મારા પપ્પા વિશે એટલું જ કહીશ કે ‘હી વોઝ મોર ધેન મ્યુઝિક’

પુરુષ

પ્રિય પપ્પા… વિજુ શાહ

મારા પપ્પાનું નામ કલ્યાણજી વીરજી શાહ. મૂળ અમે કચ્છના કુન્દરોડી ગામના, પણ વર્ષોથી દાદા મુંબઇમાં આવીને વસી ગયા. મારો જન્મ મુંબઇમાં જ થયો. અમે પાંચ ભાઈઓ. દરેક બાપની એવી ઇચ્છા હોય કે એમનું સંતાન એમનો વારસો સંભાળે. તો પપ્પાની એવી ઈચ્છા ખરી કે અમારામાંથી કોઈ એક સંગીત ક્ષેત્રમાં કારકિર્દી બનાવે. હું બહુ નાનો હતો એટલે સ્વાભાવિક છે કે મને યાદ ન હોય, પણ મને મારા કાકા આનંદજીભાઈ કહેતા હતા કે મારો મોટો ભાઈ હાર્મોનિયમ વગાડતો હતો. એને જોઈને મેં કહ્યું આમાં શું મોટી વાત છે, આ તો હું પણ વગાડી શકું છું (એ વખતે હું ૨-૩ વર્ષનો હોઇશ) અને મેં બિન શીખવાનું શરૂ કર્યું. એક જ દિવસમાં હું બિન વગાડતાં શીખી ગયો હતો. મારો ગ્રાસ્પિંગ પાવર સારો છે એ જોઇને પપ્પાએ મને સંગીતનાં વાદ્યો વગાડવાનું શિખવાડવાનું શરૂ કર્યું. એ મારો શોખ કે આવડત નહોતી, પણ એ સમયે એમ જ દેખાદેખીમાં હું શીખતો હતો. ‘નાગિન’ ફિલ્મના ગીતમાં જે બિન વાગે છે એ અને એ સિવાય ફિલ્મના બેકગ્રાઉન્ડમાં પણ જે બિન વાગે છે એ હું વગાડતાં શીખી ગયો. મને યાદ છે મફતલાલ પાર્કમાં એક શો હતો. ત્યાં મેં બિનની ટ્યુન વગાડી હતી. મારી નાની ઉંમરના કારણે હાર્મોનિયમના ધમણ સુધી મારા હાથ પહોંચતા નહોતા તો અન્યએ ધમણ આપી હતી અને મેં વગાડ્યું હતું. આ રીતે સંગીત ક્ષેત્રે મારા ટ્રેઇનિંગ પ્રોસેસની શરૂઆત થઇ.
પપ્પાએ મને બંદિશ, નોટેશન લખવું, નોટેશન વાંચવું વગેરે પર પૂરેપૂરો અભ્યાસ કરાવ્યો, કારણ કે આ બધા માટે પપ્પાએ એમના આસિસ્ટન્ટ પર નિર્ભર રેહવું પડતું હતું. એ મારી સાથે ન બને એટલા માટે એમણે મને એક સંપૂર્ણ સંગીતકાર માટે જે પણ જરૂરી હતું એ બધું જ મને શીખવ્યું. પપ્પા મારા પ્રથમ ગુરુ હતા. પ્યારેલાલ (લક્ષ્મીકાંત-પ્યારેલાલ ફેમ)ના પિતાજી રામપ્રસાદ શર્મા પાસે મને નોટેશન શીખવા માટે મોકલ્યો. જયકુમાર પાર્ટે સર, મોહન જુનિયરજી, મેન્ડીસ સર, બાલ્તુ સર, અનિલ મોહિલેજી, લક્ષ્મણપ્રસાદ જયપુરવાલે અને એમના જેવા કેટલાય દિગ્ગજો પાસેથી મેં તાલીમ લીધી છે. એ વખતે મને શું ગમે છે એ મારા માટે અગત્યનું નહોતું, પણ પપ્પાએ કહ્યું એટલે મારે કરવાનું બસ એ એક જ ધૂન મગજમાં રહેતી. પપ્પાને નાનપણથી મારા પાસેથી એક જ અપેક્ષા હતી કે હું એક સારો સંગીતકાર બનું અને એના માટે તાલીમ લેતો રહું. પપ્પાએ મને ક્લાસિકલ સંગીતની તાલીમ માટે લક્ષ્મણપ્રસાદ જયપુરવાલે પાસે મોકલ્યો. પપ્પાએ મને ચત્રભુજ રાઠોડ (શ્રવણજીના પિતાજી) પાસે ગાયનની તાલીમ અપાવી, કારણ કે પપ્પા એવું માનતા હતા કે એક સારા સંગીતકારે સારા ગાયક હોવું પણ એટલું જ જરૂરી છે. હું જ્યારે ચત્રભુજ રાઠોડ પાસેથી ગાયન શીખતો હતો ત્યારે રૂપકુમાર રાઠોડ તબલાં પર સાથ આપતા હતા. આ બધું પપ્પા કહેતા હતા એટલે જ હું શીખતો હતો. ઘણું બધું હું ૮-૯ વર્ષની ઉંમરમાં જ શીખ્યો.
