Homeમેટિનીઆ ઘરનાં તમામ પાત્રો કાલ્પનિક છે

આ ઘરનાં તમામ પાત્રો કાલ્પનિક છે

પરદે કે પીછેના સર્જક જયપ્રકાશ ચૌક્સે જ્યારે પ્રગટ થાય છે, પરદે કે સામને

ફિલ્મનામા -નરેશ શાહ

ચૌક્સે અંકલ હાલતુંચાલતું સિનેમા ઘર છે અને (તમે) તેમને ટૂરિંગ ટોકીઝ પણ કહી શકો છો

સલમાન ખાને પ્રસ્તાવનામાં આવા શબ્દો લખ્યા છે, એ જયપ્રકાશ ચૌક્સે ર૦રરમાં ૮૩ વરસની ઉંમરે ઈન્દોરમાં અવસાન પામ્યા. આ એ જ શહેર છે, જયાં સલમાન ખાનના પિતા સલીમ ખાનનો જન્મ થયો હતો. જો કે એવી ધારણા બાંધવાની જરૂર નથી કે એટલે – સલીમ ખાન – જયપ્રકશ ચૌક્સે નાનપણના મિત્ર હશે. એવું કશુંય નથી છતાં એ હકીકત છે કે જયપ્રકાશજી કે તેમનાં પત્ની ઉષ્ાાજીને કેન્સરનું નિદાન થયું ત્યારે ખાન-પરિવાર સતત તેમની સાથે ઊભો રહેલો. ફિલ્મ વિતરણમાં દેણું થઈ ગયું ત્યારે ગુમાવ્યા છે ત્યાંથી જ પૈસા આવશે એમ કહીને સલીમ ખાનસાહેબે જયપ્રકાશજી સાથે પાર્ટનરશિપ કરીને (એંસી ટકાનો શૅર તેમનો) તેમને દેવાના ડુંગરની નીચેથી કાઢયા હતા.
સલમાન ખાનની બોડીગાર્ડ ફિલ્મના સંવાદ, દશ કા દમની ત્રણેય સીઝન અને બિગ બોસની ચોથી સીઝન લખનારા આ જયપ્રકાશ ચૌક્સેજીના ઈન્દોરના ઘરની બહાર એક તક્તી છે, જેના પર લખવામાં આવ્યું છે : આ ઘરનાં તમામ પાત્રો કાલ્પનિક છે.
ઓવર ટૂ જયપ્રકાશ ચૌક્સે.
એકધારું પચ્ચીસ વર્ષ્ા સુધી, એક જ અખબારમાં, એ પણ દરરોજ
ફિલ્મની કોલમ લખવી એ જેવુંતેવું કામ તો નથી જ, બલકે અપનેઆપમાં એ એક રેકોર્ડ બે્રક (શબ્દ-સિનેમાનો) યજ્ઞ છે. જયપ્રકાશ ચૌક્સેજીના નામે હવે એ દર્જ થઈ ગયો છે.
ફિલ્મોના આકંઠ અભ્યાસુ, ફિલ્મ વિતરક અને રાજ કપૂર-સલીમ ખાન સાથે અત્યંત નિકટતમ સંબંધ ધરાવતા જયપ્રકાશ ચૌક્સેજીની પરદે કે પીછે કોલમના નિયમિત વાચકો જાણે છે કે તેઓ એક ચિંતક અને દાર્શનિકની જેમ ફિલ્મોને સાંકળી લઈને બુદ્ધિગમ્ય રીતે એ કોલમ લખતા.
પરદે કે પીછે કોલમનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઈમ્પેક્ટ પણ જબરો પડતો હતો અને એટલે જ ડૉ. ઋતુ પાંડે શર્માએ તેમને મળીને, તેમના જ શબ્દોમાં લખેલી અને જાન્યુઆરી ર૧માં પ્રગટ થયેલી તેમની જીવનકથાનું નામ જયપ્રકાશ ચૌક્સે: પરદે કે સામને આપવામાં આવ્યું છે. બેશક, આ મહાન જીવનકથાની કેટેગરીમાં મૂકી શકાય તેવું પુસ્તક નથી પણ જયપ્રકાશજીએ તેમાં લેખિકા સાથે શૅર કરેલા કિસ્સા અને વાતો નિ:સંકોચ રસપ્રદ છે. આપણે આવા કિસ્સાઓનો કસુંબો પીવો છે…
કિસ્સો પ્રથમ: શાયદ ફિલ્મ અને આર. ડી. બર્મન
૧૯૭૯માં આવેલી શાયદ ફિલ્મ નસીરુદ્દીન શાહ અને ઓમપુરીની બીજી જ ફિલ્મ હતી. એ પહેલાં બન્નેની ગોધૂલી ફિલ્મ આવેલી. જયપ્રકાશ ચૌક્સેજી શાયદના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા. તેમણે શાયદ માટે આર. ડી. બર્મનને સંગીતકાર તરીકે સાઈન કરેલા પણ પંચમે (આર. ડી.) જાણ્યું કે ફિલ્મનાં ગીતો કોઈ નવા ગીતકાર નિદા ફાઝલી અને વિઠ્ઠલભાઈ પટેલ (જૂઠ બોલે કૌઆ કાટે ) લખવાના છે તો તેમણે કહ્યું કે, ચૌક્સે તમે આનંદ બક્ષ્ાી જેવા જાણીતા ગીતકારને લો. હું નવા ગીતકાર સાથે કામ નથી કરતો. નવા ગીતકારોને ધૂન અને મીટરની ગતાગમ નથી હોતી… આવા ચક્કરમાં ન પડતા.
