આ શીર્ષકધારી ફિલ્મના મેકર નીરજ પાંડે છે!
દિલ ચાહતા હૈ -પાર્થ દવે
૧૯૯૪માં અજય દેવગણ – રવિના ટંડન – સુનિલ શેટ્ટી અભિનિત ‘દિલવાલે’ ફિલ્મ આવી હતી, જેનો ‘ડાયલોગ’ હમે તો અપનો નેં લૂટા, ગૈરોં મેં કહાં દમ થા, મેરી કશ્તી વહાં ડૂબી, જહાં પાની કમ થા’ – બહુ ફેમસ થયો હતો. નાઇન્ટિઝની પેઢીની મેમરી તો આ ડાયલોગસ સાથે અલગ રીતે જ જોડાયેલી છે. હરજસપાલ બાવેજા ઉર્ફે હેર્રી બાવેજા (એ જ ન ચાલેલા અભિનેતા હરમન બાવેજાના પિતા) દિગ્દર્શિત દિલવાલે’ ફિલ્મ ટીવી પર બહુબધી વખત આવતી. સપના… સપના… તુમ કહાં હો’ કહેતો ભોળોભલો અજય દેવગણ દેખાતો. નદીમ – શ્રવણનું કર્ણપ્રિય સંગીત, સમીર અંજાનના એટલા જ સુંદર શબ્દો ને કુમાર સાનુ – અલ્કા યાજ્ઞિકનો અવાજ! જીતા થા જીસ કે લીએ… ઉસકે લીએ મરતા થા… એક ઐસી લડકી થી, જીસે મેં પ્યાર કરતા થા – આ ગીત વચ્ચે પેલો કશ્તી વાળો ડાયલોગ આવે છે.
બાદમાં તો એ ડાયલોગની પેરોડી પણ બહુ થઈ. રિયાલિટી શોઝમાં તેની મસ્તી થઈ. હવે એ ડાયલોગ એક ફિલ્મનું શીર્ષક બનવાનું છે! વાત એમ છે કે, અજય દેવગણ અને તબ્બુની એક મ્યુઝિકલ લવસ્ટોરી આકાર લઈ રહી છે. દૃશ્યમમાં આપણે બંનેને જોયા. ભોલામાં પણ બેઉ દેખાવાના છે. હવે તેઓ આ ફિલ્મમાં દેખાશે, જેનું નામ છે ઔરોં મેં કહાં દમ થા! આ પ્રણય કથા હશે. સંગીતમય પ્રણય કથા હશે. તેનું સંગીત એમ. એમ. કીરવાણી આપવાના છે. હા, એ જ આરઆરઆરવાળા એમ. એમ. કીરવાણી !
વધુ મહત્ત્વની અને રસપ્રદ વસ્તુ આ ફિલ્મના ડિરેક્ટર છે. ઔરોં મેં કહાં દમ થા’ ફિલ્મના ડિરેક્ટર થ્રિલર ફિલ્મો અને સિરીઝ બનાવનારા નીરજ પાંડે છે. નીરજ પાંડેની એઝ અ ડિરેક્ટર આ ૬ઠ્ઠી ફિલ્મ છે. બંગાળના ૪૯ વર્ષીય પાંડેજીએ અત્યાર સુધી એ વેડનસડે, સ્પેશિયલ ૨૬, બેબી, એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, ઐયારી: આટલી ફિલ્મો બનાવી ચૂક્યા છે. એમાં ઐયારીમાં લોચો પડી ગયો હતો. બાકી તેમનું કામ ફકડ હતું. એ વેડનસડેની તો વાત જ શી કરવી!
લાગી રહ્યું છે કે, આ પ્રણય કથાની પણ ટ્રિટમેન્ટ તો થ્રિલર જ હશે. કથાનો વિસ્તાર ૨૦૦૨થી ૨૦૨૩ સુધીનો છે. તબ્બુ ને દેવગણ સાથે, નીરજ પાંડેના ફેવરિટ જિમ્મી શેરગિલ પણ છે! આ બધા ગયા શનિવારથી કામે ચડ્યા છે એટલે કે ફિલ્મ ઓન ફ્લોર ગઈ છે.
—————
અનુરાગ બાસુની ‘મેટ્રો ઇન દિનો’ આ વર્ષે રિલીઝ થશે, સ્ટાર કાસ્ટ રસપ્રદ છે
ઢગલામાંથી ઉપાડીએ તો થોડી અલગ પડે એવી, દિલને ગમી જાય તેવી ફિલ્મો બનાવનાર અનુરાગ બાસુ ‘મેટ્રો ઇન દિનો’ લાવી રહ્યા છે. જી હાં, તેમની ૨૦૦૭માં આવેલી ‘લાઇફ ઇન અ… મેટ્રો’ના પોપ્યુલર થયેલા ગીત પરથી જ આ ફિલ્મનું શિર્ષક ફાઇનલ કર્યું છે. હાલના સમયના મનુષ્યના સંબંધો ‘મેટ્રો ઇન દિનો’માં દર્શાવવામાં આવશે. ફિલ્મની સ્ટારકાસ્ટ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ: આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, અલી ફઝલ અને ફાતિમા સના શેખ. સંગીત પ્રિતમ આપશે. મેટ્રો ઇન દિનો’ વર્ષાંતે, ૮મી ડિસેમ્બરે રિલીઝ થશે. અનુરાગ બાબુની છેલ્લે ‘લૂડો’ ફિલ્મ આવી હતી, તે પણ ૨૦૨૦માં. ડાયરેક્ટ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘લૂડો’માં જુદી જુદી વાર્તાઓ ક્રોસ થતી હતી. લખનારને અભિષેક બચ્ચન સિવાયના તમામ ટ્રેક ગમ્યા હતા. સૌથી વધારે પંકજ ત્રિપાઠીવાળો અને સેક્ધડ ક્રમાંકે રાજકુમાર રાવવાળો! ‘લૂડો’ના ત્રણ વર્ષ પહેલા ‘જગા જાસૂસ’ આવી હતી. એક સમયના પ્રેમી પંખીડા રણબીર કપૂર – કેટરીના કૈફ અભિનિત મ્યુઝિક ઍડવેન્ચર કોમેડી ફિલ્મ જગ્ગા જાસૂસ ટુકડાઓમાં સારી હતી. જોકે, ફ્લોપ ગયેલી. તેના પાંચ વર્ષ પહેલા ‘સ્વીટ સ્વીટ બરફી!’. એ પહેલા કાઇટ્સ ને લાઇફ ઇન અ… મેટ્રો ને ગેન્ગસ્ટર ને મર્ડર ને પહેલી ફિલ્મ સાયા.
અનુરાગ બાસુ કેન્સર સર્વાઇવર છે. ‘ગેન્ગસ્ટર’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેમની કીમોથેરપી ચાલતી હતી. અને આ બીમારી દરમ્યાન જ તેમણે ‘લાઇફ ઇન અ.. મેટ્રો’ની સ્ક્રીપ્ટ લખી હતી!