વરસાદી બીમારીથી રાહત આપે અજમાનાં પાન

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

સામાન્ય રીતે ચોમાસામાં લીલાં પાંદડાંવાળી ભાજી ખાવી યોગ્ય માનવામાં આવતી નથી. તેનું મુખ્ય કારણ જો તેને બરાબર સાફ કરવામાં ન આવે તો અકારણ બીમારીનો ભોગ બની જવાય છે. વળી ચોમાસામાં ભેજને કારણે શાકભાજીમાં જીવાત થવાની શક્યતા રહે છે. આજે આપણે જે પાન વિશે વાત કરીશું તેનો ઉપયોગ ચોમાસામાં કરવાથી સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદા શરીરને મળી રહે છે. અજમાનાં પાનની એક આગવી સુગંધ હોય છે. ફક્ત પાનને મસળીને જો સૂંઘો તો પણ શરીરમાં એક અજબ તાજગી અનુભવાય છે. ક્ધનડમાં અજમાનાં પાનને ‘સેવેર સાંબર સોપૂ’ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે ‘હજારો ઉપયોગમાં આવતાં પાન’.
ભારતીય રસોઈ ઘરમાં અજમાનો ઉપયોગ છૂટથી કરવામાં આવતો હોય છે. અજમાનાં પાનના ઉપયોગ વિશે બહુ જાણકારી જોવા મળતી નથી. અજમાનાં પાન સૂકા અજમાના બીજથી નથી ઊગતાં. ઈન્ડિયન બોરેજ તરીકે ઓળખાતી વનસ્પતિનાં પાન અજમાનાં પાન તરીકે ઓળખાય છે. પિઝાની ઉપર સજાવટની સાથે સ્વાદ માટે ઉપયોગમાં લેવામાં આવતો ઓરેગાનો એટલે જ અજમાનાં પાનની સુકવણી બાદ તૈયાર કરવામાં આવતો ભૂકો. ચમકદાર લીલા રંગનાં પાનનો છોડ ઘરે સરળતાથી ઉગાડી શકાય છે. અજમાનાં પાનમાં જે સુવાસ સમાયેલી જોવા મળે છે તેવી જ સુવાસ સૂકા અજમાનાં દાણામાં સમાયેલી જોવા મળે છે. સામાન્ય રીતે ચોમાસું શરૂ થાય તેની સાથે પ્રત્યેક વ્યક્તિને ગરમાગરમ ભજિયાં કે બટાટાવડાં ખાવાની અદમ્ય ઈચ્છા થવા લાગે છે. ભજિયાંની મોજ માણી જ લેવી જોઈએ તેમાં કાંઈ ખોટું નથી. સ્વાસ્થ્યની કાળજી લેવાઈ જાય તથા ભજિયાં ખાવાની ઈચ્છા પણ સંતોષાય તેવી વ્યવસ્થા થાય તો આનંદ બમણો થાય. તે વાત પણ એટલી જ સાચી છે.
હવેથી ભજિયાં ખાવાનું મન થાય તો સ્વાસ્થ્યવર્ધક અજમાનાં પાનનાં ભજિયાં ખાજો. જો તમે સ્વાદ ન ચાખ્યો હોય તો અચૂક તેને માણીને અજમાનાં પાનનાં ગરમાગરમ ભજિયાંના તમે શોખીન બની જશો. વળી નફામાં તમારું આરોગ્ય બગડતું બચી જશે. ચાલો જાણી લઈએ અજમાનાં પાનના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે.
અજમાનાં પાનને આયુર્વેદમાં જડી-બુટ્ટી ગણવામાં આવે છે. અનેક બીમારીનો ઈલાજ અજમાનાં પાનના ઉપયોગ દ્વારા કરી શકાય છે. આરોગ્યની તંદુરસ્તી જળવાઈ રહે તેવા શક્તિવર્ધક ઍન્ટિઑક્સિડન્ટ, ઍન્ટિબાયોટિક્સ, ઍન્ટિ-કેન્સર, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો તેમાં સમાયેલા છે. અજમાનાં પાનમાં વિટામિન એ, વિટામિન કે તથા વિટામિન સીના ગુણો જોવા મળે છે.
——–
અજમાનાં પાનના આરોગ્યલક્ષી ફાયદા

પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ
અજમાનાં પાનને ઉકાળીને તેની ચા પીવાથી આંતરડામાં જમા થયેલો કચરો સાફ થઈ જાય છે. અજમાનાં કૂણાં પાનને સહેજ સંચળ સાથે ખાવાથી આરોગ્ય સંબંધિત તકલીફથી બચી શકાય છે. એસિડિટીની તકલીફમાં ઉપયોગી ગણાય છે. અજમાનાં પાનને ગોળની ગાંગડી સાથે લઈ શકાય છે. અજમાનાં પાનમાં ફાઈબર, નિયાસિન, કૅલ્શિયમ, મેંગેનીઝ, ફોલેટ, લેટેન, ક્રિપ્ટોક્સેથિન જેવા વિવિધ કેરોટિનૉઈડના ગુણો સમાયેલા જોવા મળે છે. તે સ્વાસ્થ્યને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
———
માંસપેશીમાં થતા કળતરને દૂર કરે છે
થોડું કામ કર્યા બાદ શરીર થાકી જવાની ફરિયાદ રહેતી હોય તેમને માટે અજમાનાં પાનનો ઉપયોગ અક્સીર ગણાય છે. અજમાનાં પાનને ગરમ પાણીમાં ઉકાળીને તેનો કાઢો બનાવીને પીવાથી શરીર સ્ફૂર્તિલું બની જાય છે. દુખાવો અસહ્ય હોય તો અજમાના કાઢાનો શેક કરવાથી રાહત મળે છે.
———
આર્થ્રાઈટિસની સમસ્યામાં લાભકારી
અજમાનાં પાન શરીરમાં થતા વાયુ કે ગેસની તકલીફમાં ઉત્તમ ઔષધિ ગણાય છે. પાનને ચાવીને ખાવાથી કે અજમાને શેકીને ચપટી સંચળ સાથે ફાકી જવાથી હાડકાંના દુખાવામાં રાહત મળે છે. સાંધામાં થતા કળતરમાં અજમાનાં પાનને પાણીમાં ઉકાળી લેવાં. કળતર થતા ભાગ પર તૈયાર કરેલા પાણીની ધીમે ધીમે ધાર કરવી. દિવસમાં બે-ત્રણ વખત કરવાથી દુખાવામાં રાહત મળે છે. અજમાનાં પાનને વાટીને તેનો લેપ બનાવીને શરીરમાં દુખાવો હોય ત્યાં લગાવી થોડો સમય રાખવાથી પણ રાહત મળે છે.
———
શરદી-ખાંસીમાં ગુણકારી
ઋતુમાં બદલાવ થવાની સાથે શરદી-ખાંસીની તકલીફ વધી જતી જોવા મળે છે. ઘરેલુ નુસખા અપનાવવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે ખાસ ઉપાય જાણી લો. અજમાનાં ૧૦-૧૨ પાનને અડધો લિટર પાણીમાં ધીમા તાપે ૫ાંચ મિનિટ ઉકાળી લેવાં. પાણી હૂંફાળું હોય ત્યારે તેમાં ચપટી સંચળ તથા લીંબુના રસનાં થોડાં ટીપાં ઉમેરીને પીવાથી રાહત મળે છે.
———
પેશાબની તકલીફમાં લાભદાયક
અજમાનાં પાનમાં સોડિયમ, આયર્ન, કેલ્શિયમ તથા પોટેશિયમના ગુણો સમાયેલા છે. પેશાબમાં બળતરા કે પેશાબ રોકાઈ રોકાઈને આવવાની તકલીફમાં અજમાનાં પાનનો કાઢો ગુણકારી ગણાય છે. પાચન સંબંધિત સમસ્યાને કારણે ક્યારેક પેશાબની તકલીફ રહે તેવું જોવા મળે છે, જેમ કે પૂરતા પ્રમાણમાં પાણી કે પ્રવાહી પીવામાં બેધ્યાન રહેવાની આદત. આવા સંજોગોમાં અજમાનાં પાનનું પાણી અત્યંત ગુણકારી બની રહે છે.
——–
અજમાનાં પાનનાં પકોડાં
સામગ્રી: ૧૦-૧૫ અજમાનાં પાન, ૧ કપ ચણાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, ચપટી હિંગ, ચપટી અજમો, ૧ ચમચી કૉર્ન ફ્લૉર અથવા ૧ ચમચી ચોખાનો લોટ ભેળવવો. ૧ નાની ચમચી હળદર, તળવા માટે તેલ.
બનાવવાની રીત: ચણાના લોટનું ભજિયા બનાવતી વખતે બનાવીએ તેવું ખીરું બનાવવું. ઉપરોક્ત મસાલા ભેળવવા. ૧ ચમચી ગરમ તેલ ભેળવવું. ગરમ તેલમાં એક પછી એક પાનને ચણાના લોટના મિશ્રણમાં બોળીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળી લેવાં. ભજિયાની ઉપર ચપટી ચાટ મસાલો ભભરાવીને દહીં સાથે ગરમાગરમ પીરસવાં.
——–
અજમાનાં પાનને ઘરે ઉગાડવાની રીત
અજમાનાં પાનને ઘરે સરળતાથી ઉગાડી શકાય છે. આ માટે તમારા રસોડામાં વપરાશમાં લેવાતો અજમો કામ નહીં આવે. નર્સરીમાંથી અજમાના ખાસ બીજને લાવીને કૂંડામાં વાવવાં. અજમાનાં પાનના છોડને વધુ પડતા ખાતરની આવશ્યકતા નથી. વળી છોડમાં કીડા થતા નથી, તેથી કીટનાશકનો છંટકાવ પણ કરવાની જરૂર નથી. ચોમાસામાં અજમાનાં પાનનો છોડ વાવવાની શ્રેષ્ઠ મોસમ ગણાય છે.
——
ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ
સવારે નરણા કોઠે અજમાનાં
પાનનો કાઢો પીવાનું રાખે તો ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં મદદ મળે છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.