વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવાર ગુરુવારથી ભારે વરસાદથી પ્રભાવિત વિદર્ભ, મરાઠવાડાની મુલાકાત લેશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહાવિકાસ આઘાડી સરકારમાં સક્રિય ભાગ ભજવી ચૂકેલા એનસીપીના નેતા અજિત પવાર હવે વિપક્ષના નેતાનું પદ સંભાળ્યા બાદ આક્રમક રૂપમાં આવી ગયા છે. અજિત પવારનો વિવિધ વિસ્તારોની મુલાકાતનો દોર પહેલાની જેમ જ ચાલુ છે. અજિત પવાર જ્યારે નાયબ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના દ્વારા સવારે સાત વાગ્યે યોજાતી સભાઓ ચર્ચામાં રહેતી હતી. હવે અજિત પવાર વિપક્ષના નેતાની રૂએ વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે રાજ્યમાં ભારે તબાહી સર્જાઇ છે. જુદા જુદા જિલ્લાઓના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનો પાક પણ અતિવૃષ્ટિમાં નાશ પામ્યો હોવાથી તેમને ભારે નુક્સાન થયું છે. અજીત પવારે રાજ્યમાં લીલો દુકાળ જાહેર કરવાની માગણી સરકાર સમક્ષ કરી છે. અજિત પવાર હવે પૂર પ્રભાવિત વિસ્તારોના પ્રવાસ પર નીકળી રહ્યા છે, જ્યાંથી તેઓ સરકાર પર ટીકાસ્ત્રો છોડતા જોવા મળશે.

અજિત પવાર ગુરુવાર 28મી જુલાઈથી વિદર્ભ, મરાઠવાડા સહિત રાજ્યના ભારે વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોના પ્રવાસે જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ સ્થાનિક નાગરિકો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ પાસેથી ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની માહિતી લેશે.
અજિત પવાર 28 જુલાઈએ ગઢચિરોલી, ચંદ્રપુર અને નાગપુર જિલ્લાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. 29 જુલાઈના રોજ, તેઓ વર્ધા, યવતમાલ જિલ્લાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને 30 જુલાઈના રોજ, નાંદેડ, પરભણી, હિંગોલી અને બીડ જિલ્લાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે 110 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે ખેતીની જમીન અને પાકને વ્યાપક નુકસાન થયું છે., એની નોંધ લઇને અજિત પવારે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખીને રાજ્યમાં લીલો દુકાળની જાહેરાત કરવાની અને ભારે વરસાદથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની તેમ જ નુક્સાનીથી આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતોને તાત્કાલિક મદદ કરવાની સરકાર પાસે માગણી કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.