અલ-કાયદાનો વડો મરાયો

દેશ વિદેશ

નવી દિલ્હી: અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલા ડ્રોન હુમલામાં અલ-કાયદાનો વડો અલ-ઝવાહિરી ઠાર મરાયો હતો. અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને આ અહેવાલને પુષ્ટિ આપી
હતી. અમેરિકા દ્વારા મારવામાં આવેલા છાપા દરમિયાન ઓસામા બિન લાદેનનું મૃત્યુ થયા બાદ અલ-ઝવાહિરીએ અલ-કાયદાના વડા તરીકેનું સ્થાન સંભાળી લીધું હતું.
યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં બે દાયકા કરતા પણ વધુ સમય સુધી વીતાવ્યા બાદ અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડી દીધાનાં માત્ર ૧૧ મહિનામાં જ અમેરિકાના આતંકવાદવિરોધી મિશનને આ મહત્ત્વની સફળતા મળી હતી.
અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને સોમવારે સાંજે સાડાસાત વાગે રાષ્ટ્રને કરેલા સંબોધન દરમિયાન આ મિશનની વિગતોની જાહેરાત કરી હતી.
અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) દ્વારા આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું.
ડ્રોન હુમલા દ્વારા અલ-ઝવાહિરીની હત્યા કરવામાં આવી ત્યારે તે વરિષ્ઠ તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીના નિકટના સાથીદારની માલિકીના ઘરમાં હતો.
ડ્રોન હુમલામાં અલ-ઝવાહિરી ઠાર મરાયો હોવાના અહેવાલને સમર્થન મળ્યા બાદ સીઆઈએની ટુકડીએ જમીન તેમ જ હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.
અલ-કાયદાને સૌથી વધુ સુસંગઠીત કરવામાં અલ-જવાહિરીએ સૌથી વધુ યોગદાન આપ્યું હતું. અલ-ઝવાહિરીના મૃત્યુને કારણે અલ-કાયદાને મોટો ફટકો પડ્યો છે.
ઓસામાન બિન લાદેન અને અલ-ઝવાહિરીએ સાથે મળીને અમેરિકાને નિશાન બનાવવા જેહાદી ઝુંબેશ આરંભી હતી અને વર્ષ ૨૦૦૧માં અમેરિકા પર ૯/૧૧નો હુમલો કરાવ્યો હતો જેમાં લગભગ ૪૦૦૦ લોકોનાં મોત થયાં હતાં.
અલ-ઝવાહિરી એફબીઆઈની મૉસ્ટ વૉન્ટેડની યાદીમાં હતો. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.