મારા કાકા બાબલાભાઈ સાથે હું શોમાં જતો હતો. ત્યારે ૧૯૭૪માં અમે વિદેશથી ઇલેક્ટ્રોનિક કીબોર્ડ (સિન્થેસાઇઝર) લઇ આવ્યા. ત્યાર બાદ મને અંદરથી સંગીત પ્રત્યે રુચિ જાગી. ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ સાઉન્ડ નીકળે છે તો એ શીખવા માટે હું પોતે બેસી જતો. ઇલેક્ટ્રોનિક્સ આવ્યા પછી મારું સંપૂર્ણ ધ્યાન એમાં જ સ્થિર થઇ ગયું અને વધારેમાં વધારે એમાં જ ઊંડો ઊતરતો ગયો. એ વખતે એકસાથે ઘણા બધા લોકો કામ કરતા અને ગીતો રેકોર્ડ થતાં હતાં. ઇલેક્ટ્રોનિક્સ આવ્યા પછી એ વખતે જ મને લાગતું હતું કે આવનારા સમયમાં આ બધું નીકળી જશે અને એક જ માણસ કામ કરશે, જે આજે થઇ રહ્યું છે. એવું લાગવાનું કારણ પણ હતું. પહેલાં ૬-૬ મહિને નવાં નવાં ઇલેક્ટ્રોનિક્સ કીબોર્ડ આવતાં, પછી તો દર ત્રણ મહિને અને બાદમાં તો એટલી કંપનીઓ વધી ગઈ કે કોઈ અમેરિકન મેડ છે તો કોઈ જાપાનીસ છે, રોલેન્ડ, યામાહા, કોર્ડ, ઇએમયુ અને એવી તો કેટલીય કંપનીઓ આવી ગઈ. મને હજી પણ યાદ છે કે અમે જ્યારે પણ બહાર શો કરવા જઈએ તો ત્યાંથી નવાં કીબોર્ડ લઈને આવતા અને એક સમયે તો મારી પાસે ૧૦-૧૦ કીબોર્ડ થઇ ગયાં હતાં. ઇલેક્ટ્રોનિક્સના કારણે જ સંગીતમાં મારી રુચિ વધી અને સંગીતકાર બનવા માટે એ કારણભૂત થયું. એ પહેલાં કહ્યું એમ પોપટને જેમ શિખવાડવામાં આવે અને એ એટલું જ શીખે એવું જ મારું હતું. પપ્પાએ કહ્યું એટલે કરવાનું બસ.
