કવર સ્ટોરી-દર્શના વિસરીયા
૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘મૅરી કોમ’ તો યાદ હશે જને અને યાદ ન હોય એવું બને પણ કેમ? ભારતીય મહિલા બૉક્સર મૅરી કૉમની બાયોપિક હતી આ ફિલ્મ અને દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ મૅરી કૉમના સંઘર્ષને પડદા પર જીવંત કર્યો હતો… હવે તમને થશે કે આજે તો લાડકી પૂર્તિનો દિવસ છે અને ક્યાં ફિલ્મી ગપશપ અહીંયાં માંડી… નક્કી કંઈક લોચો મરાયો છે. જો તમારા મનમાં આ બધા વિચારો ચાલી રહ્યા હોય તો બૉસ એવું કંઈ જ નથી. આ તો આજે આપણે અહીં જે પર્સનાલિટી વિશે વાત કરવાના છીએ એ પર્સનાલિટીએ આ ફિલ્મથી પ્રેરાઈને જ બૉક્સિગં રિંગમાં ઊતરવાનું નક્કી કર્યું હતું એટલે. ગયા મહિને કઝાખિસ્તાન ખાતે યોજાયેલી એલોર્ડા ચેમ્પિયનશિપમાં નાગપુરની અલિફિયા પઠાણે ૮૧ કિલો વેઈટ ગ્રુપમાં વર્લ્ડ ચેમ્પિયન લઝ્ઝત કુંગઈબોયને ૫-૦થી પરાજિત કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો ત્યારે તેની ગેમ વિશે કોઈના મનમાં કોઈ પણ પ્રકારની શંકા રહી નહીં. ૧૯ વર્ષીય અલિફિયાની જિંદગીનો આ સૌથી મહત્ત્વનો માઈલસ્ટોન હતો, પણ આજે રિંગમાં પોતાના નામનો ડંકો વગાડનારી અલિફિયાએ સ્વપ્નેય નહોતું વિચાર્યું કે તે રિંગમાં પગ મૂકશે અને બૉક્સિગં ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવશે…
‘મારો ભાઈ શાકિબ બોક્સિગં કરતો હતો અને તે જ્યારે રિંગમાં બૉક્સિગં કરતો ત્યારે હું તેને જોઈ રહેતી. મારાથી બે મોટા ભાઈ છે. શાળામાં હતી ત્યારે સ્કેટિંગ, ગોળા ફેંક, ડિસ્ક થ્રો, બેડમિન્ટન જેવા અલગ અલગ સ્પોર્ટ્સ પર હાથ અજમાવ્યો, પણ ક્યાંય કંઈ ખાસ મેળ પડતો નહીં. બે વર્ષ કરતાં લાંબા સમય સુધી હું નાગપુરના માણકપુર ખાતે આવેલા ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાઈ શાકિબ સાથે જતી હતી. મારા બેડમિન્ટનના ક્લાસ પૂરા થાય એટલે હું ભાઈ શાકિબને બૉક્સિગં કરતો જોતી. એક દિવસ અચાનક જ ભાઈના ટ્રેઈનર ગણેશ પુરોહિત મારી પાસે આવ્યા અને તેમણે મને સવાલ કર્યો કે તને બૉક્સિગં કરવાનું ગમશે કે? મારી હાઈટ અને સુદૃઢ શરીર સૌષ્ઠવને કારણે તેમને લાગ્યું કે હું સારી બૉક્સર સાબિત થઈશ. એ જ સમયગાળામાં ભારતીય મહિલા બૉક્સર મૅરી કૉમની બાયોપિક રિલીઝ થઈ હતી અને મને લાગ્યું કે મારે બૉક્સિગંમાં હાથ અજમાવવો જોઈએ. મૅરી કૉમ અને મારા જીવનમાં એક જ સામ્યતા હતી અને એ એટલે મૅરી કૉમના કોચે તેમના પર અપાર વિશ્ર્વાસ રાખ્યો હતો અને મારા કોચને પણ મારા પર પારાવાર વિશ્ર્વાસ હતો, જે મારા માટે મહત્ત્વનું હતું,’ એવું કહે છે અલિફિયા.
