાશે
• સ્વચ્છતાને લઈ દરેક સોસાયટીઓમાં 80 લીટરના વેસ્ટ બીન અપાશે
• દરેક ઝોનમાં મહિલાઓનું એક યોગા મેડિટેશન સેન્ટર
• શારદાબેન-એલજી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ કાર્યરત થશે
• અસારવા – ઓમનગર રેલવે ક્રોસિંગમાં અંડરપાસ બનશે
• ગટરોની સફાઈ માટે વધુ નવા પાંચ સુપર સકર મશીન ખરીદશે
• ગાર્ડન અને ગ્રીન કવરેજ માટે વધુ 11 લાખ વૃક્ષોનું વાવેતર થશે
• શહેરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ડાયાલિસિસ સેન્ટર બનાવાશે
• 104 મીટર ઊંચાઈના બે સ્નોરકેલ મશીન અને 3 ડ્રોન માઉન્ટેડ વહિકલ ખરીદશે
• રાણીપના બલોલ નગરમાં ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી બનશે
• લાંભા અને કઠવાડામાં નવા સ્મશાન ગૃહ બનશે
• રથયાત્રા રૂટ ઉપર હેરિટેજ બ્યુટીફિકેશન કરાશે