આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ગઈ કાલે(14 ફેબ્રુઆરી) ઈન્કમટેક્સ સર્વે હાથ ધર્યો હતો. ગઈ કાલે આખી રાત ઈન્કમટેક્સ સર્વે ચાલુ રહ્યો હતો, જે આજે પણ ચાલુ રહે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન તમામ કર્મચારીઓના ફોન અને લેપટોપ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
અધિકારીઓએ BBCની ઓફિસોને પ્રોફિટના કથિત ડાયવર્ઝન અને ટ્રાન્સફર પ્રાઈસિંગમાં અનિયમિતતા સંબંધિત સર્વેક્ષણ માટે સીલ કરી હતી. રાતભર તપાસ બાદ આજે પણ સર્વે ચાલુ રહેશે. સૂત્રોનું કહેવું છે કે આવકવેરા અધિકારીઓ 2012થી ખાતાની વિગતો તપાસી રહ્યા છે.
મંગળવારે બીબીસીએ આ બાબતને લઈને ટ્વીટ પણ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે “આવકવેરા અધિકારીઓ હાલમાં નવી દિલ્હી અને મુંબઈમાં બીબીસીના કાર્યાલયમાં છે અને અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમને આશા છે કે આ સ્થિતિ વહેલી તકે ઉકેલાઈ જશે.”
જ્યારથી બીબીસી ઓફિસમાં આઈટી સર્વેના સમાચાર આવ્યા છે, ત્યારથી વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસે તેને સરમુખત્યારશાહી ગણાવી છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં કહેવામાં આવ્યું છે કે “સરમુખત્યાર કાયર હોય છે”. આ સિવાય કોંગ્રેસના ઘણા મોટા નેતાઓએ આ સર્વેની નિંદા કરી છે.