‘મહા’ સંકટમાં ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલ પર બધાની નજર

આમચી મુંબઈ

મુંબઇ: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં ઘમસાણ મચેલું છે. સરકારના આ સંકટના સમયમાં મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઇ ગઇ છે. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ૨૦૨૦થી કોઇ સ્પીકર નથી. એવામાં રાજ્યમાં તાજેતરના ઘટનાક્રમમાં ફેંસલો લેવાની બધી જબાવદારી ડેપ્યુટી સ્પીકર પર આવી ગઇ છે. જો કે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે શું તેઓ સખત પગલાં લઇને ઉદ્ધવ ઠાકરેની સરકારને બચાવશે?
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સમર્થક છે અને ખૂબ જ સરળ અને સીધા સ્વભાવની વ્યક્તિ છે. તેઓ ડિંડોરી વિધાનસભાથી ત્રણ વાર ચૂંટાયા છે. હાલમાં તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને એનસીપીના કાર્યકર્તા તરીકે કાર્યરત છે.
મહારાષ્ટ્રમાં ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ મહાવિકાસ આઘાડીની સરકાર બની ત્યારે નાના પટોળેને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમની મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષપદ પર નિયુક્તિ થતા તેમણે ૨૦૨૦માં સ્પીકરનું પદ છોડી દીધું હતું. ત્યાર બાદ સ્પીકરના પદ પર કોઇ નિયુક્તિ કરવામાં આવી ન હતી.
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે તેમની પાસે ચાલીસથી પણ વધારે ધારાસભ્યોનું સમર્થન છે. પક્ષપલટા વિરોધી કાનૂનની જોગવાઇ પ્રમાણે તેમની પાસે એકતૃતીયાંશ ધારાસભ્યો હોવા જરૂરી છે. હાલમાં શિંદે પાસે આ આંકડા જેટલા ધારાસભ્યો છે.
જો શિંદેની પક્ષપલટા વિરોધી કાનૂનની માગને નકારવામાં આવે તો એ પરિસ્થિતિમાં શિંદે ડેપ્યુટી સ્પીકર જિરવાલ પાસે આ બાબતે માગ કરી શકે અને તેમના જૂથને શિવસેનાના જૂથ તરીકે માન્યતા મળી શકે છે. જો આવું થાય છે તો શિવસેના બે ભાગમાં વહેંચાઇ જશે, જે ઠાકરે પરિવાર ક્યારેય ઇચ્છશે નહીં એટલે જ મહારાષ્ટ્રની તાજેતરની રાજકીય પરિસ્થિતિમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિનું વલણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં
આવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.