અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા ગામે નાઈ/વાળંદ જ્ઞાતિમાં પુંજાભાઈ અને માતા ડોશીબાને ત્યાં જન્મ઼ એ સમયે બજાણા ગામ જીવણખાનના તાબામાં હતું. ઝબુબાઈના વિવાહ માંડલ(તા.વિરમગામ)ગામે થયેલા. અંગ્રેજી ભાષ્ાાનું ભણતર ભણેલા અને ભક્તિમાં લીન એવા ઝબુબાઈનો વિવાહસંબંધ વધુ ન ટક્યો. એ પોતાના પિતાને ત્યાં જ રહેતાં અને બજાણાની રાજકુંવરીઓને શિક્ષ્ાણ આપવા દરબારગઢમાં જતા. એક્વાર પીપળી ગામના પ્રજાપતિ ભક્તરાજ સવારામ બાપા (ફૂલગરજીના શિષ્ય) સાથે મેળાપ થયો અને સંતસાધનાની ગુદીક્ષ્ાા લીધી. જીવતરની અંતિમ અવસ્થા એમણે સત્સંગ, ભજનગાન, સંતવાણી સર્જન અને સંતસાધનામાં વિતાવેલી. એમના દ્વારા જ સંતકવિ સવારામદાદા રચિત સંતવાણી-ભજનોનો લિખિત સંગ્રહ કરવામાં આવેલો. સવારામબાપાની વાણીનો ભજનગાન દ્વારા પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય ઝબુબાઈને મળ્યું છે. સવારામબાપાની વાણી સાથે જ સંતકવયિત્રી ઝબુબાઈ રચિત પંદરેક જેટલી ભજનવાણી પણ પુસ્તક રૂપે સંકલિત થઈ છે અને લોકભજનિકોની કંઠસ્થ પરંપરામાં આજે પણ ગવાતી રહે છે. ( ઝબુબાઈ ઈ.સ.૧૯પપ સુધી હયાત હતાં એમ નોંધાયું છે.)
પીપળી ગામે આજે અતિ ભવ્ય રામદેવપીરનું મંદિર ઊભું છે અને એના લાખો અનુયાયી ભક્તો છે. ‘પીપળીએ પીરૂંના બેસણા… ’, ‘રાખ માં, રાખ માં, રાખ માં રે વહાલાનું રહેઠાણ રહેતું રાખ માં..’ , ‘મેરે સદ્ગુરુ દાતા દુ:ખમાં પોકારે દાસી તારી…’ , ‘ પારસને શું કરીએ રે, ગુરુજી મારા પૂરા મણિ….’, ‘પતિવ્રત પાળે તે પત્નીને ધન્ય જી, જેથી પ્રસન્ન પતિનું મન..’,‘હરિજનોએ માયા હરિને સોંપી રે, ભગતિની સારું,પોતે લજ્જાયું પોતાની લોપી રે ભગતિની સારૂ…’ ,‘સવારામ સંસારમાં આવ્યા અનેક જીવોને ચેતવ્યા..’ ‘સરવે સત માનજો રે,પ્રભુને વચન કહ્યું છે આવું..’, સાચા રે સંતોની ઉપર ભગતિ કેરો મોડ..’, ‘આવ્યો ખૂટલ પોરો ને વધ્યો ખેદ, બતાવે દુનિયા ડારો રે..’ ‘વહારે ઝટ આવો વીરમદેવજીના વીર, તિયાં છે સરવે સતિયુંના પીર..’, ‘ પ્રભુજી પધારો રે,વારૂં હવે કરોને વેલી..’(કાફી), ‘ બૂઝ ને ઝબૂકે જો વ્યાપક સારો, પ્રગટ છુપાણો નિજ નજરે આવે..’ , ‘માન બડાઈ તું મેલી દે બંદા સતગુરુ વિના સુખ નહીં થાવે..’ ઝબુબાઈના નાચરણથી મળતા સ્તુતિના ભુજંગી છંદો જેમાં ‘નમો શુદ્ધ સ્વરૂપ ગણેશ દેવા..’ રચનાઓ ગયાય છે.
