બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર અને સિરીયલ કિસરની ઈમેજ ધરાવતા ઈમરાન હાશ્મીએ હાલમાં જ મુંબઈ મેટ્રોની ટ્રેનમાં મુસાફરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને જણ તેમની આગામી ફિલ્મ સેલ્ફીના પ્રમોશન માટે આ પબ્લિસિટી સ્ટન્ટ કર્યો હતો.
ફિલ્મના પ્રમોશન માટે આજકાલ એક્ટર્સ અને ડિરેક્ટર્સ જાત-જાતના ગતકડાં કરતાં હોય છે એવામાં અક્કી અને ઈમરાને પણ તેમની આગામી ફિલ્મ સેલ્ફીના પ્રમોશન માટે કોઈ ઈવેન્ટમાં જવાને બદલે મુંબઈ મેટ્રોમાં પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. જોકે બંને જણે માસ્ક પહેર્યો હતો એટલે તેમને ઓળખવામાં લોકોને મુશ્કેલી પડી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે બંને જણ ઓર્ડિનરી પ્રવાસીની જેમ જ ટ્રેનમાં એન્ટ્રી લે છે અને સીટ પર બેસી જાય છે.
View this post on Instagram
થોડાક સમય બાદ જ્યારે પ્રમોશન માટે ડાન્સર્સની એન્ટ્રી થાય છે ત્યારે લોકોને ખ્યાલ આવી જાય છે કે કંઈક તો ગરબડ છે અને બસ ત્યારે અક્કી અને ઈમરાન બંને માસ્ક હટાવી દે છે અને સેલિબ્રિટીને પોતાની સાથે પ્રવાસ કરતો જોઈને પ્રવાસીઓ ચોંકી જાય છે. અક્કી અને ઈમરાને ડાન્સર્સ સાથે મૈં ખિલાડી તુ અનાડી ગીત પર ડાન્સ પણ કર્યો હતો.
પાછા ફરતી વખતે વીડિયોમાં જોઈ શકાય છે કે બંને સ્ટાર્સ પોલીસની સુરક્ષા હેઠળ સ્ટેશનથી બહાર આવે છે. ચહેરો દેખાડ્યા બાદ પ્રવાસીઓ અક્કી અને ઈમરાનને ઘેરી વળ્યા હતા અને સેલ્ફી ક્લિક કરવા લાગ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સેલ્ફી ફિલ્મની વાર્તા પણ સ્ટાર્સ અને તેમના ફેન્સની જ છે. જેમાં અક્કી સુપર સ્ટાર વિજય કુમારનો રોલ કરી રહ્યો છે. અક્કી અને ઈમરાન સિવાય આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, ડાયના પેન્ટી, નુસરત ભરુચા અને ટિસ્કા ચોપ્રા જેવા સ્ટાર્સ પણ કામ તરતાં જોવા મળશે. ફિલ્મ આ જ મહિને 24મી તારીખના રિલીઝ થવા જઈ રહી છે.