આખું અંબર થાતું ઝુમ્મર અત્તર ગંધિત તારા,ગીત ઈરાની ગાતા કોઈ મત્ત અફીણી વાયરા

વીક એન્ડ

ઝાકળની પ્યાલી-ડૉ. એસ. એસ. રાહી

તું ક્યાં હતો?
સાવંત,
કેટલાં વર્ષ બાદ આજે તું મને મળે છે!
સ્વરાજ આવ્યું અને જૂનું ય થઈ ગયું.
‘ચલે જાઓ’ના નારા લગાવતો
તારો અસ્સલ ડોસો ક્યારનોય શાંત થઈ ગયો.
સવારે… બપોરે તું તો ક્યાંય દેખાયો નહિ
સિંહાસનો ફરી ફરી ભરાયાં,
ફરી ફરીથી ખાલી થયાં
મહેફિલમાં તારું ઠેકાણું નહિ!
સાચું કહું! હું ય તને ભૂલી ગયો…
અને હવે આજે તું હાજર.
સાવંત,
તું ક્યાં હતો?
– વસંત બાપટ (અનુ. વસંત જોષી)
“હું કવિતા શા માટે લખું છું એ પ્રશ્ર્નનો ચોક્કસ જવાબ હું આપી શકતો નથી. એનો અર્થ એવો કે મારી કાવ્ય વિશેની ભૂમિકા વારંવાર બદલાતી આવી છે. એટલું જ નહિ, પણ એક સમયે એક ભૂમિકા સાચવતાં મને ફાવ્યું નથી. રોમેં રોલાંએ કહ્યું હતું તેમ મારે લખવું જ પડે છે તેથી હું લખું છું, એવો ‘જ’વાળો જવાબ હું આપી શકું, પણ એ સો ટકા સાચો નહિ હોય. એટલું ચોક્કસ કે છંદમાં બોલવાનો છંદ મને શરૂઆતથી છે. મારી ઉંમર છ-સાત વર્ષની હતી ત્યારથી જ લયબદ્ધ રચનાની રમત મારા મનમાં શરૂ થઈ. કવિને પ્રતીત થતાં લયનાં ભિન્ન રૂપ એટલે છંદ.
વરિષ્ઠ મરાઠી કવિ શ્રી વસંત બાપટે પોતાની સર્જન પ્રક્રિયા વિશે ખૂબ વિસ્તારથી વાત કરી છે. કવિશ્રી ઉમાશંકર જોશીએ ઈ.સ. ૧૯૭૭માં મરાઠી કવિતાને ગુજરાતી ભાષામાં લાવવાનો પડકાર ઝીલી લીધો હતો.
આ શ્રેણીમાં તેમણે ગ્રેસ, વિંદા કરંદીકર, આરતી પ્રભુ, મંગેશ પાડગાંવકર, પુ. શિ. રેગે, નારાયણ સુર્વે અને વસંત બાપટની ચુનંદી કવિતાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા તેનું પ્રકાશન કર્યું હતું. વસંત બાપટનાં નોંધપાત્ર કાવ્યસંગ્રહો ‘વિજલી’ (૧૯૫૨), ‘સેતુ’ (૧૯૫૭), ‘અકરાવી દિશા’ (૧૯૬૨), ‘સકીના’ (૧૯૭૫) અને ‘માનસી’ (૧૯૭૭)માંથી કુલ ૨૦ શ્રેષ્ઠ કાવ્યો પુસ્તકમાં ગ્રંથસ્થ કરાયાં છે.