બૉક્સિગં રિંગમાં ઊતરવાનો નિર્ધાર તો કરી લીધો, પણ ખરી લડાઈ હવે શરૂ થવાની હતી અલિફિયા માટે. ઘરના લોકોને જ્યારે અલિફિયાએ જણાવ્યું કે તેને બૉક્સિગં કરવી છે તો તેઓ ખાસ કંઈ રાજી થયા નહીં અને માતા-પિતા પણ દીકરીને આ ક્ષેત્રે આગળ વધવા દેવા રાજી નહોતાં, પણ અલિફિયાએ હાર ન માની અને તેણે રડીને, જીદ કરીને પિતા પાસેથી બૉક્સિગં માટેની પરવાનગી મેળવી લીધી.
વાતનો દોર આગળ વધારતાં અલિફિયા જણાવે છે કે ‘મુસ્લિમ સમાજમાં મહિલાઓને સ્પોર્ટ્સમાં આગળ નથી વધવા દેવાતી અને તેમાં પણ બૉક્સિગં જેવા મેલ ડોમિનેટિંગ સ્પોર્ટ્સમાં તો જરાય નહીં. સગાં-સંબંધીઓએ પણ સમર્થન ન આપ્યું અને હું બૉક્સિગં રિંગમાં ન ઊતરું એ માટે શક્ય તે બધા જ પ્રયાસો તેમણે કરી લીધા. દોઢ અઠવાડિયાની કવાયત બાદ આખરે પપ્પાનો વિચાર બદલાયો અને તેમણે મને બૉક્સિગં રમવાની પરવાનગી આપી. તમને કદાચ ગાંડપણ લાગશે, પણ આ ફેક્ટ છે અને તમારી સાથે પણ આવું થયું હશે બાળપણમાં કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણાં મોટાં ભાઈ-બહેન જે કંઈ કરે એ જ તમારે કરવું કે બનવું હોય છે. મારી સાથે પણ આવું જ થયું. મારો ભાઈ બૉક્સિગં કરે છે એટલે ક્યાંક ને ક્યાંક મનમાં ભાઈની જેમ જ બૉક્સર બનવાની ઈચ્છા તો હતી જ અને એ ઈચ્છાને જગાડી એમના જ કોચે.’
પપ્પાની પરવાનગી લઈને અલિફિયાએ ઔપચારિક ટ્રેઈનિંગ શરૂ કરી. તેના પિતા અક્રમ પઠાણ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. ટ્રેઈનિંગ હોય કે કોમ્પિટિશન, તેઓ અલિફિયાની સાથે હંમેશાં જાય છે. પોતાની દીકરી સાથે જઈ શકાય એ માટે અક્રમ પઠાણે નાઈટ શિફ્ટ કરી અને સાથે સાથે કુટુંબની જવાબદારીઓ તો ખરી જ! ‘મારી કરિયર બનાવવામાં મારા પિતાનો ખૂબ જ મહત્ત્વનો રોલ છે,’ એવું જણાવે છે અલિફિયા. અલિફિયા પાસે તાકાત અને ગુણવત્તા હતી અને શીખવા માટેની ખંત પણ તેનામાં હતી. કોચ જે કંઈ પણ શીખવાડે કે સમજાવે એનું અક્ષરશ: પાલન કરતી તે અને તેની સૌથી બેસ્ટ ક્વૉલિટી એટલે ટ્રેઈનરે આપેલું કામ પૂરું થાય એટલે તેનો એક જ સવાલ હોય કે ‘હવે આગળ શું કરું?’. અલિફિયા લેફ્ટી છે અને આપણી પાસે લેફ્ટહેન્ડેડ બૉક્સર એ ખૂબ જ દુર્લભ છે. આટલું ઓછું હોય તેમ તે જે વેઈટ ગ્રુપમાંથી રમે છે એ ગ્રુપમાં તો આવી મહિલા ખેલાડી મળવી ખૂબ જ મુશ્કેલ છે. ભારતને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ સિદ્ધિ મળી છે તે મુખ્યત્વે લાઈટ વેઈટ ગ્રુપમાં મળી છે, પછી એ મૅરી કૉમ હોય કે નિખત ઝરીન… બંનેએ સરખામણીએ લાઈટ વેઈટ ગ્રુપમાં જ સફળતા મેળવી છે.
