અમરનાથ યાત્રા ફરી શરૂ: ૪,૦૨૬ યાત્રાળુઓનો બૅચ જમ્મુ બૅઝ કૅમ્પથી રવાના

દેશ વિદેશ

અમરનાથ યાત્રા:
પંચતરણી માર્ગે સોમવારે યાત્રા ફરી શરૂ કરવામાં આવ્યા બાદ અમરનાથ યાત્રામાં સહભાગી થયેલા યાત્રાળુઓ. (એજન્સી)

જમ્મુ: ખરાબ હવામાનને કારણે એક દિવસ સસ્પેન્ડ રહ્યા બાદ સોમવારે અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ હતી અને ૪,૦૨૬ યાત્રાળુઓનો નવો બૅચ જમ્મુ બૅઝ કૅમ્પથી રવાના થયો હતો, એમ અધિકારીઓએ કહ્યું હતું.
દક્ષિણ કાશ્મીરસ્થિત હિમાલય પર્વતમાળામાં ૩,૮૮૦ મીટરની ઊંચાઈએ પવિત્ર અમરનાથ ગુફા આવેલી છે. ખરાબ હવામાનને કારણે રવિવારે યાત્રા સસ્પેન્ડ કરવામાં આવી હતી અને યાત્રાળુઓને બૅઝ કૅમ્પ જવાની પરવાનગી આપવામાં આવી હતી.
સીઆરપીએફની ભારે સુરક્ષા વચ્ચે ૧૨મા બૅચમાં કુલ ૪,૦૨૬ યાત્રાળુઓ ૧૧૦ વાહનમાં ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થયા હતા.
૧૨મા બૅચમાં રવાના થયેલા કુલ ૪,૦૨૬ યાત્રાળુઓમાં ૩,૧૯૨ પુરુષ, ૬૪૧ મહિલા, ૧૩ બાળક, ૧૭૪ સાધુ અને છ સાધ્વીનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું. વહેલી સવારે ૩:૩૦ વાગે ભગવતી નગર કૅમ્પથી ૩૫ વાહનમાં ૧,૦૧૬ યાત્રાળુ પ્રથમ રવાના થયા હતા અને ત્યાર બાદ ૨,૪૨૫ યાત્રાળુઓને લઈને ૭૫ વાહનનો કાફલો પહેલગામથી રવાના થયો હતો.
સોમવારે પહેલગામના નૂવાન બૅઝ કૅમ્પથી પણ યાત્રાળુઓના નવા બૅચને રવાના થવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ તમામ યાત્રાળુઓ મંગળવારે સવારે પવિત્ર અમરનાથ ગુફાના દર્શને પહોંચે તેવી શકયતા છે.
દરમિયાન, પવિત્ર ગુફાની બહાર કામચલાઉ દાદરાનું નિર્માણ કર્યું છે. વાદળ ફાટવાને કારણે ભેખડો ધસી પડવાથી પવિત્ર ગુફા તરફ જતા દાદરાઓને ભારે નુકસાન થયું હતું. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.