હેન્રી શાસ્ત્રી

અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે Monkey Business જેના મસ્તીખોર, તોફાની, ઉપદ્રવી એવા અર્થ થાય છે. ગુજરાતીમાં આપણે એને વાનરવેડા કહી શકીએ. તાજેતરમાં યુએસએના કેલિફોર્નિયા શહેરની પોલીસ વાનરવેડામાં ફસાઈ હતી. બન્યું એવું કે પ્રાણીસંગ્રહાલયમાં ગેલ કરી રહેલા વાનરના હાથમાં મોબાઈલ આવી ગયો. હવે એ વાનરમાં કેટલી સમજણ છે એની જાણ નથી, પણ તેનાથી ૯૧૧ નંબર ડાયલ થઈ ગયો. ૯૧૧ ઈમર્જન્સી નંબર છે જે આફતમાં સપડાયેલા તાકીદે મદદ મેળવવા કરતા હોય છે. નંબર ઘુમાવ્યા પછી વાનરે ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો. આવો ફોન આવે એટલે તાત્કાલિક મદદ કરવા ઉત્સુક પોલીસે તરત સામો ફોન કર્યો, મેસેજ પણ ટેક્સ્ટ કર્યો, પણ કોઈ જવાબ ન મળતા પરિસ્થિતિ ગંભીર હશે એવું ધારવામાં આવ્યું. તાબડતોબ કોલ ક્યાંથી આવ્યો હતો એની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે એ ફોન પ્રાણીસંગ્રહાલયમાંથી આવ્યો હતો. બે સહાયકો ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે સંગ્રહાલયમાંથી તો કોઈએ ફોન નહોતો કર્યો. તર્ક – વિતર્ક અને તપાસ કર્યા પછી પોલીસે અનુમાન બાંધ્યું કે રઝળતો એક ફોન વાનરના હાથમાં આવ્યો અને પોલીસ પાર્ટીને નંબર ઘુમેરડાઈ ગયો. આખું ચિત્ર નજર સામે આવતા પોલીસ હસી પડી અને પૂર્વજ તેમની સાથે કેવી કળા કરી ગયો એની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી જેને કારણે રમૂજ ફેલાઈ ગઈ. —
કેન્ડી ચાખો ને કમાણી કરો
પેટનો ખાડો પૂરવા ભોજન કરવા પસીનો પાડી નોકરી – ધંધા કરવા પડે. જોકે, યુએસએના પાડોશી દેશ કૅનેડામાં ઊલટી ગંગા વહી રહી છે એમ રમૂજમાં કહી શકાય. વાત એમ છે કે કેનેડાની એક કંપનીએ કેન્ડી ઓફિસરના પદ માટે અરજીઓ મગાવી છે. વિજ્ઞાપનમાં જણાવવામાં આવ્યું છે કે ‘શું તમે કેન્ડી અને ચોકલેટ ઝાપટવાના શોખીન છો? હલવાઈની દુકાન જોઈ તમારા મોંમાં પાણી આવી જાય છે? નવી નવી મીઠાઈ અજમાવવી તમને ગમે છે? જો, આ સવાલોનો જવાબ હા હોય તો આ નોકરી તમારી રાહ જોઈ રહી છે.’ ઓન્ટેરિયો શહેર સ્થિત કંપની વાર્ષિક એક લાખ ડોલર (આશરે ૬૦ લાખ રૂપિયા) પગાર આપશે. ચીફ કેન્ડી ઓફિસરે દર મહિને કેન્ડી (વિવિધ મીઠાઈ)ની ૩૫૦૦ પ્રોડક્ટ્સ ચાખવાની રહેશે.
