મુંબઇ: અલીબાબા ગ્રુપે પેટીએમની પેરેન્ટ કંપની વન-૯૭ કમ્યુનિકેશન્સમાં તેની ભાગીદારી હેઠળના ૩.૧ ટકા શેર બલ્ક ડીલમાં વેચી દીધા હોવાના અહેવાલ વચ્ચે પેટીએમના શેરમાં કડાકો નોંધાયો હતો. જોકે, આજના સત્રમાં અફડાતફડી બાદ આ શેર સુધારા સાથે બંધ રહ્યો છે.
અહેવાલ અનુસાર પેટીએમના ૧૨૫ મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. ૧,૧૨૫ કરોડના શેર અલીબાબા ગ્રુપની કંપની એન્ટ ફાઈનેન્શિયલે બલ્ક ડીલમાં વેચી દીધા છે. એન્ટ ફાઈનેન્શિયલે ઈન્ડિયન ડિજિટલ પેમેન્ટ એન્ડ ફાઈનેન્શિયલ સર્વિસિસ કંપની પેટીએમના ૨ કરોડ શેર ૫૩૬.૯૫ રૂપિયા પ્રતિ શેરના હિસાબે વેચ્યા છે.
આ અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૨માં પેટીએમમાં અલીબાબા ગ્રુપની ૬.૨૬ ટકા ભાગીદારી હતી. અલીબાબાની ભાગીદારી વેચવાના કારણે પેટીએમના શેરમાં ગુરૂવાર, ૧૨ જાન્યુઆરીએ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પેટીએમના શેર ૬.૧૬ ટકા એટલે ૩૬.૯૦ રૂપિયા ગબડીને ૫૪૨.૨૫ રૂપિયા પર બંધ થયા હતા. શુક્રવારના સત્રમાં આ શેર રૂ. ૫૩૩.૫૫ની નીચી સપાટીને અથડાઇને અંતે ૩.૨૫ ટકાના સુધારા સાથે રૂ. ૫૫૯.૯૦ની સપાટીએ સ્થિર થયો હતો.
પેટીએમની ઈશ્યૂ પ્રાઈસ રૂ. ૨,૧૫૦ હતી. આ શેરથી રોકાણકારોને ભારે નુકસાન પહોંચ્યું છે. કંપનીના બોર્ડે તાજેતરામાં જ રૂ. ૮૫૦ કરોડ રૂપિયાના શેરની બાયબેક સ્કીમની અનાઉન્સમેન્ટ કરી હતી. આ શેર બાયબેક ઓપન માર્કેટ રૂટ દ્વારા થશે. પેટીએમના ૨.૫ બિલિયન ડોલર એટલે રૂ. ૨૦,૩૬૧ કરોડનો આઇપીઓ નબેમ્બર ૨૦૨૧માં આવ્યા હતા. એ સમયે આ દેશનો સૌથી મોટો આઇપીઓ હતો.