જ્યારે હું આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં ‘ડોન’ ફિલ્મમાં ‘યે મેરા દિલ પ્યાર કા દીવાના’ ગીતમાં તમને સંભળાતાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યાં હતાં. એ ફિલ્મમાં અમે સૌથી વધારે ઇલેક્ટ્રિક કીબોર્ડનો ઉપયોગ કર્યો હતો. ઇલેક્ટ્રોનિક કીબોર્ડનો ઉપયોગ હજી શરૂઆતના તબક્કામાં હતો. હું એમાં વધારે ને વધારે ઊંડો ઊતરતો ગયો અને શીખતો ગયો, કારણ કે મને લાગતું હતું કે હજી આમાં ઘણાં નવાં નવાં ફીચરવાળાં કીબોર્ડ આવશે, તો મારે મારી જાતને અપડેટ રાખવી પડશે. બાદમાં મેં નક્કી કર્યું કે મારે હવે આ શીખવું જ છે અને આમાં જ આગળ વધવું છે એટલે મેં પિયાનો શીખવાનું નક્કી કર્યું, કારણ કે અત્યાર સુધી મોનોફોનિક (એક જ નોટ વાગે) જ વગાડતા એમાં એક જ હાથથી વગાડવાનું હતું, જ્યારે ઇલેક્ટ્રોનિક કીબોર્ડમાં બન્ને હાથનો ઉપયોગ કરવો પડે છે. મને યાદ છે, ત્યારે મારી પાસે પાંચ હજાર રૂપિયા જ હતા તો પપ્પા પાસેથી બીજા પાંચ હજાર રૂપિયાની લોન લઈને મેં નેપિયન સી રોડ પરથી પિયાનો ખરીદ્યો હતો અને શીખવાનું શરૂ કર્યું. ધીરે ધીરે સંગીત ક્ષેત્રે ઇલેક્ટ્રોનિક્સ કીબોર્ડનો પ્રભાવ વધતો જ ગયો અને એના કારણે ૧૯૭૮થી પપ્પા (કલ્યાણજી-આનંદજી)ના સંગીતમાં બદલાવ આવ્યો, સાઉન્ડ ચેન્જ થતો ગયો. જેમાં તમે કલ્યાણજી-આનંદજીએ સંગીતબદ્ધ કરેલાં ફિરોઝ ખાન, પ્રકાશ મહેરા કે અન્ય નિર્માતાની ફિલ્મનાં ગીતો સાંભળશો તો એ બદલાવ તમને ખ્યાલ આવશે અને એ ફિલ્મોનાં ગીતો લોકોમાં ખૂબ જ પોપ્યુલર થયાં હતાં એ નિર્વિવાદ છે.
પપ્પા સાથે સંગીતને લઈને મારે ઘણી બધી દલીલો થતી રહેતી. દરેક સંગીતકાર જ્યારે ગીત બનાવે ત્યારે એનું માઈન્ડસેટ હોય કે મારું ગીત આવી રીતે જ બનવું જોઈએ, પરંતુ એ જ્યારે ડિસ્કશન પોઇન્ટ પર આવે ત્યારે દરેકને દલીલો થતી હોય છે, એવું અમારે પણ થતું. કોઇક જગ્યાએ હું એમને સૂચન કરતો. એમને બહુ સ્પષ્ટ કહેતો કે તમે તમારી જગ્યાએ સાચા જ છો, પણ મને જે લાગે એ તમને જાણવું છું. હું કદાચ ખોટો પણ હોઈ શકું, પણ તમે કહો એટલે મારે એ માની લેવાનું એમ નહિ. હું ફક્ત મારો મત જણાવું છું. આ વાત હું દરેકને કહેતો કે તમે તમારો વ્યૂહ પોઇન્ટ જરૂરથી આપો. વાત ખરા-ખોટાની નથી, પણ આપણું મન શું કહે છે એ અગત્યનું છે.
ઇલેક્ટ્રોનિક્સ કીબોર્ડમાં ઘણો જ સમય આપવો પડે. નવા નવા સાઉન્ડ શોધવા માટે ખૂબ જ સમય લાગે. બીજા સંગીતકારોને ત્યાં પણ વગાડવા જતો. શોમાં પણ જતો. આ બધાં કામોની વ્યસ્તતાને કારણે એક સમય તો એવો પણ આવ્યો કે મારું અને પપ્પાનું કોમ્યુનિકેશન મારી પત્ની દ્વારા જ થતું. પપ્પા હંમેશાં એવું ઇચ્છતા કે હું એમની પાસે બેસું અને એમની સાથે વાતો કરું, ચર્ચા કરું પણ એ સમયે એ શક્ય નહોતું બનતું, કારણ કે હું બહાર પણ વગાડવા જતો અને મારા પોતાનાં પણ કામ રહેતાં હતાં. તો હંમેશાંની તેમની મારા પ્રત્યે એક જ ફરિયાદ રહેતી કે વિજુ, તું મારી સાથે બેસતો નથી. વાતો નથી કરતો. અફકોર્સ અમે મ્યુઝિક સિટિંગમાં તો સાથે જ બેસતા હતા. ઘણી વાર એવું બનતું કે ટ્યુન તૈયાર થઇ જાય પછી એનો ઓર્કેસ્ટ્રાનો પાર્ટ હું જ કમ્પ્લીટ કરતો. જેમ રાજીવ રાય સાથે ‘યુદ્ધ’ ફિલ્મ વખતે થયું હતું. પપ્પાએ ટ્યુન તૈયાર કરી લીધી ત્યાર બાદ મેં રાજીવ સાથે બેસીને નક્કી કર્યું કે કઈ રિધમ વગાડવામાં આવશે, કયા સાઉન્ડ આવશે. એમાં પપ્પાને કોઈ વાંધો નહોતો. એ એવું વિચારતા કે મારે દિગ્દર્શક સાથે સારું ટ્યુનિંગ છે તો ભલે હું એની સાથે બેસું. પપ્પા એકદમ સ્ટબર્ન નહોતા, પણ ખૂબ જ સરળ રહેતા હતા.
