સર્વતોમુખી શ્રીકૃષ્ણ

ધર્મતેજ

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

ભારતીય સંસ્કૃતિના અધ્યાત્મ, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત વગેરેમાં આગવું સ્થાન આરક્ષિત કરનારા શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિભાને જાણવાના બે મુખ્ય સ્રોત એટલે ભાગવત અને મહાભારત. ભાગવતના કૃષ્ણનું કાર્યક્ષેત્ર કાલિંદીનો કાંઠો, તો મહાભારતના કૃષ્ણનું કર્મક્ષેત્ર કુરુક્ષેત્ર. ભાગવતના શ્રીકૃષ્ણનું પ્રતીક એટલે મોરલી અને મોરપીંછ, જ્યારે મહાભારતના શ્રીકૃષ્ણની ઓળખ એટલે શંખ અને સુદર્શન ચક્ર. ભાગવતના શ્રીકૃષ્ણ કદંબ વૃક્ષની ડાળે ચડેલા જણાય, તો મહાભારતના શ્રીકૃષ્ણ રથારૂઢ દર્શાય.
આમ, વિવિધરૂપે વિલસતા શ્રીકૃષ્ણની એક અદ્ભૂત ઝાંખી કરાવતાં મહર્ષિ વેદવ્યાસે ભાગવતમાં લખ્યું છે કે શ્રીકૃષ્ણ મલ્લોને વજ્રરૂપે, જનમેદનીને મહાપુરુષરૂપે, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવરૂપે, ગોવાળોને સ્વજનરૂપે, દુરાચારી રાજાઓને શાસકરૂપે, માતા-પિતાને બાળકરૂપે, કંસને મૃત્યુરૂપે, અવિદ્વાનોને વિરાટરૂપે, યોગીઓને પરમ તત્ત્વરૂપે અને વૃષ્ણીવંશીઓને પરમ દેવતારૂપે જણાયા.
જેમ એક જ સૂર્યમાંથી નીકળતી તેજછટાઓ અનંત હોય છે તેમ શ્રીકૃષ્ણ ભગવાન એક, પણ તેઓની ગુણછટાઓ અનંત. તેઓ પોતાનો સંહાર કરવા આવેલી પૂતનાને પણ યશોદા માતા જેવી સદ્ગતિ આપી શકે તેવા ઉદાર અને દયાળુ, તો મહાભારતના મેદાનમાં મચી રહેલા યુદ્ધના રીડિયારમણ વચ્ચે પણ ટિટોડીનાં ઈંડાંને સાચવવાની ખેવના કરી શકે એવા તેઓ સંવેદનશીલ. મૃત અવસ્થામાં પ્રસવ પામેલા પરીક્ષિતને મળેલું પુનર્જીવન શ્રીકૃષ્ણ ભગવાનને કર્મ કરવા છતાં તેથી નિર્લેપ રહેનારા આદર્શ કર્મયોગી તરીકે પુરવાર કરે છે, તો તેઓ દ્વારા થયેલા યુદ્ધનિવારણના પ્રયત્નોમાંથી તેઓ ઉત્તમ વિષ્ટિકાર તરીકે ઊભરી આવે છે. તેઓની જ્ઞાનસમૃદ્ધિ ભગવદ્ગીતામાં ખુલ્લેઆમ છતી થઈ છે, તો તેઓની ક્ષમાવૃત્તિ ઉત્તુંક મુનિ સાથેના મેળાપ વખતે ઝળકી ઊઠે છે. શ્રીકૃષ્ણ માટે વેદવ્યાસે વાપરેલું વિશેષણ – अच्युत- તેઓના જીવનમાં દ્રૌપદીના સ્વયંવરનો પ્રસંગ હોય કે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ હોય કે પારધીએ છોડેલા બાણથી ઈજાગ્રસ્ત થવાની ઘડી હોય – પ્રત્યેક પળે સાર્થક થયેલું જણાય છે.
પરંતુ હા, તેઓ વિહ્વળ થઈ ઊઠતા ભક્તો માટે. તેથી તેઓ ખાંડવ વનના દહન બાદ અગ્નિ પાસે માગે છે – અર્જુન સાથે શાશ્વત પ્રીતિ. આવી ભક્તવત્સલતાને વશ તેઓ માટે સૂરદાસજીએ લખ્યું છે : ‘દુર્યોધન કો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર પાઈ; સબ સે ઊંચી પ્રેમ સગાઈ…’ આ જ લયમાં નરસૈંયાએ પણ ગાયું છે કે –