આ કવિનું મૂળ નામ વિશ્ર્વનાથ વામન બાપટ છે અને તેઓ વસંત બાપટના ઉપનામથી જાણીતા થયા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ ગામે ૨૫ જુલાઈ, ૧૯૨૨ના રોજ તેમનો જન્મ થયો હતો. આમ ૨૦૨૨નું વર્ષ તેમની જન્મશતાબ્દીનું વર્ષ ગણાય. તેમણે ઈ.સ. ૧૯૪૮માં પૂનાની પરશુરામભાઉ કૉલેજમાંથી મરાઠી અને સંસ્કૃત સાહિત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તે પછી તેમણે ઈ.સ. ૧૯૭૬ સુધી મુંબઈની નેશનલ કૉલેજમાં અને રામનારાયણ રૂઈયા કૉલેજમાં સંસ્કૃત અને મરાઠીના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. ઇ. સ. ૧૯૭૪થી ૧૯૮૨ સુધી તેઓ મુંબઇ યુનિવર્સિટી સાથે સંકળાયેલા રહ્યા હતા. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના તુલનાત્મક સાહિત્યના પ્રોફેસર તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. તેમણે ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. ૧૯૮૩થી ૧૯૮૮ સુધી તેમણે સમાજવાદી સામયિકના સંપાદક તરીકે કામ કર્યું હતું.
ઈ.સ. ૧૯૬૯ની સાલમાં યુગોસ્લાવિયામાં ઈન્ટરનેશનલ પોએટ્રી કૉન્ફરન્સ યોજાઈ હતી. તેમાં આ કવિએ ભારતના પ્રતિનિધિ કવિ તરીકે ભાગ લીધો હતો. નવી દિલ્હીની સાહિત્ય અકાદમીના સભ્ય તરીકે તેમણે ૧૦ વર્ષ સેવાઓ આપી હતી. દિલ્હીની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કૉમ્યુનિકેશન અને મહારાષ્ટ્રની સંગીત નાટક અકાદમીના જાગ્રત સભ્યપદે પણ તેઓ રહ્યા હતા.
જલગાવ, મુંબઈ, દક્ષિણ મહારાષ્ટ્ર અને અન્ય સ્થળોએ યોજાયેલ પ્રાદેશિક સાહિત્યના સંમેલનમાં આ સર્જકે પ્રમુખપદ શોભાવ્યું હતું. ઈ.સ. ૧૯૯૯માં મુંબઈમાં આયોજિત સાહિત્ય સંમેલનમાં તેઓ અધ્યક્ષ હતા. તેમણે ૧૯૬૦-૭૦ના દાયકામાં મહારાષ્ટ્રનાં વિવિધ નગરોમાં શ્રી વૃંદા કરંદીકર અને મંગેશ પાડગાંવકર જેવા માતબર કવિઓની સંગાથે કાવ્યપઠનના કાર્યક્રમો કર્યા હતા. તેઓ ‘મુરગી ક્લબ’ નામક સાહિત્યવર્તુળ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા. આ વર્તુળની ગોષ્ઠીમાં કવિતાનું આદાન-પ્રદાન થતું હતું.
૧૭ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ ટૂંકી માંદગી બાદ પૂનામાં તેમનું અવસાન થયું હતું. જેમનું કાવ્યયોગદાન મુઠ્ઠી ઊંચેરું ગણાય છે તે મરાઠી કવિ વસંત બાપટની કાવ્યસૃષ્ટિમાં રસ, કલ્પના અને ભાવનાનું સંયોજિત રસાયણ માણવા મળે છે. તેમાં કવિની જીવનદૃષ્ટિની સાથે ભાવવિશ્ર્વની નૂતનતા ય અનુભવવા મળે છે. તેમની એક દીર્ઘ કવિતાનો આરંભનો ટુકડો લેખની શરૂઆતમાં મૂક્યો છે. આ કવિતામાં કવિએ રાજકીય-સામાજિક નિરૂપણ કર્યું છે. તેમાં કવિની મર્માળી વક્રરીતિનો ય અનુભવ થાય છે. આ કવિ પાસે કાવ્યબાની અને લયતત્ત્વની માવજત કરવાનો ઈરાદો હતો અને સાહજિક કસબ હતો. તેમાં તેઓ ઘણે અંશે સફળ રહી કાવ્યકર્મ કર્યું છે. ‘મૂંગી મૂંગી રાત’ શીર્ષકવાળી કવિતાનો ટૂંકો લય ભાવકોના હૃદયમાં લાંબી અસર છોડી જાય છે.