રોજની સરેરાશ ૧૧૩ આઈટમ ચાખવાની સાથે કંપનીની કેન્ડી અંગેની વેચાણ પદ્ધતિની વિવિધ બાબતો અંગે અભિપ્રાય આપી કામ આગળ વધારવાનું રહેશે. અરજી કરનાર પાંચ વર્ષની ઉંમરનો પણ હોઈ શકે છે અને એ નોર્થ અમેરિકાનો રહેવાસી હોય એ જરૂરી છે. કેન્ડી માટેની ઘેલછા અને મીઠાઈ જોઈને મોઢામાં પાણી છૂટતું હોય એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં આ નોકરી માટે ૭૦૦૦ જેટલી અરજી આવી ગઈ. અગાઉ કોઈ અનુભવ જરૂરી નથી અને ૩૧ ઑગસ્ટ અરજી કરવાની અંતિમ તારીખ છે. ખાસ નોંધવાની વાત એ છે કે કેન્ડી ઓફિસર વધુ પડતી સાકર આરોગશે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિયમ અનુસાર મર્યાદાથી વધુ સાકરના સેવનથી ટાઈપ ટુ ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ થઈ શકે છે. પસંદ કરાયેલા ઉમેદવારને દાંતની જાળવણી માટે તબીબી સહાય આપવામાં આવશે એમ પણ જાહેરખબરમાં જણાવાયું છે. આને કહેવાય કેન્ડી ખાવ ને કમાણી કરો. —
યે જો પબ્લિક હૈ સબ જાનતી હૈ
લોકશાહીમાં જનતા કેવી તાકાતવર હોય છે એનો પરચો દુનિયાભરના શાસકોને અનેકવાર થયો છે. તમે પબ્લિકને એક – બે વાર બેવકૂફ બનાવી શકો, વારંવાર નહીં એ લાગણીનો પડઘો પાડતા ‘રોટી’ ફિલ્મના ગીત ‘યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ, અંદર ક્યા હૈ બાહર ક્યા હૈ યે સબ કુછ પેહચાનતી હૈ’નો પરચો તાજેતરમાં ઈસ્ટ આફ્રિકાના સૌથી ધનાઢ્ય દેશ કેન્યાના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જ્યોર્જ વજાકોયાને થયો છે. ચૂંટણી પહેલા થયેલા પ્રચારમાં બે મુખ્ય ઉમેદવાર વચ્ચે તીવ્ર રસાકસી હોવાનું નોંધાયું હતું જ્યારે સંભવિત વિજેતા તરીકે વજાકોયાનો પડછાયો પણ નહોતો દેખાતો. જોકે, તેમણે પ્રચારમાં ગાંજાના વેચાણથી દેશને દેવામુક્ત કરી દેવાની વાત કરી હતી જેને મીડિયાએ ગજવી હતી અને યુવાવર્ગે વધાવી લીધી હતી. પ્રમુખ રાજકારણીઓ ભ્રષ્ટાચાર, ફુગાવો અને બેરોજગારી જેવી સમસ્યાનો નિવેડો નથી લાવી શક્યા એવી પણ માન્યતા પ્રવર્તતી હતી. જોકે, ચૂંટણીના પરિણામે પબ્લિક શું માને છે એ સ્પષ્ટ થઈ ગયું. બે મુખ્ય ઉમેદવારને અનુક્રમે ૫૦.૫ અને ૪૮.૮ ટકા મત મળ્યા જ્યારે મિસ્ટર જ્યોર્જને માત્ર ૦.૪ ટકા મત મળ્યા અને કોઈ પણ કાઉન્ટીમાં ૨૫ ટકા મત પણ નથી મળ્યા. ‘યે જો પબ્લિક હૈ સબ જાનતી હૈ’ નારો શું કહેવાય એ વધુ એક વાર જનતાએ સમજાવી દીધું.