‘વણકીધે વ્હાલો વતાં કરે, પૂરણ બ્રહ્મ અવિનાશી રે;
માખણ કાજ મહિયારી આગળ, ઊભો વદન વકાસી રે…’
આટલું જ નહીં, ભક્તો માટે તો શ્રીકૃષ્ણે ગીતામાં બળકટ બાંયધરી આપી દીધી કે –
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यम्॥(૯/૨૨)
અર્થાત્ જેઓ અનન્ય ભાવે મારું ચિંતવન કરતાં મને ભજે છે તેના યોગ-ક્ષેમનું વહન હું કરું છું. પોતાનું આ વચન સત્ય કરતાં તેઓએ દ્રૌપદીનાં ચીર પૂર્યાં, તો સુદામાનું દારિદ્ર્ય ટાળ્યું.
આ સાથે શ્રીકૃષ્ણે આપણને અન્ય એક હૈયાધારણ પણ આપી છે કે ‘सम्भवामि युगे युगे। (ષ/ક્ષ) જેમ આકાશ કદી ચંદ્ર-સૂર્ય વિનાનું ન હોય તેમ પૃથ્વી કદી પ્રભુવિહોણી ન હોય. ધર્મની રક્ષા માટે, અધર્મના ઉચ્છેદ માટે, ભક્તોના કલ્યાણ માટે ભગવાન હંમેશાં અવની પર પ્રગટ રહે છે. અલબત્ત, તેને ઓળખવા માટે અંતરની આંખ જોઈએ. તે નેત્રે નીરખનારાએ ભગવાનની ભાળ આપતાં લખ્યું છે : ‘હરિ વસે હરિના જનમાં, તમે શું કરશો જઈ વનમાં…’
જેમ ગાયનો વંશ વત્સ દ્વારા રહે, તેમ ભગવાન તેઓના ઉત્તમ ભક્ત દ્વારા સદા પ્રગટ રહે. તેથી જ ભાગવતમાં ભગવાનના શબ્દો છે કે ‘ઉદ્ધવ મારા કરતાં અણુમાત્ર પણ ઊણાં નથી, કારણ કે તેઓ આત્મજયી છે, વિષયોથી ક્યારેય વિચલિત થયા નથી.’
આવી ગુણસંપદા જ્યાં હોય ત્યાં ભગવાન અખંડ હાજર અનુભવાય. તેની એક અનુભૂતિ વર્ણવતાં ન્યૂયોર્ક-સ્થિત જગવિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો. સુબ્રહ્મણ્યમે કહ્યું છે : ‘પહેલી વખત જ્યારે પ્રમુખસ્વામી મહારાજ સાથે મુલાકાત થઈ ત્યારે ખૂબ જ દિવ્યતાનો અનુભવ થયો, જાણે કે કૃષ્ણ ભગવાનને મળતા હોઈએ ! સ્વામીજી ધામમાંથી આપણા માટે જ અહીં આવ્યા છે એવું હું માનું છું.’
આવો જ અનુભવ કુવૈતના ભારતીય રાજદૂત શ્રી મોહનચંદ્ર નાયરે પણ વાગોળ્યો છે. તા. ૨૧/૪/૧૯૯૭ના રોજ તેઓના ઘેર પધારેલા પ્રમુખસ્વામી મહારાજને જોઈ આ રાજદ્વારી બોલી ઊઠેલા કે ‘स्वामीजी बिलकुल बालक जैसे प्रतीत होते है?’ આટલું કહી પોતાના ઘરમાં પધરાવેલી બાલકૃષ્ણની મૂર્તિ તરફ નિર્દેશ કરતાં તેઓએ કહેલું :देखो! ये बालकृष्ण की मूर्ति और ये स्वामीजी में कितनी सिमिलारीटी (साम्य) है! आश्चर्यकारी अनुभव है यह!
આમ, સાચા સંતના સાંનિધ્યમાં ‘सम्भवामि युगे युगेની કૃષ્ણવાણી અને આપણું જીવન – બંને સાર્થક અનુભવાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.