Homeઈન્ટરવલઅજબ ગજબની દુનિયા

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ચુરાકે કૅશ મેરા, ગોરિયા ભાગી
અક્ષય કુમાર જ્યારે ‘ચુરાકે દિલ મેરા ગોરિયા ચલી’ એમ ગાય છે ત્યારે ચોરી વિષે એ ગમગીન નથી, બલકે રાજી રાજી છે. દિલ ચોરી જનાર શિલ્પા શેટ્ટીના મનમાં પણ કોઈ અપરાધ ભાવ નથી, ઉલટાનું આ ચોરી કરવા બદલ એ ગર્વ અનુભવે છે. શિલ્પાને કોઈ લૂટેરી દુલ્હન નથી કહેતું. જોકે, બિહારમાં એક લૂટેરી દુલ્હનની કથા વાયુવેગે વાયરલ થઈ છે. વાત અહીં દિલની ચોરીની નથી પણ નગદ નારાયણની ઉચાપતની છે. બન્યું એવું કે ‘રાજા કી આયેગી બારાત, રંગીલી હોગી રાત’ના મીઠા મનસૂબા સાથે એક દુલ્હા રાજા રાજસ્થાનથી ૧૬૦૦ કિલોમીટરનું અંતર કાપી બિહાર બ્યાહ રચાને પહુંચા. બિહાર પહોંચ્યા પછી પરણેતર મળવાની વાત તો એક કોરે રહી, પાસે રહેલી પૂંજી લૂંટાઈ ગઈ. દુલ્હે રાજા સાથે એવી ગજબનાક છેતરપિંડી થઈ જેમાં લગ્નના ફેરા ફર્યા પછી દુલ્હન કેશ (રોકડ રકમ) લઈને ફરાર થઈ ગઈ. મળેલી માહિતી અનુસાર રાજસ્થાનના એક રહેવાસીએ લગ્ન ગોઠવી આપતી એક વ્યક્તિની સહાયથી લગ્ન નક્કી કર્યાં હતાં. ક્ધયાનો પરિવાર ખૂબ ગરીબ હોવાથી લગ્નનો સંપૂર્ણ ખર્ચ યુવક કરવા માટે તૈયાર થયો હતો. ખર્ચ ઓછો થાય એ માટે લગ્ન મંદિરમાં કરવાનું નક્કી થયું. લગ્ન થયા પછી વિદાયના નામે ૬૦ હજાર રૂપિયાની માગણી ક્ધયા પક્ષ તરફથી કરવામાં આવી, પણ પૈસા હાથમાં આવતાંની સાથે દુલ્હનના પરિવારના સભ્યો અને દુલ્હન પોબારા ગણી ગયા. અંતે દુલ્હનના પિતા અને દુલ્હનની મોટી બહેન બચી જે નકલી હોવાની જાણ થઈ. આમ ભાંડો ફૂટ્યો અને ખાલી હાથે તેમ જ ખાલી ખિસ્સે વરરાજા ઘરે પાછા ફર્યા.

વાનરોના વાર્ષિકોત્સવને વધામણાં
માનવ સમાજના વિવિધ વાર્ષિકોત્સવ વિશે તમે ઘણું સાંભળ્યું હશે, વાંચ્યું હશે અને જોયું સુધ્ધાં હશે. મનુષ્યના પૂર્વજ ગણાતા વાનરના વાર્ષિકોત્સવ વિશે કોઈ જાણકારી હોવાની સંભાવના ખૂબ પાતળી છે. તાજેતરમાં હરવા ફરવાના શોખીન લોકોના લિસ્ટમાં અચૂક સ્થાન ધરાવતા થાઈલેન્ડમાં વાનરોના વિશિષ્ટ વાર્ષિકોત્સવની ઉજવણી થઈ હતી. જાણવા જેવી વાત એ છે કે થાઈલેન્ડના વિદેશી હૂંડિયામણમાં વધારો કરવામાં નિમિત્ત બનતા પ્રવાસન ઉદ્યોગ (ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી)ના વિકાસમાં વાનરોના રહેલો સિંહફાળો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા – આભાર પ્રગટ કરવાના આશય સાથે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્કોકથી આશરે ૧૫૦ કિલોમીટર દૂર આવેલા લોબપુરી પ્રાંતમાં આ અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતના ત્રણ પ્રાચીન પેગોડાના કમ્પાઉન્ડમાં હાથમાં ટ્રે સાથે વાનરોના પૂતળાં કતારબંધ ઊભા જોવા મળ્યાં હતાં. જોકે, સ્વયંસેવકોએ પૂતળાના વાનરો માટે તૈયાર કરેલું ભોજન સાચુકલું હતું. આ દ્રશ્ય જોઈ આસપાસ આંટાફેરા મારી રહેલા વાનરોએ થોડી વાર માટે ઘમસાણ મચાવ્યું હતું અને ટૂરિસ્ટો સમગ્ર ઘટનાનો આનંદ લઈ રહ્યા હતા. અલબત્ત આ ઘટના બે ઘડીની મજાકમાં ન ખપવી જોઈએ એ વાત પર ભાર મૂકી આયોજકોએ જણાવ્યું હતું કે ‘વાનરોના વાર્ષિકોત્સવને કારણે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને ઉત્તેજન મળે છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. લોબપુરી વાનર શહેર તરીકે પ્રખ્યાત છે. અગાઉ અહીં વાનરોની સંખ્યા ૩૦૦ હતી જે હવે વધી ૪૦૦૦ પર પહોંચી છે.’