કરોળિયાની ઊંઘ વૈજ્ઞાનિકોને જગાડી રહી છે
માનવ જાતિના વિકાસ માટે સતત પ્રયત્નશીલ વૈજ્ઞાનિકો ઉજાગરા કરવા માટે જાણીતા છે એ વાત જાણીતી છે. અલબત્ત જર્મન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ઊંઘ ઊડી ગઈ છે એનું કારણ છે એક કરોળિયો. ના, એ કોઈ ઉપદ્રવ નથી મચાવી રહ્યો, પણ કરોળિયો કેટલી ઊંઘ ખેંચી શકે છે એની ઝીણામાં ઝીણી માહિતી મેળવવા સંશોધકો ઉજાગરા કરી રહ્યા છે. અહીંથી તહીં કૂદાકૂદ કરતા રમતિયાળ બેબી સ્પાઈડર પર ખાસ કેમેરા ‘ચોકી’ કરી રહ્યા છે. શરૂઆતના ફુટેજનો અભ્યાસ કરતા એવું તારણ નીકળ્યું છે કે સમયાંતરે આ જીવ પણ ઘોરી જતો હોય છે. અમુક સમય થાય એટલે બેબી કરોળિયો પગનું ટૂંટિયું વાળી દે છે અને એની આંખના પોપચાં ઢળી જતા હોય એવું દેખાઈ રહ્યું હતું. માનવ શરીર જ્યારે નિદ્રાધીન હોય અને સપનું દેખાતું હોય ત્યારે આંખના આવા પલકારા જોવા મળતા હોય છે. બે ને બે ચારના નિયમને અનુસરી કરોળિયાની આ અવસ્થા ઊંઘવાની હોવી જોઈએ એવા નિષ્કર્ષ તરફ સંશોધકો આગળ વધી રહ્યા છે. આવું જ કંઈક શ્ર્વાન અને બિલાડીના અભ્યાસ દરમિયાન અગાઉ જાણવા મળ્યું હતું જેની સરખામણી માનવ આદત સાથે કરવામાં આવી હતી. આ પ્રયોગના પરિણામ પ્રાણી દુનિયાની અજાયબીમાં ડોકિયું કરાવી કોઈ નવી દિશા તરફ આંગળી ચીંધશે એવું માનવામાં આવે છે.

સાઈકલની જળસમાધિનું કારણ
યોગી પુરુષ સમાધિ લે એની હેરતપૂર્ણ કથા તમે વાંચી – સાંભળી હશે. હવાઈ જહાજ અકસ્માત થતા મહાસાગરમાં ખાબકે ત્યારે એણે જળસમાધિ લીધી એમ કહેવાતી હોય છે. જોકે, ચીનના દક્ષિણ પ્રાંતમાં, ઈટલીના રોમ શહેરમાં અને નેધરલેન્ડ્સના એમ્સટરડેમ શહેરમાં બે પૈડાંની બાઈસિકલની જળસમાધિના ચોંકાવનારા કિસ્સા બહાર આવી રહ્યા છે. જળમાં ડૂબકી માર્યા પછી મરજીવાઓને પ્લાસ્ટિક વેસ્ટ કે છીપલાં કે કરચલા – માછલી હાથ નથી લાગતા પણ સાઇકલ મળી રહી છે. ભાડે સાઈકલ આપતી કંપનીઓ ટેન્શનમાં આવી ગઈ છે. સાઈકલ સવારીને ઉત્તેજન આપતા એમ્સ્ટર્ડેમની નહેરોમાંથી દર વર્ષે ૧૫૦૦૦ બાઈસિકલ નીકળી રહી છે. આવું કેમ બને છે એની તપાસ કરતા ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે કે આ સાઈકલને કારણે એપની મદદથી લોકોની પ્રાઈવસી જોખમાય છે એવી જાણકારી ચીનમાં ફેલાઈ ગઈ. સાઇકલ સવાર ક્યાંથી નીકળી ક્યાં પહોંચ્યો છે એની જાણ ભાડે આપતી સાઇકલ કંપનીને થાય છે અને એ જાણકારી રાજકારણીઓને વેચવામાં આવતી હોવાની વાત ફેલાઈ છે, બોલો. એમ્સટર્ડમમાં દારૂના નશામાં ચૂર લોકો અડફેટમાં આવતી સાઇકલ પર ગુસ્સો ઉતારી એને પાણીમાં પધરાવી દેતા હોય છે. એક સમયે સ્વાતંત્ર્યનું પ્રતીક ગણાતું બે પૈડાંનું વાહન પરતંત્રતાની લાગણી જન્માવી રહ્યું છે.

Google search engine