જયપ્રકાશજીએ પંચમદાના મિત્ર-અભિનેતા રણધીર કપૂરને કહ્યું એટલે પછી પંચમદા નિદા ફાઝલીને મળવા તૈયાર થયા પણ પ્રથમ મુલાકાતમાં જ નિદા ફાઝલીની સૂઝ-સમજ-સંગીતના જ્ઞાન અને શબ્દોથી પ્રભાવિત થઈ ગયા. નિદા ફાઝલીએ શાયદના ગીત એટલાં સરસ લખ્યાં હતાં કે રેકોર્ડિંગ પછી લતાજીએ ગીતકારને મળવાની ઈચ્છા પ્રગટ કરેલી એટલે જયપ્રકાશજીએ નિદા ફાઝલીનો લતા સાથે મેળાપ કરાવી દેવો પડ્યો હતો
કિસ્સો બીજો: પંચમ, લતા અને આશા ભોસલે
શાયદ ફિલ્મ માટે જયપ્રકાશજી પંચમદાને ઘેર મળવા જતાં ત્યારની જ આ વાત છે. આર. ડી. બર્મન ત્યારે હરજાઈ (રણધીર કપૂર) નું સંગીત પણ આપતા હતા. એક વખત આવી જ બેઠકમાં બિલ્ડિંગના વોચમેનનો ફોન આવ્યો કે, મેડમ (આશાજી)ની ગાડી આવી ગઈ છે એટલે… આર. ડી. બર્મને નવી ધૂન બનાવવાનું આટોપી લીધું.
જયપ્રકાશજીને વિચિત્ર લાગ્યું તેથી તેમણે કારણ પૂછ્યું. એ વખતે ખબર પડી કે મેડમ આવ્યાની જાણ કરવાની ખુદ પંચમદાએ જ તાકિદ કરી હતી. કારણ?
આશા જો આ ધૂન સાંભળે તો એ પોતે જ ગીત ગાવાનો આગ્રહ રાખશે પણ… આર. ડી. બર્મને કારણ જણાવતાં કહ્યું : હું આ ગીત લતા પાસે ગવડાવવા
માગુ છું, કારણકે આ ગીતમાં હળવું હાસ્ય પણ છે. આશા એમાં લાઉડ થઈ જવાની અને તો તો… ગીતનું સૌન્દર્ય જ ખતમ થઈ જાય યે આશા કે બસ કી બાત નહીં હૈ
– અને પછી? આશા ભોસલે જે દિવસે આઉટ ઓફ ટાઉન (મુંબઈ) હતાં ત્યારે તેમની ગેરહાજરીમાં પંચમે આ ગીત લતાજી પાસે રેકોર્ડ કરાવ્યું હતું
કિસ્સો ત્રીજો: ઈન્દોર, લતા અને ઉષા મંગેશકર
આજકાલ નાનાં શહેરોમાં શૂટ થયેલી ફિલ્મો પ્રેક્ષ્ાક સાથે વધુ કનેકટ
થઈને વધુ વેપાર કરતી થઈ ગઈ છે પણ જયપ્રકાશ ચૌક્સેજીએ ૧૯૭૮માં આખી શાયદ ફિલ્મનું શૂટિંગ ઈન્દોરમાં કરાવ્યું હતું. પરિણામ પછીના વરસે જ મળી
ગયું હતું.
ત્રણ લાખમાં બનેલી શાયદ ફિલ્મનું ઈન્દોરનું જ કલેકશન ત્રણ લાખ રૂપિયાનું થયું હતું… ખેર, આ ફિલમમાં ચૌક્સેજીએ કવિ દુષ્યંતકુમારની એક કવિતાને ગીત તરીકે લીધી હતી અને એ લતા મંગેશકર ગાવાનાં હતાં. યોગાનુયોગ એ થયો કે રેકોર્ડિંગના દિવસે જયપ્રકાશ ચૌક્સે ઈન્દોરમાં હતા, પાછળથી દુષ્યંતકુમારની કવિતાનું રેકોર્ડિંગ થયું.
ચૌક્સેજી આવ્યા એટલે સંગીતકાર માનસ મુખર્જી (ગાયક શાનના પિતા) એ ગીત સંભળાવ્યું તો એ ઉષ્ાા મંગેશકરના અવાજમાં હતું.
અપસેટ થઈ ગયેલા જયપ્રકાશજીએ કારણ પૂછ્યું ત્યારે સંગીતકાર માનસ મુખર્જીએ કહ્યું : હું તો રેકોર્ડિંગ માટે લતાજીને જ લેવા ગયેલો પણ લતાજીએ કહ્યું કે, મારું ગળું ખરાબ છે… ઉષ્ાા (મંગેશકર) ને લઈ જાવ.
એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ચૌક્સેજીનો અણગમો લતાજી સુધી પણ પહોંચ્યો હતો.
એક વખત તેઓ રાજ કપૂરને મળવા આવેલા ત્યારે ચૌક્સે પણ હાજર હતા. તેમનો પરિચય જાણ્યા પછી લતાજી વાતચીત વગર ચાલ્યાં ગયાં એટલે
ચૌક્સેજીએ શાયદ ફિલ્મના ગીતની આખી વાત કરી. સાંભળીને રાજ કપૂર
બોલેલાં: હવે લતાજી કાયમ તમારાથી નારાજ જ રહેશે. વધુ રસપ્રદ કિસ્સા આવતા અઠવાડિયે. (ક્રમશ:)

RELATED ARTICLES

Most Popular