કુટુંબ નિયોજન કેદનું કારણ
સંતતિ નિયમન કે બર્થ કંટ્રોલને વિશ્ર્વભરમાં ઉત્તેજન અપાય છે, કારણ કે એની અગત્યતા અને મહત્ત્વ સ્વીકારાયા છે. જોકે વીસમી સદીના પ્રારંભમાં પરિસ્થિતિ એકદમ વિપરીત હતી. આજથી ૧૦૬ વર્ષ પહેલા ૧૯૧૬માં પરિવાર નિયોજનનો પ્રચાર અને પ્રસાર કરવા બદલ એમા ગોલ્ડમેન નામની નર્સ અને સુયાણીની ધરપકડ કરવામાં આવી હતી. એમા બાળપણથી જ બળવાખોર સ્વભાવની હતી. સમજણી થયા પછી મહિલાઓના હક માટે લડવામાં સતત પ્રવૃત્ત રહેતી હતી. ન્યુ યોર્ક શહેરમાં ગરીબો માટે નર્સ અને સુયાણીનું કામ કરતી હતી. એ સમયે આર્થિક તંગી ધરાવતા લોકોમાં એમા સંતતિ નિયમન વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરતી હતી. એ લેક્ચર આપતી તેમજ પરિવાર નિયોજન માટેનાં આવશ્યક સાધનોનું વિતરણ પણ કરતી હતી. ચોંકાવનારી વાત એ છે કે એ સમયે યુએસમાં એક એવો કાયદો અસ્તિત્વમાં હતો જેની રૂએ કોન્ટ્રાસેપ્ટીવનાં સાધનોનો પ્રસાર અને પ્રચાર કરવો તેમ જ એની માહિતી લોકો સુધી પહોંચાડવી ગુનો ગણાતો હતો. એટલે પરિવાર નિયોજનની કામગીરી બજાવવા બદલ ગોલ્ડમેનની ૧૯૧૬માં ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવી હતી.

શબને સાઈકલ સવારી
અંત્યવિધિની વ્યવસ્થા કરનારને આપણે મસાણિયો તરીકે ઓળખીએ છે જ્યારે અંગ્રેજીમાં એ અંડરટેકર કહેવાય છે. પર્યાવરણની જાગરૂકતા સંદર્ભે વિદેશમાં અનેક ઠેકાણે ડીઝલ – પેટ્રોલ જેવા ઈંધણથી ચાલતા વાહનને બદલે બે પેડલથી ચાલતી બાઈસિકલના વપરાશને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં હારી ગયેલા ફ્રાંસની ઈઝાબેલ નામની અંડરટેકર અંત્યવિધિ પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં પાર પડે એ માટે ઇશભુભહય ઇંયફતિય (બાઈસિકલ હર્સ – શબપેટીને લઈ જવા સાઈકલનો ઉપયોગ)નો ઉપયોગ ચલણમાં લેવાની કોશિશ કરી રહી છે. ૫૧ વર્ષની ઈઝાબેલના કહેવા અનુસાર ‘પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થતી ખાસ પ્રકારની કાર્ગો બાઈસિકલની આ પદ્ધતિ વિકસી રહી છે. અલબત્ત સ્વિટ્ઝર્લેન્ડ અને ડેનમાર્ક સહિત ગણ્યાગાંઠ્યા દેશમાં આ સેવા આજની તારીખમાં છે, પણ ફ્રાંસમાં આ પહેલો જ પ્રયાસ છે. ફ્રાંસમાં અને ખાસ કરીને પેરિસમાં સાઈકલ પ્રવાસ સુંવાળી સફર ગણાય છે અને આપણા પ્રિયજનને અંતિમ વિદાય આપી રહ્યા હોઈએ એનાથી વધુ સુંવાળી સફર બીજી કઈ હોઈ શકે?’ પર્યાવરણની જાળવણી માટે કેવી કેવી કોશિશ થાય છે, જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી જેવી, હેં ને!

