આલ્કોહોલ: એની અતિ, આપણી ઈતિ

પુરુષ

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં દારૂ પીવા માટે પરમિટ લેવી પડે છે અને એ પરમિટનાં અત્યંત આકરાં ધારાધોરણો છે. યેનકેનપ્રકારેણ એ પરમિટ મળે છે ત્યાર પછી જે પરમિટ પેપર આપવામાં આવે છે એના ફ્રન્ટ પેજ પર લખવામાં આવ્યું હોય છે કે નશો નાશનું મૂળ છે! જોકે આ વાતને અહીં કોઈ રાજકીય કે કાયદાકીય દૃષ્ટિકોણ સાથે નિસ્બત નથી, પરંતુ આ વાત યાદ એટલા માટે આવી કે હાલમાં એક જગ્યાએ એમ વાંચવા મળ્યું કે ‘મેન હેવ હાયર રેટ્સ ઑફ આલ્કોહોલ રિલેટેડ હોસ્પિટલાઈઝેશન્સ ધેન વુમન’ અને મનમાં વિચાર આવ્યો કે આલ્કોહોલની અતિ પુરુષ માટે કેવી કેવી મુસીબતો નોતરતી હશે?
તો જાણવા મળ્યું કે ડ્રન્ક એન્ડ ડ્રાઈવમાં થતા ઘાતક અકસ્માતોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ જીવ પુરુષોના ગયા છે. એટલે કે આલ્કોહોલનું વધુ પ્રમાણ કે આલ્કોહોલ લીધા બાદ લેવાતી કાળજીનો અભાવ પુરુષોના જીવ પર સીધી રીતે અસર કરે છે. તો એક રિસર્ચ એમ કહે છે કે વિશ્ર્વભરમાં પુરુષો સ્ત્રીઓની સરખામણીમાં લગભગ બેગણું વધુ દારૂનું સેવન કરે છે, જેને કારણે પુરુષો પર પ્રોસ્ટેટ, ગળા, આંતરડાં કે પછી યકૃતના કેન્સરનો ભય સતત તોળાતો રહે છે. વળી, અપ્રમાણસર આલ્કોહોલ ક્ધઝમ્પશન પુરુષની ઈમ્યુન સિસ્ટમ પર પણ અત્યંત મોટી અસર કરે છે, જેને કારણે પુરુષ સતત અમુક બીમારીઓનો ભોગ બનતો રહે છે.
તો અતિશય આલ્કોહોલનું સેવન કે વહેલી ઉંમરથી શરૂ થઈ જતું આલ્કોહોલનું સેવન ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન અને ઈનફર્ટિલિટીને પણ નોતરે છે, જેનાથી પુરુષની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ જાય છે. તો એ સિવાય પુરુષના વાળ ખરી જવા, સતત લાલચટક આંખો રહેવી કે પછી સ્કિન ડિસીઝ થવા પાછળ પણ બીજા કોઈ પણ કારણ કરતાં તેનું આલ્કોહોલનું સેવન થોડું વધુ જવાબદાર હોય છે. કેટલાક આંકડા તો કહે છે કે પુરુષોમાં મેદસ્વિતાનું કારણ પણ સીધી રીતે આલ્કોહોલ જ છે. અલબત્ત, જે સમૂળગું નથી પીતા એમને આમાંની એકેય વાત લાગુ પડતી નથી, પણ જેઓ જરા સરખું પણ પીએ છે કે અતિરેક કરે છે એમને જો ઉપર જણાવેલા પ્રોબ્લેમ્સ હોય તો તેમણે વિચાર કરવો રહ્યો કે તેમની એ સમસ્યામાં આલ્કોહોલ કેટલું જવાબદાર છે?
તો પછી કરવું શું? આલ્કોહોલનું પ્રમાણ ઓછું કઈ રીતે કરવું? કે પછી સમૂળગું એ બંધ કઈ રીતે કરવું? જોકે આ કંઈ એવો વિષય નથી કે આ વિશે પહેલાં ચર્ચા નથી થઈ. પહેલાં પણ આ વિશે અનેક ઉપાયો જણાવાયા જ છે અને પુરુષો જાણે પણ છે કે તેમનાથી વધુ આલ્કોહોલ લેવાય છે, પરંતુ તકલીફ એ છે કે બધું જાણવા છતાં તેઓ આલ્કોહોલ છોડી શકતા નથી. એક્સપર્ટ્સ કહે છે કે અત્યાર સુધીમાં પુરુષોએ આલ્કોહોલ છોડવાની કે ઓછો કરવાની જે ટ્રિક્સ અપનાવી છે એમાં તેઓ એકઝાટકે બધું બંધ કરવા ગયા છે, જેને કારણે તેમની બોડી કે માઈન્ડને એક
પ્રેક્ટિસ નથી પડતી અને પુરુષ રહી રહીને આલ્કોહોલ તરફ આકર્ષાય છે.
અંતત: એ ફરીથી વધુ પડતું પી નાખે છે અને બીજા દિવસે ફરીથી હેંગઓવરની સાથે તેની અંદર એક ગિલ્ટ પણ જન્મે છે કે તેનાથી ગઈ સાંજે વધુ આલ્કોહોલ લેવાઈ ગયું. વળી, એ બધામાં આલ્કોહોલના નશામાં તેનાથી કોઈક એગ્રેસિવ પગલું ભરાયું હોય, ઉચાટમાં કોઈને કંઈ કહેવાઈ ગયું હોય કે પછી કોઈક ગુનો થઈ ગયો હોય તો? તો પછી ભોગવ્યે જ છૂટકો. એના કરતાં વધુ આલ્કોહોલ લીધાની ગિલ્ટમાંથી સંપૂર્ણ મુક્ત રહીએ તો?
તો પછી એના માટે કેટલીક પ્રેક્ટિસ છે, જે પ્રેક્ટિસ આપણને વધુ આલ્કોહોલથી દૂર રાખે છે અથવા તો સંપૂર્ણ રીતે આલ્કોહોલમાંથી મુક્તિ અપાવે છે, પણ બસ, એમાં જરૂર છે આપણા થોડા એફર્ટ્સની જે એફર્ટ્સને આપણે રૂટિન બનાવીશું તો આપણે આલ્કોહોલની ગિલ્ટમાંથી કે તેનાથી થતી પરેશાનીઓથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકીશું. એના વિશે આપણે આવતા હપ્તે વાતો કરીશું. (ક્રમશ:)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.