બે મહિનામાં આ વિસ્તારોમાં થશે વિસ્ફોટની ધમકી એટીએસ હરકતમાં
મુંબઈઃ 26મી જાન્યુઆરી નિમિત્તે પડોશી દેશની સરહદ નજીકના રાજ્યના મહત્ત્વના શહેરોમાં આતંકવાદી હુમલો કરવાની દહેશતને લઈ ગુપ્તચર એજન્સીએ એલર્ટ જાહેર કર્યાના અહેવાલ વચ્ચે મુંબઈ શહેરમાં વર્ષ 1993ના માફક આતંકવાદી હુમલો કરવાના એક કોલથી રવિવારે મુંબઈનું સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે.
દેશના આર્થિક પાટનગર મુંબઈમાં 1993ના માફક બોમ્બ વિસ્ફોટ કરવાનો રવિવારે એક કોલ આવ્યો હતો. એક શખસે પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરીને શહેરના અનેક વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે તથા તેના માટે લોકોને બોલાવવામાં આવ્યા છે. અજાણ્યા નંબર પરથી આવેલા કોલને કારણે સુરક્ષાને મુદ્દે મુંબઈ પોલીસ સુરક્ષા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ને પણ આ કોલની જાણકારી આપી છે, ત્યાર બાદ એટીએસ પણ સક્રિય થઈ ગયું છે.
ટોચના અધિકારીએ આપેલી માહિતી અનુસાર મુંબઈ પોલીસના કંટ્રોલરુમમાં આવેલા કોલમાં દાવો કરવામાં આવ્યો છે કે બે મહિનામાં મુંબઈના માહિમ, ભિંડી બજાર, નાગપાડા અને મદનપુરા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ થશે. આ શખસે કરેલા કોલને કારણે મુંબઈ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે તથા કોલ કરનારાને ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેના ભાગરુપે એટીએસે એક શખસની ધરપકડ કરવામાં આવી છે. એટીએસે મુંબઈના મલાડના પઠાનવાડી વિસ્તારમાંથી અટક કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ધમકીભર્યા કોલથી મહારાષ્ટ્ર એટીએસ એક્ટિવ થઈ ગઈ છે, જેમાં એક વ્યક્તિની અટક કરી છે, પરંતુ હજુ સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે આ કોલ કોના કહેવાથી કર્યો છે અને શા માટે કર્યો હતો. વધુ પૂછપરછ માટે એ શખસને એટીએસે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે, એવું પોલીસે જણાવ્યું છે.