ગુડ ન્યૂઝ ક્યારે?: સરકારી સવાલ
એક સમય હતો જ્યારે લગ્નનું હજી વર્ષ ન વીત્યું હોય ત્યાં ક્ધયાના પિયરેથી અને સાસરેથી સુધ્ધાં ગુડ ન્યૂઝ ક્યારે આપો છો (મતલબ કે પરિણીત સ્ત્રી ક્યારે પ્રેગ્નન્ટ થાય છે) એની જિજ્ઞાસા વારંવાર ડોકિયાં કરતી હતી. અલબત્ત આજે તો લગ્ન પહેલા હરીફરી લઈએ અને બાળક પછી એવા સમીકરણ બની ગયા છે ત્યારે ચીનમાં સરકાર દ્વારા જ ફોન કરી ‘લગ્નના એક વર્ષમાં તો ગુડ ન્યૂઝ મળી જવા જોઈએ’ એવી આજીજી કે આગ્રહ રાખવામાં આવી રહ્યા છે. એક નવ પરિણીત મહિલાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે નાનજિંગ સિટી ગવર્નમેન્ટની મહિલા આરોગ્ય સેવા દ્વારા ‘તમે પ્રેગ્નન્ટ છો કે કેમ’ એવો સવાલ કરવામાં આવ્યો હતો. અલબત્ત હોબાળો મચ્યા પછી સત્તાધીશો દ્વારા એ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. આરોગ્ય સેવાના અધિકારી ઈચ્છે છે કે નવ પરિણીત યુગલ એક વર્ષમાં પ્રેગ્નન્ટ બને અને દર ત્રણ મહિને આવી પૂછપરછ કરતો ફોન યુગલને કરવામાં આવશે. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે તાજેતરમાં આયોજિત કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠકમાં જાહેર કર્યું હતું કે ચીનમાં નવા બાળકો વધુ જન્મે અને દેશની વસતી વધે એ આશયથી નવી પૉલિસી તૈયાર કરવામાં આવશે. જનસંખ્યા નથી વધી રહી એ બાબતે ચીન ચિંતિત છે.

શ્ર્વાનના સીમંતને સોશિયલ મીડિયાની સલામ
સ્ત્રી ગર્ભવતી બન્યા પછી સાતમે મહિને શુભ દિવસ જોઈને કરવામાં આવતી વિધિ સીમંત કે અઘરણી તરીકે ઓળખાય છે. આજની જનરેશન દ્વારા આ પ્રથાને બેબી શાવર જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. આપણા સમાજમાં પહેલા સંતાનના જન્મ પહેલા થતી આ વિધિની કોઈ નવાઈ નથી, પણ પાળેલા પ્રાણીને વધુમાં વધુ પડખામાં ઘાલતી આજની પેઢીએ હવે વહાલ દર્શાવવા વધુ એક કારણ શોધી કાઢ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા પોતાના પ્રેગ્નન્ટ ક્યુટ ડોગ (વહાલસોઈ માદા શ્ર્વાન)નું સ્કાર્ફ ઓઢાડી અને હાર પહેરાવી વિધિસર બેબી શાવર – સીમંત કરતી નજરે પડે છે. શ્ર્વાનના કપાળે ચાંદલો કરવામાં આવ્યો હતો અને થાળી ભરીને વાનગી પણ પીરસવામાં આવી હતી. પાળેલા પ્રાણીને ઘરના સભ્યની જેમ જ રાખતા પ્રાણી પ્રેમીઓ હવે ઉજવણીમાં નવા રંગ ઉમેરી રહ્યા છે એનો આ જીવતો જાગતો પુરાવો છે. ઉજવણી યાદગાર બનાવી દેવા શ્ર્વાનના માલિકે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતા નેટિઝનોએ આ અનોખી ઉજવણીને સલામ કરી લાગણીસભર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પરિવારે આ પ્રસંગમાં ૩૫૦ મહેમાનોને ઇન્વિટેશન કાર્ડ મોકલી આમંત્રણ આપ્યું હતું અને ગર્ભવતી માદા શ્ર્વાનને ૪૫૦૦ રૂપિયાનો સૂટ પહેરાવ્યો હતો. અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular