પ્રવાસીઓની અંગત માહિતી લીક થઇ ગઇ, એર લાઇન્સે માગી માફી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ખાનગી એરલાઇન અકાસા એરના મુસાફરોની અંગત માહિતી લીક થઈ છે. મુસાફરોની અંગત માહિતી જેમ કે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જેવી માહિતી લીક થઇ ગઇ હોવાની જાણકારી ખુદ કંપનીએ આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, લોગઇન અને સાઇન-અપ સેવાઓમાં કેટલીક અસ્થાયી ટેક્નિકલ ખામીને કારણે આ વિગતો અનધિકૃત વ્યક્તિઓને ઉપલબ્ધ થઇ ગઇ છે.

એરલાઇન કંપનીએ પોતે આ ભૂલની પુષ્ટિ કરી છે. કંપનીએ કહ્યું કે તેઓએ આ ડેટા લીક અંગે સરકાર અને ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERTIN)ને પણ જાણ કરી છે. આ ઉપરાંત, કંપનીએ વ્યક્તિગત માહિતી લીક કરવાની ભૂલ માટે ગ્રાહકોની માફી માંગી છે અને આ ડેટા લીક વિશે તેની વેબસાઇટ પર ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોને પણ જાણ કરી છે.

અકાસા એરે જણાવ્યું હતું કે રજિસ્ટર્ડ યુઝરના નામ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ સિવાય પ્રવાસ અને પેસેન્જરોની ચૂકવણી સંબંધિત માહિતી લીક થઇ નથી.
નોંધનીય છે કે અકાસા એરના મેક્સ વિમાનોને ઓગસ્ટ 2021માં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી લીલી ઝંડી મળી હતી. આ પછી, એરલાઇન કંપનીએ ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગ સાથે 72 MAX એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તાજેતરમાં જ કંપનીએ કોમર્શિયલ ફ્લાઈટ સર્વિસ શરૂ કરી છે. એરલાઈન્સની પ્રથમ ફ્લાઈટ મુંબઈ-અમદાવાદ વચ્ચે ઓપરેટ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.