અમારા પિયાનિસ્ટ હતા સની કેસ્ટોલીનો. જ્યારે મારી પાસે પિયાનો નહોતો ત્યારે સની કેસ્ટોલીનો પાસે પપ્પા મને પિયાનો શીખવા મોકલતા. ફિલ્મ સેન્ટરમાં એમની શિફ્ટ સવારે નવ વાગ્યાની હોય તો પપ્પા એમને બે કલાક વહેલા સ્ટુડિયોમાં બોલાવતા. હું સવારે સાત વાગ્યે પહોંચી જતો, પણ સનીની એક તકલીફ, એમના મોઢામાંથી દારૂની ખૂબ જ ગંધ આવતી હતી. એ સમયે હું બહુ નાનો હતો. મેં પપ્પાને એ વિષે વાત કરી તો પપ્પાએ કહ્યું એવી બધી બાબતો પર ધ્યાન નહિ આપવાનું. એમનામાં જે સ્કિલ છે એ શીખવાની કોશિશ કર. એમનો ટોપ ફ્લોર ક્યાંય પણ જતો હોય એને નજરઅંદાજ કરવાનું. એ લોકો આજે છે તો એમની પાસેથી જે શીખવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કર. આ રીતે એ મને સતત સંગીતનાં વાદ્યો શિખવાડવામાં વ્યસ્ત રાખતા. હું સંગીતકાર બનું એના માટે પપ્પા મને ઘણી રીતે પ્રોત્સાહિત કરતા. અમારે ત્યાં લગભગ બધા મહાન દિગ્ગજ સંગીતના જાણકારો આવતા તો એમની સામે મારો પરિચય કરાવતા અને પપ્પા કહે એ વાદ્ય હું વગાડતો એ જોઇને બધાની સાથે સાથે પપ્પા પણ ખુશ થતા. દયાનંદ ગાંધર્વજી બરોડાથી આવેલા. એ મને સવારે પાંચ વાગ્યે ઉઠાડતા અને ગાયન શિખવાડતા. એમની સાથે મને સંગત પણ કરાવતા. એમની પાસેથી ગાયનની તાલીમ લીધી હતી.
હું અખતરા પણ ઘણા કરતો, એવી એક ઘટના જણાવું. એક વાર અમે ન્યુ ઝીલેન્ડમાં શો કરવા માટે ગયા હતા. ત્યાં એટલી બધી ઠંડી પડતી હતી કે અમારા હાથ જકડાઈ જતા હતા ત્યારે વાદ્ય વગાડવાની વાત તો બહુ દૂર. એમાંથી રસ્તો કરવા માટે મેં અખતરો કર્યો. હું સવારમાં એકદમ ઠંડા બરફના પાણીમાં હાથ બોળીને રાખતો અને હાથ એકદમ ઠંડા થઇ જાય પછી પ્રેક્ટિસ કરતો. એનાથી મને એ જ ફીલિંગ આવતી જે સ્ટેજ પર આવતી હતી અને શોમાં કોઈ તકલીફ નહોતી પડી.
પપ્પાને પણ ઇલેક્ટ્રોનિકનો બહુ શોખ, કારણ કે એ પણ ક્લેરીઓનેટ વગાડવાનું શીખ્યા હતા, કારણ કે ઇલેક્ટ્રોનિક પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ હતો. જ્યારે પણ હું સારું કામ કરતો તો પપ્પા મને પ્રોત્સાહિત કરતા અને ઘણી વાર ઇનામ પણ આપતા. ‘સ્વરવિહાર’ નામનું એક આલબમ કર્યું હતું. એ આલબમના સંગીતની એરેન્જમેન્ટ મેં જ કરી હતી. પપ્પા ફક્ત ગાયકના ડબિંગ સમયે જ આવતા, કારણ કે એમને મારા પર વિશ્ર્વાસ હતો કે બાકીનું કામ હું સારી રીતે કરી લઈશ. તો એક ગીતની એરેન્જમેન્ટ એમને એટલી બધી ગમી ગઈ કે એમણે મને સો રૂપિયાની નોટ બક્ષિસમાં આપી. એ વખતે ૧૦૦ રૂપિયાની બહુ મોટી વેલ્યુ હતી. પપ્પા હંમેશાં મને એવું કહેતા કે ટ્યુનની સાથે એરેન્જમેન્ટ મહત્ત્વનું તો છે જ, પણ એ ગીતની વાર્તા પણ છે. તો એનું પ્રેઝન્ટેશન કેવું રહેશે એ ખૂબ જ મહત્ત્વનું હોય છે.
