શિંદે સરકારની ઝાટકણી કાઢી: આટલી હલકી કક્ષાનું રાજકારણ જોયું નથી: સંભાજી સ્મારકના પ્રોજેક્ટ પર સ્ટેથી ભભૂક્યો રોષ
વિપુલ વૈદ્ય
મુંબઈ: વિધાનસભાના વિપક્ષી નેતા અજિત પવાર સામાન્ય રીતે અત્યંત શાંત અને સરળ સ્વભાવના જણાતા હોય છે. સામાન્ય સંજોગોમાં તેઓ ગુસ્સો કરતાં નથી, પરંતુ મંગળવારે મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વમાં બનેલી સરકાર પર તેમનો ગુસ્સો ફાટ્યો હતો, તેમણે કહ્યું હતું કે આટલી હલકી કક્ષાનું રાજકારણ મેં ક્યારેય જોયું નથી. એક વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલા પ્રોજેક્ટ પર આ સરકાર રોક લગાવી રહી છે.
રાજ્યમાં નવી સરકાર આવ્યા બાદ અજિત પવાર દ્વારા ફાળવણી કરવામાં આવેલા અનેક પ્રોજેક્ટ પર સરકારે રોક લગાવી હતી. આ બધાને કારણે અજિત પવારને સરકાર પ્રત્યે નારાજગી હતી, તેમાંય જ્યારે બારામતીને ફાળવવામાં આવેલા ભંડોળ પર પણ રોક લગાવવામાં આવી ત્યારે પણ અજિત પવાર આટલા ગુસ્સે થયા નહોતા, પરંતુ મંગળવારે મહારાષ્ટ્ર સરકારે લીધેલા એક નિર્ણય બાદ અજિત પવારની સહનશક્તિ પૂરી થઈ ગઈ હતી અને તેઓ ગુસ્સામાં લાલ-પીળા થઈ ગયા હતા. પુણેના વઢુ-બુદ્રુકમાં સંભાજી મહારાજનું સ્મારક બનાવવાના પ્રસ્તાવને મહાવિકાસ આઘાડી સરકારે મંજૂરી આપી હતી. તેના પર સ્થગનાદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા નિયોજન સમિતિએ મંજૂર કરેલા કામને પણ રોકવામાં આવ્યા. સહકારી સંસ્થાઓની ચૂંટણીને સ્થગિત કરી દેવામાં આવી એવા દાખલા આપતાં અજિત પવારે કહ્યું હતું કે આ સરકાર અત્યંત હીન કક્ષાનું રાજકારણ કરી રહ્યું છે. એકનાથ શિંદે અમારી સાથે હતા ત્યારે જે કામને મંજૂરી આપવામાં આવી હતી તે કામોને પણ હવે રોક લગાવવામાં આવી રહી છે. દિલીપ વળસે-પાટીલની ભીમાશંકર કારખાનાની બે બેઠકો માટેની ચૂંટણીને બે દિવસ બાકી હતા ત્યારે તેના પર રોક લગાવવામાં આવી હતી. ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થયા બાદ તેના પર રોક લાગી શકે નહીં, પરંતુ આ બધું કરવામાં આવી રહ્યું છે.
આમાંથી એકેય કામ અમારા વ્યક્તિગત નહોતા, ૨૦૨૧થી મંજૂર કરવામાં આવેલા કામને પણ રોક લગાવવામાં આવી છે.
અજિત પવારે ભંડોળની ફાળવણીમાં અન્યાય કર્યો હોવાથી પુનરાવલોકન માટે કામને રોકવામાં આવ્યાની વાતનો ઉલ્લેખ કરતાં તેઓ ફરી ગુસ્સે થયા હતા અને જણાવ્યું હતું કે તેમણે શિવસેના છોડીને જવું હતું એટલે આવા મુદ્દા માંડી રહ્યા છે. વિધાનસભામાં મંજૂર થયેલા બજેટને આધારે ભંડોળની ફાળવણી કરવામાં આવી હોવા છતાં આવી રીતે એકના એક મુદ્દા શા માટે માંડવામાં આવે છે?
ઠાકરે સરકારે છેલ્લા દિવસોમાં ૪૦૦ આદેશ આપ્યા હતા, તેથી સમીક્ષા: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે અગાઉની ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકારે તેના છેલ્લા દિવસોમાં ૪૦૦ જેટલા આદેશો બહાર પાડ્યા હતા અને સામાન્ય બજેટની ફાળવણી કરતાં પાંચગણી ભંડોળની ફાળવણી કરી હતી.
આ સરકારી આદેશો મોટા પ્રમાણમાં વિવિધ વિકાસના કામોને ભંડોળની ફાળવણીને લગતા છે. મહાવિકાસ આઘાડી સરકાર લઘુમતીમાં મુકાયા બાદ આ બધા નિર્ણયો લેવામાં આવ્યા હોવાથી તેમની યોગ્યતા વિશે શંકા ઉપસ્થિત થાય છે અને તેથી જ આ બધા નિર્ણયોને કારણે રાજ્યની તિજોરી પર બિનજરૂરી ભાર ન પડે તેથી બધા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવી રહી છે, એમ પણ ફડણવીસે કહ્યું હતું.