***
મૂંગી મૂંગી રાત
સૂકી સૂકી રેતી
વાયરો હળુ હળુ.
ઢંકાયેલું બિંબ
ઝૂકેલાં મોજાં
ટીપું ટીપું કાંટો.
પાન ખરેલી નારિયેળી
પડેલા સઢ
રોકાયેલા શબ્દ.
નીંદરાયાં આંસુ
થાકી ગયા શ્ર્વાસ
સૂનું આસપાસ.
મૂંગી મૂંગી રાત
ફીકો ફીકો સાજ
કાં રે આવું આજ?
* * *
આમ, આ કવિતાનાં લય-ચિત્રોમાંથી મૂંગી રાતનો બોલાશ પણ સાંભળવા મળે છે. રાત્રિનાં વિવિધ દૃશ્યોને અહીં એક માળામાં સર્જન કરાયું છે. તેના તાણાવાણા કવિતાપ્રેમીઓને આકર્ષક લાગ્યા વગર રહેતા નથી. ચમકદાર કલ્પના અને નાદમધુર શૈલીને લીધે આ નાનકડી કવિતા હૃદયસ્પર્શી બની રહે છે.
‘ઝેલમનાં આંસુ’ અને ‘અગિયારમી દિશા’ એ બંને કાવ્યોમાં મહારાષ્ટ્રના અને ભારતના ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનનાં અંગઉપાંગોની વાત ગૂંથવામાં આવી છે. આ કાવ્યોમાં સર્જકે ભાવસંબંધોની માળા ગૂંથી કવિતાને નવી દિશા આપી છે.
‘કૉમરેડ્ઝ’ નામની કવિતા આ કવિના કવિતાકર્મને ઊંચા સ્થાને લઈ જાય છે. સાંપ્રત પરિસ્થિતિની સભાનતા અને તીવ્રતા તેમાં કવિતાતત્ત્વ સમેત વ્યક્ત થઈ છે. આ કવિતાનો આરંભ જુઓ:
કૉમરેડ્ઝ,
તમે અંધકારના પહાડ
તોડી રહ્યા છો,
દિલ ફાટી જાય છે તમારાં,
કૉમરેડ્ઝ,
કાલિમાતાના ભક્તના હાથમાંના
પલિતા જેવું
ભડકે બળે છે તમારું જીવન.
આ રચનામાં હથોડો, ગણવેશ, ટોપી, ખીલાવાળા બૂટનો ઉલ્લેખ એક વાતાવરણ ઊભું કરે છે. આ રચનાનો અંતિમ ટુકડો કેટલાક સવાલો લઈને આવે છે. એ સવાલોના ઉત્તરો શું કવિ પાસે હશે? જુઓ:
કૉમરેડ્ઝ, તમે મારે ખાતર શું કરશો?
બે ક્રાન્તિગીત પછી એકાદ શૃંગારગીત ગાશો?
સંગીનોને ધાર કરતા હો ત્યારે સુરીલી સીટી વગાડશો?
પૂરા તાપમાં સાત ડુંગર ઓળંગ્યા પછી
ચાંદનીના તળાવમાં એકાદ વાર તરવા પડશો?
ચોમાસાની કોઈ સાંજે સિતાર સાંભળશો?
કૉમરેડ્ઝ,
તમે મારે ખાતર કોક વાર મેઘદૂત વાંચશો?
અષાઢને પ્રથમ દિવસે તમે વરસાદમાં નાચશો?
કોક વાર આટલું કરજો…
દૂર રાખો જરા તમારું બખ્તર.
બાળકોના નિર્દોષ આનંદથી એક વાર રમશો?
પ્લીઝ, કૉમરેડ્ઝ, પ્લીઝ…
જરા મારામાં વિશ્ર્વાસ રાખો,
માણસમાં વિશ્ર્વાસ રાખો…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.