પપ્પાને મારા વિષે એવી માન્યતા કે હું બહુ ડિફિકલ્ટ ગીત બનાવું છું. ‘ગુપ્ત’ ફિલ્મનું એક ગીત સાંભળીને એમણે મારી પત્નીને કહ્યું કે વિજુને કહે કે સિમ્પલ ગીત બનાવે કે જેને સામાન્ય માણસ પણ ગાઇ શકે, સમજી શકે. આ પોઇન્ટ પર હું મારા કન્વિક્શન પર નિર્ણય લઉં. હું જે બનાવું છું એ મારા ડિરેક્ટરને પણ ગમવું જોઈએ, એ વાત પપ્પાએ જ મને શીખવાડી હતી. ‘ડિરેક્ટર ઇઝ અ ઓલ્વેઝ કેપ્ટન ઑફ ધ શિપ’ હોય છે એવું પપ્પા કહેતા.
પપ્પાએ મારા માટે ક્યારેય કોઈ નિર્માતા કે દિગ્દર્શક પાસે ભલામણ નથી કરી. એ મને એવું કહેતા કે તારે આગળ તો તારી રીતે જ વધવું પડશે. તારી આવડતથી જ તારે કામ મેળવવું પડશે અને એમની એ વાત મને ગમતી પણ હતી. પોતાની મેહનત દ્વારા મેળવેલા કામની વેલ્યુ કંઈક અલગ જ હોય છે.
પપ્પા મને કહેતા કે સંગીતમાં ટોપ પોઝિશન તો મ્યુઝિક ડિરેક્ટરની જ હોય તેથી તમારું સંપૂર્ણ ધ્યાન ડિરેક્શન તરફ જ હોવું જોઈએ, પણ મને પહેલાંથી જ મ્યુઝિશિયન બનવાનો શોખ હતો, કારણ કે આ કામમાં બહુ જવાબદારી હોતી નથી. તમે જ તમારા બોસ પણ નસીબે બધું એવું ગોઠવાયું કે હું મ્યુઝિક ડિરેક્ટર બની ગયો. મારી સંગીતકાર તરીકેની કારકિર્દીની વાત કરું તો મારું અને રાજીવ રાયનું ટ્યુનિંગ ‘યુદ્ધ’ ફિલ્મથી શરૂ થયું. ‘ત્રિદેવ’ વખતે અમે નક્કી કર્યું કે ગીતો બનાવીને પપ્પાને સંભળાવીએ અને કંઈ ફેરફાર હશે તો આપણે જોઈ લઈશું અને એનાં ગીતો સુપર-ડુપર હિટ થઇ ગયાં. ચાલે એટલે બધા વાહ વાહ કરે, પણ ન ચાલ્યું હોત તો એટલે નામથી મને કોઈ ફરક નહોતો પડતો અને એ મેં રાજીવને પણ કહ્યું હતું. ફિલ્મનો કોન્ટ્રાક્ટ કલ્યાણજી-આનંદજીના નામે જ થયો હતો એટલે રાજીવે કહ્યું કે ના, મારે તને ક્રેડિટમાં કોઈ અલગ નામ તો આપવું જ છે અને એણે ‘ત્રિદેવ’માં ‘મ્યુઝિક કંડક્ટ’ તરીકે મારું નામ રાખ્યું હતું. મારું સાચું નામ વિજય છે, પણ રાજીવ રાયે મને વિજુ નામ આપ્યું હતું. હું એવું માનું છું કે આ ફિલ્મથી દર્શકો પાછા થિયેટર તરફ વળ્યા હતા. ચંદન સિનેમાવાળા મીઠાઈ લઈને નિર્માતા ગુલશન રાય પાસે આવ્યા હતા, કારણ કે ઘણા સમય પછી એમના થિયેટરમાં હાઉસફુલનું બોર્ડ લાગ્યું હતું. એ જે સમયમાં મેં કામ કર્યું છે એ હવે પાછો નહીં આવે એવું મારું માનવું છે.
