વિરોધી પક્ષના નેતા અજિત પવારનો વિધાભવન બહારનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે બજેટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમની બાજુમાં ઊભા અજિત પવાર સાથે મવિઆના અનેક નેતાઓ હાજર જોવા મળ્યા હતા. ઉદ્ધવ બજેટ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા એ સમયે અજિત પવાર કોઈને આંખ મારતા દેખાઈ રહ્યા છે અને હવે પવારે ચોક્કસ કોને અને શા માટે આંખ મારી એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. રાજ્યામાં સત્તાંતર બાદ શિંદે-ફડણવીસ-સરકારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું અને આ બજેટ પર વિધાનભવનની બહાર મહાવિકાસ આઘાડીના બધા નેતાઓ ઊભા હતા. ઉદ્ધવ પ્રસાર માધ્યમો સાથે સંવાદ સાધી રહ્યા હતા ત્યારે પવારની એક અલગ જ બોડી લેન્ગ્વેજ જોવા મળી હતી.
ઉદ્ધવ ઠાકરે બોલી રહ્યા હતા એ સમયે પવારનું ધ્યાન તેમની તરફ બિલકુલ નહોતું. પવાર આ આખી પ્રતિક્રિયા દરમિયાન અહીંયા-ત્યાં જોવા મળ્યા હતા. તેમની બાજુમાં ઊભેલા રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડના ખભા પર તેઓ હાથ મૂકે છે અને જાબી બાજુ જોઈને ધીરેથી કોઈને આંખ મારતા જોવા મળે છે. અજિત પવારની આજા-બાજુમાં ઉપસ્થિત કોઈ પણ નેતા સાથે તેમની નજરો મળી નહોતી કે ના તો કોઈ તેમની આ હિલચાલને પ્રતિભાવ આપતા જોવા મળ્યા હતા. આ કારણસર અજિત પવાર ચોક્કસ કોને આંખ મારી એવી રાજકીય ચર્ચા જોર-શોરથી ચાલી રહી છે.