પીપળી ગામે આવીને રામદેવજી મહારાજના ચરણમાં જ ઝબુબાઈએ સમાધિ લીધી ત્યારે એ પ્રસંગનાં કેટલાંક ભજનો પણ સવારામજીએ રચ્યાં છે. ઝબુબાઈની વિદાય પછી સવા ભગતે ગાયેલ ઉમાવ- ‘જી રે સતી તમે રણ વગડે જમડાથી માંડ્યો જુદ્ધ,મોતનો પિયાલો પીધો રે..’ , ‘ ઝબુ ઝબકારો થયો વીજનો, તેમાં પરોવી લીધું તેં મન મોતી…’
ઝબુબાઈના ગુરુ સવારામબાપા (અવ. ઈ.સ.૧૯૬૧)
ભક્ત કવિ. વીરમગામ પાસે નાનકડી જગ્યામાં ધૂંણી ધખાવીને રહેતા સ્વામી ફૂલગરજીના શિષ્ય. સાડા ત્રણસો જેટલાં ભજનોના રચયિતા સંતકવિ. સુરેન્દ્રનગરના જિલ્લાના પાટડી તાલુકાના પીંપળી ગામે પ્રજાપતિ કુંભાર જ્ઞાતિમાં કરસનભગત અને માતા કાશીબાને ત્યાં જન્મ઼ પત્ની : જમનાબાઈ, ગુરુ આજ્ઞાથી પીપળીમાં જ ઈ.સ. ૧૯૧૩માં સદાવ્રત શરૂ ર્ક્યુ. ઈ.સ. ૧૯૧૬માં રામદેવપીરનું મંદિર બંધાવ્યું. વિરમગામ તાલુકાના માંડલ ગામના ભક્ત નારી ઝબુબાએ એમનું શિષ્યત્વ સ્વીકારેલું, એમનાં પણ પંદરેક ભજનો મળે છે. પુત્રો : નાનજી અને હરજીવનદાસ. સવાભગતનું અવસાન: ઈ.સ. ૧૯૬૧, વિ.સં. ર૦૧૭ વૈશાખ વદી અગિયારસ. જગ્યાના ગાદીપતિ હરજીવનદાસના પુત્ર : બળદેવદાસજીના પુત્ર હાલ -વાસુદેવ મહારાજ.. હાલમાં તો પીપળીધામ ખાતે રામદેવજી મહારાજના અતિ વૈભવશાળી ભવ્ય મંદિર સાથે લાખો અનુયાયીઓનો સમુદાય જોડાયેલો છે.
ઈ.સ.૧૯પ૭માં સ્વામી આનંદ સવારામબાપાને મળવા પીપળી ગયેલા.(‘વેરાનમાં ચંદનવન’ – મનુભાઈ ત્રિવેદી‘સરોદ’/‘ગાફિલ’ પૃ.ર૯થી ૩૮) એ પછી ડિસેમ્બરમાં ગોંડલ મકરન્દભાઈને ત્યાં સ્વામી આનંદ આવેલા.
લોકભજનિકોના કંઠે સચવાયેલું ઝબુબાઈ રચિત આ ભજન લઈએ –
હરિજનોએ માયા હરિને સોંપી રે,
ભગતિના સારૂ,
પોતે લજ્યા પોતાની લોપી રે,
ભગતિના સારૂ..
તારાદે જરાકે ન લાજ્યાં,
છોડી અજોધાના રાજા,
ૠષ્ાિને પૂજવા મેલી મરજાદા રે..
-ભગતિના સારૂ….૦
મીરાંબાઈને લાગી તાળી,
ગિરધર વિના કાંઈ ન ભાળી,
રાણાએ ઝેર પાયાં ગાળી રે..
-ભગતિના સારૂ….૦
તોરલદે મહાસતી કેવાણાં,
સધીર શેઠને બોલે બંધાણા,
દેહ વેચીને લાવ્યા’તા દાણા રે..
-ભગતિના સારૂ….૦
રાજ પદમણી રૂપાં રાણી,
પાટે જાતાં રાણી ચન્દ્રાવળીએ જાણી,
રાવળ માલે તલવારૂં તાણી રે..
-ભગતિના સારૂ….૦
ખોળી જોવો પીરૂંના ખાતાં,
પતિવ્રત પાળીને પાટે જાતાં,
વાચ કાછના ઈ જતિ-સતી સાચાં રે..
-ભગતિના સારૂ….૦
ટેક્વાળાને અટક આવે,
પામરના કહેવાથી દિલડાં નો ડગાવે,
એવી સતીયું અમરાપરમાં જાવે રે..
-ભગતિના સારૂ….૦
માન મેલી મંડપમાં માણ્યા,
સદ્ગુરુને વચને વેચાણાં,
દાસી ઝબુ કહે એને વેદે વખાણ્યાં રે…
-ભગતિના સારૂ….૦
હરિજનોએ માયા હરિને સોંપી રે,
ભગતિના સારૂ,
પોતે લજ્યા પોતાની લોપી રે,
ભગતિના સારૂ…૦ ઉ