અલિફિયાને હંમેશાં બેસ્ટ ટ્રેઈનિંગ મળે એ માટે તે છોકરાઓ સાથે રમતી. હંમેશાં જ તેને તેની ઉંમર કરતાં મોટા એજ ગ્રુપમાં રમવું પડતું, કારણ કે તેને તેના વજન જેટલા ખેલાડીઓ તેના એજ ગુ્રપમાં મળતા જ નહીં. અલિફિયાને યુ-૧૭ ગુ્રપમાંથી રમવું પડતું, જ્યારે કે યુ-૧૪ એજ ગુ્રપમાં આવતી હતી. ‘૨૦૧૬માં હું અનુભવી બૉક્સર્સની સામે લડી શકું છું એવો વિશ્ર્વાસ મારા ટ્રેઈનર પુરોહિતે મારા પપ્પા અને પરિવારના લોકોને આપ્યો અને એ જ વર્ષે યોજાયેલી જુનિયર નેશનલ કોમ્પિટિશનમાં હું વિજેતા થઈ અને મારી લાઈફનો પહેલો સિલ્વર મેડલ મળ્યો મને. નાગપુરમાં બૉક્સિગં માટે આવશ્યક પાયાભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે, પણ આ શહેરમાં બૉક્સિગં માટે જોઈએ એવો પ્રેમ નથી. હરિયાણામાં જે રીતે બૉક્સરનું ઘડતર થાય છે એવું અહીં નથી થતું. નેશનલ્સમાં હરિયાણાના ખેલાડી સામે ઊતરતી વખતે હું થોડી નર્વસ હતી, પણ મને મારી જાતને પુરવાર કરવાની હતી. મારા માટે એ ક્ષણ મહત્ત્વની હતી, હું ગોલ્ડ મેડલની નજીક પહોંચી ગઈ હતી. મારી પાસે ખાસ કોઈ અનુભવ નહોતો, તેમ છતાં હું પહેલી કૉમ્પિટિશનમાં મેડલની હકદાર બની. એ વખતે મને ખ્યાલ આવ્યો કે હું આ જ સ્પોર્ટ્સમાં મારી કરિયર બનાવીશ,’ એવું વધુમાં જણાવે છે અલિફિયા પઠાણ.
નેશનલ લેવલ પર બેસ્ટ પર્ફોર્મ કર્યા બાદ ૨૦૧૯માં ઈન્ટરનેશનલ લેવલ પર તેણે પોતાના નામનો ડંકો વગાડ્યો અને સિલ્વર મેડલને ગોલ્ડમાં ક્ધવર્ટ કર્યો. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે આ વજન જૂથમાં મેડલ્સ મળવા એ ખરેખર સુખદ ઘટના છે. અંતમાં અલિફિયા એટલું જ કહે છે કે ‘અધિક વજનવાળા જૂથમાં પણ ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શકે છે અને એ સિદ્ધ મેળવી આપવા હજી મારે ઘણાં સોપાનો સર કરવાનાં છે. એલોર્ડા ચેમ્પિયનશિપમાં મળેલા ગોલ્ડ મેડલથી આ સફરની શરૂઆત થઈ ચૂકી છે… બાકી તો દિલ્લી અભી દૂર હૈ જનાબ!’
આપણે ભારતની આ દીકરી વધુ ને વધુ સિદ્ધિનાં શિખરો સર કરે એવી શુભેચ્છા પાઠવીએ અને આગામી મેચ માટે ઓલ ધ વેરી બેસ્ટ અલિફિયા…