બુલઢાણા: મહારાષ્ટ્ર રાજ્યમાં મંગળવારે અલગ અલગ અકસ્માતમાં 12 જણ મોતને ભેટ્યા હતા, જ્યારે 30થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાસ્તવમાં મંગળવારનો દિવસ અમંગળ રહ્યો છે, જેમાં એક અકસ્માત બુલઢાણા, બીજો અમરાવતી અને ત્રીજો મુંબઈમાં થયો હતો, જેમાં અલગ અલગ અકસ્માતમાં 12 જેટલા લોકોના મોત થયા છે. બુલઢાણામાં રાજ્ય પરિવહનની બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 6 જણનાં મોત થયા હતા, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે સિંદખેડારાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ અકસ્માત આજે સવારે નાગપુર-પુણે હાઈવે પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ પુણેથી બુલઢાણાના માહેકર જઈ રહી હતી, જ્યારે ટ્રક મહેકરથી સિંદખેડ રાજા તરફ જઈ રહી હતી. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યાર બાદ ઘટનાસ્થળે તંગ માહોલની સ્થિતિનું નિર્માણ થયું હતું. બસ અને ટ્રકના અકસ્માતમાં બસને ઘણું નુકસાન થયું હતું, જેમાં બસના કાચ રોડ પર તૂટ્યા હતા, જ્યારે આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોના મોત થયા છે. આ અકસ્માત મંગળવારે સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો. છ જણનાં મોત થયા છે, જ્યારે ઘાયલોમાં ત્રણની હાલત ગંભીર છે, જેમને જાલના ખાતે ખસેડવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
બુલઢાણા સિવાય બીજો અકસ્માત અમરાવતી જિલ્લામાં થયો હતો. જિલ્લામાં એક ટ્રક અને ટાટા એસ વાહન વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. અહીંના અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા અને સાત ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત દરિયાપુરથી અંજનગાંવ રોડ પર થયો હતો. તમામ મૃતકો ટાટાનગર બબડીના રહેવાસી છે. આ અકસ્માતમાં 2 બાળક, 2 મહિલા અને એક પુરૂષના મોત થયા છે. દરમિયાન ગઈકાલે રાત્રે મુંબઈ-પુણે હાઈવે પર એક કન્ટેનર અને 5 વાહન અથડાયા હતા. કન્ટેનરની બ્રેક ફેલ થઈ ગઈ અને તે એક કાર સાથે અથડાઈ. જેના કારણે પેટમાં 4 વાહન આવી ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જેમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે જ્યારે 3 અન્યને પણ સામાન્ય ઈજાઓ થઈ છે.