પપ્પાને સંગીત સિવાય સાહિત્ય, વાચન વગેરે ઘણા બધા શોખ હતા. પપ્પા માટે સંગીતકાર બનવું એ બહુ મુશ્કેલ વાત હતી, કારણ કે એમના કુટુંબમાં સંગીત ક્ષેત્રે કોઈ જ નહોતું. એમણે એકડે એકથી શરૂ કરવાનું હતું. એમની સંગીતકાર તરીકેની સફર બહુ જ સંઘર્ષપૂર્ણ રહી હતી. મારા દાદાની બિલકુલ ઈચ્છા નહોતી કે પપ્પા સંગીત ક્ષેત્રમાં આવે. ત્યારે પપ્પા દાદાને ખબર ન પડે એ રીતે સંગીત શીખતા હતા. એના કારણે એક સંગીતકાર તરીકે જેટલું શીખવું જોઈએ એ બધું તેઓ શીખી શક્યા નહોતા, તેથી એ જે ખામી એમનામાં રહી ગઈ હતી એ મારામાં ન રહે એ માટે તેઓ મને દિગ્ગજો પાસે અભ્યાસ કરાવે રાખતા. એ બાબતે હું બહુ નસીબદાર છું કે મારો ઉછેર સંગીતના વાતાવરણમાં જ થયો. મને તો ચાલતી ગાડી મળી હતી. એને હું મારા સ્વબળે કેટલી આગળ લઇ જાઉં એ મારા પર હતું. ૧૯૭૬ બાદ હું પપ્પાને આસિસ્ટ કરતો અને એરેન્જમેન્ટ પણ કરતો. પપ્પા અને કાકા સાથેની સંગીતમય સફર એ મારે માટે બહુમૂલ્ય અનુભવ છે. મને પપ્પા અને કાકા પાસેથી અનુભવનું જે ભાથું મળ્યું એ માટે હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું. જ્યારે ઇલેક્ટ્રોનિકમાં હું મારી જાતને એટલા માટે વધુ નસીબદાર માનું છું કે મારા બીજા કાકા બાબલાભાઈ એમની સાથે ઇલેક્ટ્રોનિક કીબોર્ડ લાવ્યા. એમાં મને રસ પડ્યો, હું શીખ્યો અને સફળ પણ થયો.
મારા પપ્પાની એક ખાસિયતની વાત કરું તો એમનામાં એક ગજબની પોઝિટિવ ઔરા હતી, જેથી લોકોને એમની સાથે બેસવું, વાતો કરવી, કામ કરવું ગમતું અને એવું ફક્ત સંગીતક્ષેત્રમાં થતું હોય એવું નહોતું. એ મુશાયરો પણ માણતા, રાજનીશજીના લેક્ચરમાં પણ એમને બહુ રસ પડતો અને સાહિત્યકારો સાથે મેહફિલની જમાવટ પણ કરતા. ‘લિટલ વન્ડર્સ’ શરૂ કર્યું ત્યારે તો ઘરમાં બધાં બાળકોનો મેળો લાગેલો હોય. એમને એ બધું ગમતું. એ બાબતે હું એમનાથી એકદમ વિપરીત છું. મને એકલું જ કામ કરવાનું ગમે. કામના સમયે મને કોઈ ડિસ્ટર્બન્સ ન જોઈએ.
પપ્પા કહેતા કે કોઈ મને આવીને કહેશે કે ‘વિજુ સારું નથી વગાડતો એ મને ચાલશે, પણ કોઈ કહેશે કે વિજુ સારો માણસ નથી એ મને નહિ ચાલે’. પપ્પાના એ માણસાઈના અભિગમના કારણે કાકા (આનંદજીભાઈ) સાથે મળીને ઘણા બધા ચેરિટી શો કર્યા હતા. એમનો માણસાઈ પ્રત્યેનો એ અભિગમ મને ખૂબ જ સ્પર્શતો અને એમની લાગણીને સાથે રાખીને એ જ રીતે હું જીવન પણ જીવ્યો છું.
૧૯૯૨માં જ્યારે પપ્પા અને કાકાને સરકાર દ્વારા ‘પદ્મશ્રી‘ એવોર્ડથી નવાજવામાં આવ્યા ત્યારે કચ્છી સમાજે કચ્છમાં એમનો બહુ ભવ્ય સમારંભ યોજ્યો હતો, જેમાં મોરારિબાપુ, દિલીપકુમાર સાહેબ અને અમિતાભ બચ્ચનજી પણ આવ્યા હતા. પપ્પા વિશે એટલું જ કહીશ કે ‘હી વોઝ મોર ધેન મ્યુઝિક’.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.